કાંદિવલીમાં ફૂડ-હબ તરીકે જાણીતા મહાવીરનગરમાં તાજેતરમાં લૉન્ચ થયેલાં મિની બર્ગર જમાવટ કરી રહ્યાં છે...
પૂકી બર્ગર ટ્રાય કરો
કાંદિવલીમાં રહેતાં નિકિતા શાહને પહેલેથી જ અવનવી વરાઇટી અને હોમમેડ સૉસ બનાવવાનો શોખ હતો અને દીકરાના કહેવા પર આ જ શોખને તેમણે બિઝનેસમાં પરિવર્તિત કર્યો. અત્યારે કાંદિવલીમાં ‘નિક્કીઝ કિચન’ બહુ પૉપ્યુલર થઈ રહ્યું છે. પહેલાં તો શરૂઆત ઘરેથી જ કરી પણ છ મહિનાથી આઉટલેટ ઓપન કર્યું છે. ફ્યુઝન રેસિપીઝ માટે જાણીતાં ૬૦ વર્ષનાં નિકિતા શાહ ત્રણ વર્ષથી ફૂડ-બિઝનેસ કરે છે. આમ તો તેમના આઉટલેટમાં પેસ્તો રાઇસ વિથ પેપરિકા સૉસ, પેસ્તો ઍન્ડ બીટરૂટ હમસ, છોલે ફ્રૅન્કી, મેક્સિકન પૉટ રાઇસ, વાઇટ સૉસ પાસ્તા જેવી આઇટમ્સ મળે છે ત્યારે હવે તેમણે બર્ગરનું મિની વર્ઝન ‘પૂકી બર્ગર’ લૉન્ચ કર્યું છે અને એ પૉપ્યુલર પણ થઈ રહ્યું છે. આ વિશે જણાવતાં નિકિતાબહેન કહે છે, ‘પૂકી એટલે ક્યુટ. કોઈ પણ ચીજનું મિનિએચર વર્ઝન જોઈએ એટલે ‘આ કેટલું ક્યુટ છે!’ એમ જ બોલી પડાય. નૉર્મલ બર્ગર તો દુનિયા આખી ખાય જ છે, પણ એનું મિની વર્ઝન મહાવીરનગરમાં અમારી પાસે જ મળે છે.’
સ્પાઇસી ચિપોટલે સૉસ, પેસ્તો સૉસ અને પ્લેન ચીઝ આ ત્રણ ડિપ સાથે એક પ્લેટમાં પાંચ બર્ગર સર્વ કરવામાં આવે છે. બર્ગરમાં પણ પૅટીસ વેજિટેબલ્સથી બનાવેલી રાખી છે. આમાં જૈન અને
નૉન-જૈન ઑપ્શન્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં ઘોટાલા પાંઉભાજી, ચીઝ ચટની પૅટીસ પણ બહુ વેચાય છે. આ ફૂડ-બિઝનેસ નિકિતાબહેન તેમનાં નાનાં વહુ હેમા સાથે મળીને સંભાળે છે અને સાથે બન્ને દીકરા અને મોટાં વહુ અને હસબન્ડનો પણ ફુલ સપોર્ટ મળે છે.
ક્યાં મળશે? : ફર્સ્ટ ફ્લોર, ૭૧/૭૧૧, મ્હાડા કૉલોની, મહાવીરનગર, કાંદિવલી (વેસ્ટ)


