દાદરમાં આવેલી કાનિટકર્સ સ્વીટ શૉપ કહેવાય છે તો મીઠાઈની દુકાન, પરંતુ અહીં મીઠાઈમાં માત્ર ને માત્ર લાડુ મળે છે, એ પણ ૨૬ કરતાં પણ વધુ વરાઇટીના
દિવાળીમાં દેશી સ્વીટ્સ ટ્રાય કરવી છે?
દિવાળી આવે એટલે ફટાકડાની સાથે મીઠાઈની દુકાનો પર પણ લોકોની ભીડ વધવા લાગે. જાતજાતની મીઠાઈ બજારમાં વેચાતી દેખાવા લાગે. દર વર્ષે એકની એક મીઠાઈ ખાઈને જો હવે કંટાળી ગયા હો તો દાદરની આ શૉપ પર એક વખત આંટો મારી આવજો જ્યાં ૨૬ જાતના અલગ-અલગ વરાઇટીના લાડુ મળી રહ્યા છે. એમાંનાં ઘણાંખરાં નામ તો કદાચ પહેલી વાર જ સાંભળવા મળ્યાં હશે. અને આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે અહીં માત્ર લાડુ જ મળે છે.
વાત જાણે એમ છે કે દાદર વેસ્ટમાં એક વર્ષ પહેલાં જ કાનિટકર્સ નામની એક શૉપ શરૂ કરવામાં આવી છે જે લાડવા માટે લોકપ્રિય છે. કાનિટકર્સે સૌથી પહેલાં મુંબઈમાં આજથી ૫૦ વર્ષ પહેલાં પૂરી-ભાજીનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેમના લાડુનો ટેસ્ટ લોકોની જીભે ચઢતા તેમણે લાડુની જ સ્પેશ્યલ શૉપ શરૂ કરી. દાદરની આ શૉપની વાત કરીએ તો અહીં રવા લાડુ, મેથી લાડુ, કોપરાના લાડુ, ચણાના લોટના લાડુ એવા જાણીતા લાડુ તો મળે જ છે પરંતુ યુનિક કહી શકાય એવા લાડુ જેવા કે ગુલકંદ લાડુ, સાત ધાન્ય લાડુ, રાગી લાડુ વગેરે પણ મળે છે. તેઓ આ લાડુ શુદ્ધ ઘીમાં જ બનાવતા હોવાનો દાવો કરે છે. તેમ જ દરેક લાડવા હાથેથી બનાવવામાં આવે છે. મોટા ભાગના લાડવા સાકર અને ગોળ બન્નેમાં ઉપલબ્ધ રહે છે. બીજી વાત એ કે તેઓ આ લાડવાને એક્સપોર્ટ પણ કરે છે. દુકાનમાં પ્રવેશતાંની સાથે તમને સામે કૉપરના ડબ્બા જેવાં વાસણો દેખાશે જેની અંદર અલગ-અલગ વરાઇટીના લાડુ મૂકેલા હોય છે. ચોખ્ખાઈની વાત કરીએ તો આ શૉપ વેલ મેઇન્ટેઇન્ડ અને ક્લીન રાખવામાં આવે છે. સર્વ કરતી વખતે હાથમાં ગ્લવ્સ પણ પહેરેલાં હોય છે. જો તમને મલ્ટિપલ વરાઇટીના લાડુ ટેસ્ટ કરવા હોય તો એ પણ અહીં મળી જશે.
ક્યાં મળશે? : કાનિટકર્સ, ડી. એલ. વૈદ્ય રોડ, શ્રી સ્વામી સમર્થ મઠ લેન, દાદર (વેસ્ટ)

