ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > એ હાલો મુંબઈના કચ્છ રણોત્સવમાં

એ હાલો મુંબઈના કચ્છ રણોત્સવમાં

13 January, 2022 03:18 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

પૉપકૉર્ન, બરફગોળા, મેંદી, ટૅટૂ, કઠપૂતળી અને જાદુના ખેલ વચ્ચે ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે મેળા જેવો માહોલ અહીં ખડો કરવામાં આવ્યો છે

એ હાલો મુંબઈના કચ્છ રણોત્સવમાં

એ હાલો મુંબઈના કચ્છ રણોત્સવમાં

મુંબઈની ભાગોળે નૅશનલ હાઇવે 48  પર મિની કચ્છની ઝલક ઊભી કરવામાં આવી છે. કચ્છના દસ તાલુકાઓની રેપ્લિકા અહીં છે અને સાથે કચ્છી-કાઠિયાવાડી અનલિમિટેડ ભોજનનો રસથાળ છે. પૉપકૉર્ન, બરફગોળા, મેંદી, ટૅટૂ, કઠપૂતળી અને જાદુના ખેલ વચ્ચે ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે મેળા જેવો માહોલ અહીં ખડો કરવામાં આવ્યો છે

મુંબઈની બહાર બહુ દૂર ન જવું હોય અને છતાં લૉન્ગ ડ્રાઇવ, અનલિમિટેડ ફૂડ, અનલિમિટેડ ફન અને ત્રણ-ચાર કલાક દોસ્તોનો સાથ એમ બધું જ એક સાંજના આઉટિંગમાં માણી લેવું હોય તો નૅશનલ હાઇવે-૪૮ પર સાસુનવઘર પાસે આવેલા કચ્છ દરબારમાં જવા વિશે જરૂર વિચારવું જોઈએ. ફાઉન્ટન હોટેલથી આગળ જઈએ તો ડાબી બાજુએ પહેલાં અરેબિક સ્ટાઇલનો ઢાબો આવે છે અને એ પછી ખૂબ પ્રેમ અને જતનથી ઊભો થયેલો કચ્છ દરબાર આવે. એના પંદર-વીસ ફુટ ઊંચા લાકડાના દેશી સ્ટાઇલના દરવાજા જોઈને ગામની ડેલીની યાદ આવી જાય. બહાર કચ્છ જિલ્લાનો નકશો છે. કચ્છના ગામમાં વપરાતું સદીઓ જૂનું એક ગાડું છે અને એક કૂવો પણ. આ કૂવો માત્ર દેખાવનો નથી, રિયલ છે અને એની ઉપર દોરડું અને ઢોચકું પણ છે. ટૂંકમાં તમે વેહિકલ ઊભું રાખીને અંદર પ્રવેશવા માટે ટિકિટની વ્યવસ્થા કરતા હો એ દરમ્યાન જ તમને બે-ત્રણ સેલ્ફી પૉઇન્ટ મળી જશે. ટિકિટ કાઉન્ટરની પાસે જ આજનું મેનુ શું છે એ લખી દેવામાં આવ્યું છે. ભલે કચ્છી દરબાર છે, પણ અહીં નાના-મોટા સૌના ટેસ્ટને ધ્યાનમાં રાખીને મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. પ્યૉર દેશી અને કચ્છી વાનગીઓની સાથે ચાઇનીઝ, ઇટાલિયન, સાઉથ ઇન્ડિયન ચીજોનો ચટકારો પણ રાખવામાં આવ્યો છે એટલે જેમને દેશી ખાણું ન ભાવતું હોય એ પણ અહીં મજ્જેથી પેટ ભરી શકે. 
ટિકિટના રૂપમાં એક કાગળનો બૅન્ડ કાંડામાં પહેરીને ફરવાનો. આ બૅન્ડ તમારા કાંડામાં હોય એટલે તમે બિન્ધાસ્ત આખા કચ્છ દરબારમાં ઘૂમો, ફરો, નાચો, ગાઓ અને મોજ કરો. કોઈ રોકટોક નહીં.
અંદર શું છે એની વાત કરતાં પહેલાં જાણી લઈએ કે આ વિચાર કોનો છે? કચ્છના રાપર ગામના રમેશ નારણ ચૌધરીએ લગભગ બે વર્ષની મહેનત બાદ મુંબઈગરાઓ પણ કચ્છના એ અહેસાસને માણી શકે એવું કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતું મનોરંજન સ્થળ તૈયાર કર્યું છે. આ હોટેલ કે રેસ્ટોરાં કરતાં મેળા જેવું વધુ લાગશે. એ પણ એકદમ ગ્રામીણ મેળો. તમારાં બાળકોએ જો ગામના મેળા ન જોયા હોય તો એનો અનુભવ અહીં મળી જશે. વચ્ચે મોટો ચોક છે. એન્ટર થતાં જ ડાબી તરફ વડીલો અને ફ્રેન્ડ્સના ગ્રુપને સાથે બેસીને વાતોનાં વડાં કરવાં હોય તો એ માટે અહીં નવ મઢૂલીઓ જેવું બનાવ્યું છે જેને કચ્છના નવ તાલુકાનાં નામ આપવામાં આવ્યાં છે. દરેક મઢૂલીની બહાર જે-તે તાલુકાની ખાસિયતોનું વર્ણન છે. દરેક મઢૂલીને માટીનું લીંપણ, આભલાં અને પેઇન્ટિંગથી સજાવવામાં આવી છે. મઢૂલીઓની બાજુમાં જ એક નવા આકર્ષણનું કામકાજ ચાલુ છે. એ છે કચ્છનો કાળો ડુંગર. જમણી તરફ લાઇવ ફૂડ કાઉન્ટર્ન્સ છે. સામે નાના-નાના સ્ટૉલ્સ, ચટરપટર ફૂડ આઇટમો, જાદુના ખેલ, મેંદી, ટૅટૂ અને ભવિષ્ય ભાખતા જ્યોતિષીનો અડ્ડો પણ છે. આ બધું જ તમે ફ્રીમાં માણી શકશો. કચ્છ હોય અને રણની રેતી ન હોય એવું થોડું બને? વચ્ચેના ચોકમાં ચોતરફ જ્યાં જુઓ ત્યાં સફેદ રેતી જ રેતી છે. ચોગાનમાં પણ તમને બે-ત્રણ સેલ્ફી પૉઇન્ટ મળશે. ઊભાં અને બેઠેલાં મસ્ત સજાવેલાં ઊંટના સ્ટૅચ્યુ, ગામઠી કપડાંમાં સજેલા ગ્રામજનોનાં સ્ટૅચ્યુ અને નૉર્મલ માણસ કરતાં ડબલ હાઇટ ધરાવતી લાઇવ કઠપૂતળી પણ અહીં ફરતી દેખાશે. નાનાં બાળકોને એ જોઈને જલસો પડી જાય એવું છે. ઓપન સ્પેસમાં જેમને ન બેસવું હોય તેમના માટે રેસ્ટોરાંની જેમ ટેબલ-ખુરશીઓવાળી વ્યવસ્થા પણ છે. જો આટલી મોટી જગ્યામાં તમારું પચીસ-ત્રીસ જણનું ગ્રુપ હોય અને બર્થ-ડે, ઍનિવ‌ર્સરી કે એવું નાનું ફંક્શન કરવું હોય તો એસી હૉલ પણ છે.  
રણોત્સવ જેવો માહોલ 
રોજ સાંજે છ વાગ્યે મા આશાપુરાની આરતી થયા પછી જ કચ્છ દરબારના દરવાજા ખૂલે છે. આ મંદિરની ઉપર પહેલા માળે મોટા ઓપન ડેક હૉલ જેવું છે. આ જગ્યાને ભુજ તાલુકાનું નામ આપવામાં આવ્યું છે અને એની સજાવટ કચ્છના રણ જેવી કરવામાં આવી છે. સફેદ રેતીથી આચ્છાદિત આ હૉલમાં ૧૦૦-૧૨૫ લોકોનું અલગથી ફંક્શન કરવું હોય તો એ પણ થઈ શકે છે. ડેક જેવી ગૅલરીમાં બેસીને નીચેના ચોકમાં થતા ગરબા અને કઠપૂતળીના ખેલ આરામથી જોઈ શકાય છે.  
જમવા સાથે રમવાની મોજ
તમને થશે કે વચ્ચેના મોટા રેતીવાળા ચોકમાં શું કરવાનું? તો જવાબ છે ગરબા. અહીં બારેમાસ ગમે ત્યારે તમે ગરબામય સાંજ માણી શકશો. જ્યાંથી તમે એન્ટ્રી લો છો એની જ બાજુમાં સ્ટેજ છે. જ્યાંથી દર શનિ-રવિની સાંજે જાણીતા આર્ટિસ્ટ્સ દ્વારા લાઇવ ગરબા ગવાય છે. બાકીના દિવસોમાં ડીજે ગરબા ગવાય. સાંજે સાડાસાત અને સાડાનવ એમ બે વાર કઠપૂતળીના ખેલનો શો પણ થાય. ફિલ્મી અને દેશી ગુજરાતી ગીતો પર આ કઠપૂતળીઓ ડાન્સ કરતી જોવા મળે. હમણાં શિયાળો ચાલે છે એટલે શનિ-રવિમાં ફાયર શો યોજાય છે જેમાં આગ સાથેના ખેલનું પ્રદર્શન થાય છે. ટૂંકમાં સાંજે સાડાછ વાગ્યે એન્ટ્રી ખૂલે ત્યારથી જો તમે અહીં આવી ગયા હો તો પણ ત્રણ-ચાર કલાકનો ગાળો ક્યાં નીકળી ગયો એની ખબર જ ન પડે. 
બુફે ડિનર 
પાણીપૂરી, ચાટ, પૉપકૉર્ન, કૅન્ડી ફ્લોસ જેવા ચટરપટર નાસ્તાથી સાંજની શરૂઆત કરી શકાય અને ભૂખ લાગે ત્યારે સૂપથી લઈને ડિઝર્ટ સુધીનું ડિનર તો છે જ. અહીંનું મેનુ રોજ બદલાતું રહે છે, પરંતુ કેટલીક સિગ્નેચર ડિશીસ કૉન્સ્ટન્ટ છે. જેમ કે દાબેલી અને ભૂંગળા બટાટા. આ એવી તીખી તમતમતી દેશી આઇટમો છે જે મેળા જેવા વાતાવરણમાં ખાવાની મજા જ કંઈક ઔર છે. મોટા ભાગની આઇટમોનાં લાઇવ કાઉન્ટર છે. સૂપ મોટા ભાગે ચાઇનીઝ હોય છે. ગરમાગરમ મન્ચાઉ સૂપની ચુસકીઓ ગરમાટો લાવી દે એવી છે. ફુલકા રોટલી હોય કે બાજરીના રોટલા તમારી સામે ગરમાગરમ બનીને પિરસાતા હોવાથી ઘર જેવી ફીલિંગ આવે છે. લસણિયા બટાટા, સેવ ટમેટાં, સુરતી ઊંધિયું, રીંગણનો ઓળો જેવાં કાઠિયાવાડી દેશી શાકની સાથે એક પંજાબી પનીરનું શાક પણ હોય જ છે. ગુજરાતી કઢી, ગુજરાતી ખટમીઠી દાળ, મસાલા ખીચડી અને પાપડ જેવી આઇટમો આંગળાં ચાટીને ખાવાનું મન થાય એવી છે. આગળ કહ્યું એમ જેમને દેશી ભોજનમાં મજા ન પડતી હોય તેઓ પણ અહીં જરાય ભૂખ્યા નહીં રહે. ઢોસા, ઉત્તપા જેવી સાઉથ ઇન્ડિયન વાનગીઓ પણ રોજ અહીં હોય જ છે. સાથે ઇટાલિયન પાસ્તા, ચાઇનીઝ રાઇસ વિથ મન્ચુરિયન જેવી ચીજો બાળકોની ચૉઇસને સાચવી લેશે.

કિંમત શું?
સીઝન અને વીકના દિવસો મુજબ અહીં ભાવ બદલાય છે. સોમથી શુક્ર અહીં ૫૫૧ રૂપિયાની એન્ટ્રી ફી હોય છે જ્યારે શનિ-રવિવાર ૬૦૦ રૂપિયાની.વીક-એન્ડ્સમાં અહીં લાઇવ પર્ફોર્મન્સિસ થાય છે.


13 January, 2022 03:18 PM IST | Mumbai | Sejal Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK