આસામમાં પહેલો શો વહેલી સવારે ૪.૨૫ વાગ્યાનો હોવા છતાં હાઉસફુલ : ૮૦ થિયેટરોમાંથી બીજી તમામ ફિલ્મો ઉતારી લેવાઈ, માત્ર આ એક જ ફિલ્મના શો : ફિલ્મની શરૂઆત અને અંત બન્ને સમુદ્રના દૃશ્યથી થતાં હોવાથી દર્શકો ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા
એક ચાહકે ફિલ્મના પોસ્ટર પર ઝુબીનના ફોટોને દૂધનો અભિષેક કર્યો, તો દરેક થિયેટરમાં એક ખાસ સીટ રાખવામાં આવી છે એમાં ઝુબીનનો ફોટો મૂકીને અને સીટને શણગારીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને ચાલી ન શકતાં વૃદ્ધ માજીને પણ તેમનો દીકરો ઝુબીનની છેલ્લી ફિલ્મ જોવા લઈ આવ્યો હતો, ફિલ્મ જોઈને ચોધાર આંસુએ રડતા બહાર નીકળતા ચાહકો.
સિંગાપોરમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામનાર સિંગર ઝુબીન ગર્ગ આસામી ફિલ્મોમાં ઍક્ટર તરીકે પણ ખૂબ લોકપ્રિય હતા. ગઈ કાલે ઝુબીન ગર્ગની છેલ્લી ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રિલીઝ થતાં પહેલાં જ સુપરહિટ પ્રતિસાદ મળ્યો હતો અને આસામના લોકો આ ફિલ્મ થકી તેમના સંગીતસમ્રાટને વિશેષ શ્રદ્ધાંજલિ આપવા માગતા હોવાથી આસામના લગભગ દરેક થિયેટરમાં ‘રોઈ રોઈ બિનાલે’ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ઝુબીન બ્લાઇન્ડ સંગીતકારની ભૂમિકામાં છે. એ ફિલ્મના પોસ્ટરમાં ઝુબીન સમુદ્રના પાણીને સ્પર્શતા હોય એવું જોવા મળે છે. વિડંબના એ છે કે સમુદ્રના પાણીએ જ તેમનો જીવ લીધો હતો. આ પોસ્ટર જોઈને તેમ જ ફિલ્મ જોઈને તેમના ચાહકો ચોધાર આંસુએ રડી રહ્યા છે. આ ફિલ્મ સમુદ્રકિનારેથી શરૂ થઈને સમુદ્રકિનારે જ ખતમ થાય છે જે વાત દર્શકોને ખૂબ જ ભાવુક બનાવી રહી છે.
૮૦ થિયેટરો
આસામનાં લગભગ ૮૦ થિયેટરોએ બીજી તમામ ફિલ્મોના શો રદ કરીને ‘રોઈ રોઈ બિનાલે’નું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું છે. રાજ્યમાં પહેલી વાર થિયેટરોમાં પહેલો શો વહેલી સવારે ૪.૨૫ વાગ્યાનો રાખવામાં આવ્યો હતો. નવાઈની વાત એ હતી કે એ શો પણ હાઉસફુલ હતો. બે એવાં થિયેટર હતાં જે ખાસ આ ફિલ્મના સ્ક્રીનિંગ માટે ખોલવામાં આવ્યાં હતાં અને એ પણ ગઈ કાલે હાઉસફુલ થઈ ગયાં હતાં. આસામની કોઈ પણ ફિલ્મ માટે આ રેકૉર્ડબ્રેક સેલિબ્રેશન છે.
છેલ્લો પત્ર
ફિલ્મની રિલીઝ પહેલાં ઝુબીને ચાહકો માટે લખેલો એક પત્ર તેમનાં પત્ની ગરિમાએ શૅર કર્યો હતો. એમાં ઝુબીને ફિલ્મના પોસ્ટર પર લખ્યું હતું, ‘થોભો, મારી નવી ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ આવી રહી છે. જરૂર આવજો અને જોજો, પ્યાર... ઝુબીન દા. ’


