Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મારા માટે વરદાનરૂપ છે મારું ભારેખમ શરીર

મારા માટે વરદાનરૂપ છે મારું ભારેખમ શરીર

Published : 01 November, 2025 07:11 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડૉ. હાથી એટલે કે નિર્મલ સોની રિયલ લાઇફમાં પણ ખાવાના શોખીન છે. જોકે તેમની ઓળખ ફક્ત ફૂડી પૂરતી મર્યાદિત નથી. બાપદાદાનો સોનાનો કારભાર છોડીને ઍક્ટિંગ ફીલ્ડમાં આવવાની તેમની જર્ની રસપ્રદ છે

મારા માટે વરદાનરૂપ છે મારું ભારેખમ શરીર

મારા માટે વરદાનરૂપ છે મારું ભારેખમ શરીર


‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ડૉ. હાથીનું પાત્ર ભજવતા નિર્મલ સોની વાસ્તવિક જીવનમાં પણ ખાવાપીવાના શોખીન છે. હા, પણ તેમનો ખાવા પર સારોએવો કન્ટ્રોલ છે. ટીવી પર ડૉક્ટરનું પાત્ર ભજવી રહેલા​ નિર્મલભાઈને ઘણી વાર લોકો અસલી ડૉક્ટર પણ સમજી લેતા હોય છે. તેમના જેવું ભારેખમ શરીર ધરાવતા લોકો ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઓછા છે અને એટલે જ એક રીતે એ તેમના માટે પ્લસ પૉઇન્ટ છે એવું તેઓ માને છે. નિર્મલભાઈ ભણવામાં તો નબળા, પણ મસ્તીખોર ખૂબ હતા. તેમને હંમશાંથી એવું કામ કરવું હતું જેમાં તેમને ઓળખ મળે અને એટલે જ તેમણે બાપદાદાનો સોનાનો ધંધો છોડીને અભિનયમાં ઝંપલાવ્યું. આજે હાથીભાઈની આ જાણી-અજાણી વાતો જાણવાનું ખૂબ રસપ્રદ રહેશે. 

રિયલ લાઇફના હાથી ફૂડી છે?
હાથીભાઈનું કૅરૅક્ટર એકદમ ફૂડી છે. તેમની સામે પ્લેટ ભરીને અવનવી વાનગીઓ પડી હોય તો તેઓ એકઝાટકે બધું ઝાપટી જાય. શું તમે પણ હાથીભાઈની જેમ ખાણીપીણીના શોખીન છો? એનો જવાબ આપતાં નિર્મલભાઈ કહે છે, ‘હું પણ ફૂડી છું. મને અલગ-અલગ વસ્તુઓ ટ્રાય કરવી ગમે, પણ એવું નથી કે પેટમાં ઠાંસી-ઠાંસીને બધું ભરી દઉં. હાથીભાઈ દસ-દસ સમોસા ખાઈ જાય, પણ હું એક અથવા વધી-વધીને બે સમોસા ખાઉં. મને સમોસા, પાંઉભાજી, કાજુકતરી, ચમચમ, ડ્રાયફ્રૂટ્સનો શ્રીખંડ ખૂબ ભાવે. સ્પેસિફિક જગ્યાએ મળતી કેટલીક ફૂડ-આઇટમ્સ પણ મને બહુ ભાવે. જેમ કે મલાડ સ્ટેશન પાસે ગુપ્તા પાણીપૂરીવાળો છે. મને ત્યાંની પાણીપૂરી ખાવી ગમે. પછી સૅન્ડવિચ ખાવી હોય તો બોરીવલીમાં બિપિન સૅન્ડવિચવાળો છે ત્યાંની જ મને સૅન્ડવિચ ભાવે. મારે ઢોસા ખાવા હોય તો બોરીવલીમાં સુ-વેજ હોટેલ છે ત્યાંના જ ભાવે. એવી ઘણી જગ્યા છે બોરીવલી, કાંદિવલી, મલાડમાં જ્યાંથી મને ફૂડ-આઇટમ્સ ખાવી ગમે.’ 



રિયલ લાઇફમાં કેવા છે?
ડૉ. હાથી અને નિર્મલ સોનીના વ્યક્તિત્વમાં રહેલી સમાનતા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમારામાં એક વસ્તુ કૉમન છે. બન્ને હૅપી-ગો-લકી માણસ છીએ. ડૉ. હાથીને કોઈ જાતની બહુ ચિંતા હોતી નથી. મારું પણ રિયલ લાઇફમાં એવું જ છે. હું આવતી કાલની વધુ ચિંતા કરતો નથી. હું આજમાં જ જીવું છું અને આજને જ એન્જૉય કરું છું.’


અસલી ડૉક્ટર સમજી લીધેલો
નિર્મલ સોનીને કઈ રીતે એક ભાઈએ અસલી ડૉક્ટર માનીને કૉલ કરી લીધેલો એનો કિસ્સો જણાવતાં તેઓ કહે છે, `લોકો મને ડૉ. હાથી તરીકે ઓળખે. એટલે નંબર પણ ડૉ. હાથી તરીકે જ સેવ કરે. બે-ત્રણ વર્ષ પહેલાંની વાત છે. રાત્રે બે વાગ્યે મને એક જણનો કૉલ આવ્યો. મને કહે ડૉક્ટર સાહેબ તમે જલદી આવો, ઘરમાં પ્રૉબ્લેમ થઈ ગયો છે. મેં કીધું કે ભાઈ હું ડૉક્ટર નહીં ઍક્ટર છું. એ પછી તેણે કીધું કે સૉરી, તમારો નંબર ડૉ. હાથી તરીકે સેવ કર્યો હતો એટલે ડૉક્ટર જોઈને કૉલ લગાવી દીધો. એટલે ઘણી વાર આવું પણ થતું હોય છે.’ 

ફૅન-મોમેન્ટ
તેમના ચાહકોએ કઈ રીતે નિર્મલભાઈને ડરાવી દીધેલા એનો એક અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, `કામ માટે હું સુરત ગયેલો. રસ્તો એકદમ સૂમસામ હતો. અમે કારમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. રસ્તામાં અમારી પાછળ ૧૦-૧૫ બાઇકવાળાઓ પડી ગયા હતા. ફુલ સ્પીડમાં બાઇક ચલાવે ને જોર-જોરથી હૉર્ન મારે. તેમને જોઈને અમને એમ લાગ્યું કે આ ગુંડાઓ પાછળ પડી ગયા છે કે શું? અમે પણ અમારી કાર ફુલ સ્પીડમાં ભગાવી. અમે પાંચ-દસ કિલો મીટર સુધી કાર ભગાવી. એ પછી અમે કાર રોકી. એક ભાઈને બહાર પૂછવા માટે મોકલ્યા કે પ્રૉબ્લેમ શું છે? તમે શા માટે અમારો પીછો કરો છો? વાત કરતાં ખબર પડી કે તેઓ અમારા ફૅન હતા. અમને જોઈ ગયેલા એટલે અમારી સાથે ફોટો પડાવવા માટે અમારો પીછો કરી રહ્યા હતા. એ વખતે તો અમે રીતસરના ગભરાઈ ગયા હતા.’ 


બાળપણના મજેદાર કિસ્સા
નિર્મલભાઈનો જન્મ ભાવનગરના તળાજામાં થયો અને ઉછેર મુંબઈમાં થયો છે. બાળપણ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, `હું બોરીવલીની શેઠ ગોપાલજી હેમરાજ હાઈ સ્કૂલમાં ભણ્યો છું. ભણવામાં તો હું ખૂબ જ નબળો હતો. અભ્યાસમાં મારું ક્યારેય મન લાગ્યું નથી. વચ્ચે હું બે વર્ષ તળાજામાં મારા મામાને ઘરે પણ રહ્યો છું. મને થોડો સ્કિન-પ્રૉબ્લેમ થઈ ગયેલો. એટલે ડૉક્ટરે સલાહ આપેલી કે ગુજરાતની હવા સારી છે, તમે થોડો સમય ત્યાં રહેશો તો સારું થઈ જશે. મેં ભણવા માટે ત્યાંની શાળામાં ઍડ્‌મિશન લીધેલું. ત્યાં એક છોકરો હતો જે મને જાડિયો કહીને ચીડવતો. અત્યારે મને કોઈ જાડિયો કહે તો ફરક ન પડે, પણ બાળપણમાં કોઈ ચીડવે તો બહુ લાગી આવતું. એટલે હું પણ તેને સામે ચોંટાડી દેતો કે તારા બાપની ચક્કીનો લોટ ખાઉં છું? એવી જ રીતે જાડિયો કહીને ચીડવવા બદલ એક છોકરાનું મેં ગુસ્સામાં નાક તોડી નાખેલું. નાકમાંથી લોહી નીકળવા લાગેલું. તેને હૉસ્પિટલમાં ઍડ્‌મિટ કરવો પડેલો. તેનાં મમ્મી-પપ્પા મારા મામાને ઘરે ફરિયાદ કરવા પહોંચી ગયેલાં. અત્યારે તો એ છોકરો મારો સારો મિત્ર છે.’

જર્નીની શરૂઆત
ઍક્ટિંગ કરવાનું કઈ રીતે શરૂ થયું એ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, `૧૭ વર્ષની ઉંમરે તો હું કામે પણ લાગી ગયેલો. પપ્પાનું સોનાનું કામકાજ હતું એટલે હું પણ સોનાના દાગીના ઘડવામાં લાગી ગયો. થોડા સમય માટે એ કામ કર્યું. એ પછી મને એમ લાગવા લાગ્યું કે મારે આ કામ તો નથી કરવું. મને એવું કંઈક કરવાની ઇચ્છા હતી જેથી લોકો મને ઓળખે, મારી સાથે ફોટો પડાવે. દરમિયાન મારા જે નેબર આન્ટી હતાં તેમણે મને સજેસ્ટ કર્યું કે તું ઍક્ટિંગ કર. એ સમયે એક સિરિયલ આવતી, ‘દેખ ભાઈ દેખ’. એમાં દેવેન ભોજાણીને જોઈને મને લાગતું કે જો આ કરી શકતા હોય તો હું કેમ ન કરી શકું? પછી મને ખબર પડી કે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમ, ભાઈદાસ હૉલમાં એક્ટર્સ બધાને મળતા હોય છે. એટલે હું ત્યાં ગયેલો. એ સમયે મને એક ભાઈ મળી ગયેલા. તેમણે મને પૂછ્યું કે તમારે ઍક્ટિંગ કરવી છે? તો મેં કહ્યું કે હા. તેમને કદાચ મારા જેવું જ કોઈ કૅરૅક્ટર જોઈતું હશે જે શરીરથી થોડો હેવી હોય. એવા લોકો ઇન્ડસ્ટ્રીમાં ઓછા જોવા મળે. તેમણે મને બીજા દિવસે એક સ્ટુડિયોમાં ઑડિશન માટે બોલાવેલો. હું તેમને મળવા ગયેલો. તેમણે મને કહેલું કે તમારે એમ વિચારવાનું છે કે તમે આ રૂમમાં એકલા જ છો, તમારે ડાન્સ કરવાનો છે. હું ખુશ થઈ ગયો, કારણ કે ડાન્સ તો મને આવડતો જ હતો. એ ગૉડ-ગિફ્ટ છે. હું ઑડિશન આપીને ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે મને કૉલ આવી ગયો કે તમારું સિલેક્શન થઈ ગયું છે. એ ICICI બૅન્કની ઍડ હતી જેનું ડિરેક્શન વિધુ વિનોદ ચોપડાએ કર્યું હતું. એક સમયે મારું શરીર મારા માટે નેગેટિવ પૉઇન્ટ હતું, પણ અભિનય ક્ષેત્રે એ મારા માટે પ્લસ પૉઇન્ટ છે. આજે બે કૅરૅક્ટર રાખો જેમાં એક હીરો છે અને એક તેનો ફ્રેન્ડ છે જે જાડિયો જો​ઈએ છે તો હીરોના રોલ માટે ૨૫૦૦ લોકો આવશે, જ્યારે ફ્રેન્ડના રોલ માટે મારા જેવા ૨૫ લોકો પણ નહીં મળે. એટલે એ રીતે મારા માટે કૉમ્પિટિશન ઓછી છે.’ 

કારકિર્દીના અનુભવો
મારા પર ભગવાનની દયા એટલી સારી કે હું રાઇટ ટાઇમ પર રાઇટ જગ્યા પર હોઉં છું એમ જણાવતાં નિર્મલ સોની કહે છે, ‘એક વખત એવું થયું કે મને ખબર પડી કે ફિલ્મનું ઑડિશન થઈ રહ્યું છે. હું ત્યાં ગયો અને એક અંકલને પૂછ્યું કે કાસ્ટિંગ ડિરેક્ટર કોણ છે તો તેમણે મને ચિડાઈને કહ્યું કે ક્યા કામ હૈ? મેં તેમને કહ્યું કે હું ઍક્ટર છું, મારે મારા ફોટો આપવા છે. તેમણે મને કહ્યું કે હાં, તો જો ભી હૈ વો યહાં રખ દો ઔર યહાં સે જાઓ. હું ફોટો મૂકીને ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે મને કૉલ આવ્યો. વાત આગળ વધી. મને ફિલ્મમાં એક રોલ પણ મળ્યો. એ બૉબી દેઓલ અને કરિશ્મા કપૂરની ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘આશિક’ હતી. એ ફિલ્મ આમ તો ફ્લૉપ રહી પણ મને ધીરે-ધીરે કામ મળવા લાગ્યું. મેં અત્યાર સુધીમાં ૨૦ જેટલી ફિલ્મો કરી છે, જેમાંથી એક ‘શૂટઆઉટ ઍટ લોખંડવાલા’ પણ છે જે ખાસ્સી હિટ રહી હતી. મેં ૭૦ જેટલી ઍડ પણ કરી છે જેમાં મેં અભિષેક બચ્ચન, જેનિલિયા ડિસોઝા, સાનિયા મિર્ઝા જેવી ઘણી સેલિબ્રિટીઝ સાથે કામ કર્યું છે. સિરિયલ્સ પણ અઢળક કરી છે. ઘણાનાં તો નામ પણ મને યાદ નહીં હોય. મારી હિટ સિરિયલ્સ જે કહેવાય એમાં ‘તારક મેહતા...’ તો છે જ; પણ સાથે ‘FIR’, ‘વો રહનેવાલી મહલોં કી’, ‘હેલો ડૉલી’, ‘હીરો - ભક્તિ હી શક્તિ હૈ’ વગેરેનો સમાવેશ છે. ‘હીરો’ સિરિયલ તો નાનાં બાળકોની ખૂબ ફેવરિટ હતી. મારું ઢોલુનું કૅરૅક્ટર તેમને ખૂબ પસંદ હતું. ટપુ સેનાને જ્યારે ખબર પડેલી કે એ ઢોલુ હું હતો ત્યારે તો એ લોકો એકદમ ગાંડા થઈ ગયેલા. મારો ગેટઅપ એવો હતો કે લોકોને જલદીથી ખબર ન પડે કે એ હું જ છું. મારી વધુ એક સિરિયલ ‘કબૂલ હૈ’માં હું છોકરી બનતો. એ મારા માટે ચૅલેન્જિંગ રોલ હતો. મારે એવું પાત્ર ભજવવાનું હતું કે છે એ છોકરો પણ પોતાને સ્ત્રી સમજે છે. હું રોજ સવારે શૂટિંગમાં જાઉં ત્યારે મારાં નૉર્મલ કપડાંમાં હોઉં. સેટ પર સ્ત્રીના ગેટઅપમાં હોઉં. ફ્રી ટાઇમમાં હું મારી રૂમમાં જ હોઉં. વધારે બહાર ન નીકળું. એટલે સેટ પર અમુક લોકોને ખબર જ નહોતી કે હું છોકરો છું. એ લોકો મને મૅડમ કહીને જ બોલાવતા. એટલે પછી મારે તેમને ચોખવટ કરવી પડતી કે ભાઈ, મૈં મૅડમ નહીં હૂં, આપ ઐસે મત બોલો. એમાં ઍક્ટ્રેસ આમ્રપાલી પણ હતાં. તેમની સાથે મારા ઘણા સીન આવતા હતા. બ્રેકમાં ઘણી વાર કલાકારો બેસીને ગપ્પાં મારતા હોય. તો એક દિવસ આમ્રપાલી મારી બાજુમાં બેસીને એવી વાતો કરવા લાગ્યાં કે હું ગઈ કાલે શૉપિંગ કરવા ગઈ હતી, આ શેડની લિપસ્ટિક મેં ખરીદી. તો હું પછી તેમને કહેતો કે તમે આ બધી વાત મને કેમ કહો છો. કહેવાનો ભાવાર્થ એવો કે તે પણ મને સ્ત્રી જ સમજતાં.’ 

પરિવારનો સપોર્ટ કેવો રહ્યો?
ઍક્ટિંગ ફીલ્ડમાં આવવાનો નિર્ણય લીધો ત્યારે પરિવારનું શું રીઍકશન હતું એ વિશે જણાવતાં નિર્મલ સોની કહે છે, ‘મને મારી મમ્મી કિરણબહેનનો સપોર્ટ ઘણો હતો, પણ પપ્પા અરુણભાઈ અને મોટા ભાઈ વિમલનો મને એટલો સાથ નહોતો. તેમનું એમ કહેવું હતું કે આપણા બાપ-દાદાનો સોનાનો ધંધો છોડીને તારે આ બધું કરવું છે? પપ્પા તો બહુ ​િખજાતા, પણ મમ્મી કહેતાં કે તેને કરવા દોને જે કરવું હોય એ. મારા પપ્પાની એ શરત હતી કે તારે જો એ કામ કરવું હોયને તો સાથે ધંધાનું કામ પણ કરવું પડશે. શરૂઆતમાં મને ઍક્ટિંગમાં એટલું કામ મળતું નહોતું એટલે જે ઍક્ટિંગનું થોડુંઘણું કામ મળ્યું હોય એ પતાવીને બાકીના સમયમાં હું પપ્પા અને મોટા ભાઈ સાથે કામ કરતો. એ પછીથી જ્યારે ઍડ, સિરિયલ્સ, ફિલ્મ્સનું કામ મળવા માંડ્યું અને સમય બચતો નહીં ત્યારે પછી સોનાનું કામ છૂટ્યું. એ પછી ઓળખીતા લોકો સામેથી આવીને મારા પપ્પાને કહેતા કે તમારા દીકરાને અમે ટીવીમાં જોયો. એ સાંભળીને તેમને ખૂબ ગર્વ થતો. એ પછીથી તો તેમણે કહી દીધેલું કે તું ઍક્ટિંગમાં ધ્યાન આપ, અમે બધું સંભાળી લઈશું. મારો મોટો ભાઈ આજે પણ સોનાનું કામ સંભાળે છે. મારાં મમ્મી-પપ્પા અત્યારે હયાત નથી. અમારા ખાનદાનમાંથી હું પહેલો જ ઍક્ટર છું.’

જલદી ફાઇવ
 હૉબી - મને પુસ્તકો વાંચવાં ગમે. અત્યારે વધુ સમય મળતો નથી એટલે વધુ વાંચી શકતો નથી. ‘અઘોર નગારાં વાગે છે’ મને બહુ ગમે. હું એક વાર કોઈ પુસ્તક વાંચવા લઉં તો મને એક સિટિંગમાં જ આખી બુક વાંચી નાખવી ગમે. 
 અફસોસ - હું જીવનમાં ક્યારેય અફસોસ રાખતો જ નથી. હું ક્યારેય એવું નથી વિચારતો કે આમ થવું જોઈતું હતું કે તેમ થયું હોત તો સારું થાત. જે થયું એ પતી ગયું, હવે આગળ વધવાનું. 
 ફિલોસૉફી - હું આજમાં જીવું છું. વીતી ગયું એની પાછળ રોઈને મતલબ નથી. જે આવ્યું નથી એનો વિચાર કરીને કોઈ મતલબ નથી. હું એમાં સ્ટ્રૉન્ગ્લી બિલીવ કરું છું કે યે વક્ત ભી બીત જાએગા. તમે દુઃખમાં આ વસ્તુ યાદ રાખો તો તમે ખુશ થઈ જાઓ.  
 બકેટ લિસ્ટ - મારે ઘણું ફરવું છે. અત્યારે એટલો સમય નથી મળી રહ્યો. મને જલદી-જલદી ફરીને પાછા ફરવાનું ન ગમે. સમય લઈને આરામથી બધું એક્સપ્લોર કરવા જોઈએ. બંજી ​જમ્પિંગ, સ્કાય-ડાઇવિંગ કરવાની ઇચ્છા છે. જોઈએ એ ક્યારે શક્ય બને છે. સ્પેન અને લાસ વેગસ જવાની ઘણી ઇચ્છા છે. 
 ઍક્ટર ન હોત તો? - કદાચ જ્વેલરીના મોટા શોરૂમમાં બેઠો હોત.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2025 07:11 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK