Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ટિપ્સીટૉપ્સીની પાણીપૂરીની ઓવરફ્રાઇડ પૂરી જ ગેમ-ચેન્જર છે

ટિપ્સીટૉપ્સીની પાણીપૂરીની ઓવરફ્રાઇડ પૂરી જ ગેમ-ચેન્જર છે

Published : 09 May, 2026 12:06 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

આ એરિયામાં અમે સૅન્ડવિચ પુષ્કળ ખાધી છે તો ટિપ્સીટૉપ્સીની પાણીપૂરી પણ ખૂબ ખાધી છે. જોકે છ-સાત વર્ષથી અમે અહીં શો માટે આવતા ન હોવાથી ટિપ્સીટૉપ્સીની પાણીપૂરીનો આસ્વાદ તમારા સુધી પહોંચાડવાનો રહી ગયો છે.

ટિપ્સીટૉપ્સીની પાણીપૂરી

ટિપ્સીટૉપ્સીની પાણીપૂરી


અમેરિકા-કૅનેડાની ટૂર પૂરી કરીને અમે હવે ઇન્ડિયા પાછા આવી ગયા છીએ. ઇન્ડિયા આવ્યા પછી બે-ત્રણ દિવસ મેં આરામ કર્યો અને ત્યાં જ મારે જવાનું થયું સુરત. સુરતમાં મારી એક ફિલ્મનું શૂટિંગ ચાલે છે, જેનું ટાઇટલ છે ‘રૉક ઑન રણછોડ’. આ ફિલ્મના ક્લાઇમૅક્સનું શૂટિંગ સુરતની જીવનભારતી સ્કૂલના ઑડિટોરિયમમાં હતું. આ જે જીવનભારતી સ્કૂલનું ઑડિટોરિયમ છે એ અમારા બધા નાટ્યકર્મીઓના ફેવરિટ એવા ગાંધી સ્મૃતિ ઑડિટોરિયમની સામે છે. છેલ્લાં છ-સાત વર્ષથી તો ગાંધી સ્મૃતિ બંધ છે, એનું રિનોવેશન ચાલ્યા જ કરે છે. અલબત્ત, હવે એ પૂરું થવામાં છે અને લાગે છે કે દિવાળી સુધીમાં એ ઓપન થઈ જશે. આ ગાંધી સ્મૃતિ ઑડિટોરિયમને કારણે એની સામેના એરિયામાં ઘણા ખાણી-પીણીવાળાઓ ઊભા રહેવા માંડ્યા છે. ઑડિટોરિયમ બંધ થયા પછી અમને એમ હતું કે એ લોકો હટી જશે; પણ ના, એવું થયું નહીં. આ આખો એરિયા જ ખાઉગલી જેવો બની ગયો હોવાથી બધા ત્યાં જ રહ્યા.

આ એરિયામાં અમે સૅન્ડવિચ પુષ્કળ ખાધી છે તો ટિપ્સીટૉપ્સીની પાણીપૂરી પણ ખૂબ ખાધી છે. જોકે છ-સાત વર્ષથી અમે અહીં શો માટે આવતા ન હોવાથી ટિપ્સીટૉપ્સીની પાણીપૂરીનો આસ્વાદ તમારા સુધી પહોંચાડવાનો રહી ગયો છે.



શૂટિંગ દરમ્યાન મને વિચાર આવ્યો કે અહીં સુધી આવ્યા જ છીએ તો ચાલો, જઈને જોઈ આવીએ કે ટિપ્સીટૉપ્સીનો સ્વાદ એવો જ છે કે પછી સમય જતાં બદલાયો છે. નક્કી કર્યાના બે દિવસ પછી મેં યુનિટના નાસ્તામાં બ્રેક લઈ લીધો અને હું તો પહોંચી ગયો ટિપ્સીટૉપ્સીમાં. જોકે સાહેબ, એવો જ ટેસ્ટ, એવો જ આનંદ અને એવી જ ખુશી.


પાણીપૂરીની જે પૂરી હતી એ પૂરી થોડી ઓવરફ્રાઇડ હતી. ઓવરફ્રાઇડ પૂરીની ક્રન્ચીનેસ બહુ સરસ હોય છે અને પાણીપૂરી હંમેશાં ક્રન્ચીનેસ હોય એવી પૂરીની ખાવાની જ મજા આવે. નહીં તો એમાં નાખવામાં આવતું પૂરણ અને પાણી પૂરીને સૉગી કરી નાખે અને તમને ખાવાની મજા ન આવે કે પછી પૂરી મોઢામાં જાય એ પહેલાં જ તૂટી જાય. ટિપ્સીટૉપ્સીની પાણીપૂરી ખાવામાં મને એક જ વાતની કમી લાગી અને એ હતી ગરમાગરમ રગડાની. જોકે એનો મને ખાસ અફસોસ એટલે નથી કારણ કે પાણીપૂરીમાં ગરમ રગડો નાખવાની પ્રથા આપણા મુંબઈમાં જ છે. ગુજરાતમાં મૅશ કરેલા બટાટા અને કાળા ચણા નાખીને પૂરણ બનાવે છે. જો તમે જૈન હો તો ચણા અને મગ એમાં નાખવામાં આવે. વાત કરીએ ટિપ્સીટૉપ્સીની પાણીપૂરીની.

પાણીપૂરીની જે ખાસિયત કહેવાય એ જ ખાસિયત સાથેનું અહીં પાણી હતું. તીખું પાણી એકદમ ઠંડું અને મીઠું પાણી નૉર્મલ ઠંડું. તીખું પાણી અતિશય ઠંડું હોય તો તમને એની તિખાશની તરત ખબર નથી પડતી અને તમે બે-ચાર પાણીપૂરી સરળતાથી ખાઈ શકો છો. આ જે વેપારી બુદ્ધિ છે એને લીધે જ સારી પાણીપૂરીવાળાઓને ત્યાં લાઇન હોય છે.


ટિપ્સીટૉપ્સીમાં મેં પાણીપૂરી પછી દહીંપૂરી મગાવી. દહીંપૂરીમાં પૂરીની વધારે પરીક્ષા લેવાય જાય અને એવું જ થયું. પૂરી પર લાંબો સમય દહીં પડ્યું રહ્યું તો પણ પૂરી સૉગી ન થઈ અને દહીં એકદમ ઠંડું હતું. ખાવાની મજા આવી ગઈ. હા, અહીં મેં સેવપૂરી મગાવી એમાં મને ખાસ મજા ન આવી. સેવપૂરીમાં નાખવામાં આવતી સેવ મને મુંબઈની જ ભાવે છે. ગુજરાતમાં તો ઘણી જગ્યાએ નૂડલ્સ જેવી જાડી કહેવાય એવી સેવ નાખે છે જેનાથી ખરેખર સ્વાદ બગડી જાય છે. ટિપ્સીટૉપ્સીમાં એવી સેવ નહોતી નાખી, પણ એ જે સેવ હતી એમાં મને મજા નહોતી આવી એ પણ એટલું જ સાચું છે.

ગુજરાતની એક બીજી પણ ખરાબ વાત મેં નોટિસ કરી છે. એ લોકો બધી આઇટમમાં ટમેટાં નાખે જ નાખે. અરે, ઘણા લોકો મેં એવા પણ જોયા છે જેઓ પાણીપૂરીની બાજુમાં સમારેલા કાંદા લે અને પછી પાણીપૂરીમાં નાખતા જાય અને ખાતા જાય. પાણીપૂરી જેમ ખાવાની હોય એમ જ ખવાય. આ કંઈ રીત થોડી છે ખાવાની કે તમે ઉપરથી કાંદા અને ટમેટાં નાખીને ખાઓ? ટમેટાંનો ટેસ્ટ એ પ્રકારનો છે કે એ ઘણા સ્વાદને ઓવરલૅપ કરે એટલે ટમેટાં એવી રીતે ન નાખવાં જોઈએ. ટિપ્સીટૉપ્સીમાં ટમેટાંનો એવો દુરુપયોગ નથી થતો એ સારી વાત છે. હા, અહીં ગિરદી બહુ હોય છે. તમારે જઈને કૂપન લેવી પડે. પચાસ રૂપિયાની કૂપન તમે લીધી હોય તો તમને ૭ પાણીપૂરી મળે. કેટલી? રોકડી ૭ પાણીપૂરી, પણ એ ૭ પાણીપૂરી તમે ખાઓ તો તમારું પેટ ભરાઈ જાય અને જલસો પડી જાય એ લટકામાં.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 12:06 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK