Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળને આજે મળશે BJPનો સૌપ્રથમ ચીફ મિનિસ્ટર

પશ્ચિમ બંગાળને આજે મળશે BJPનો સૌપ્રથમ ચીફ મિનિસ્ટર

Published : 09 May, 2026 09:37 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પંચાવન વર્ષના નેતા સુવેન્દુ અધિકારી આજે સવારે ૧૧ વાગ્યે પશ્ચિમ બંગાળના નવા મુખ્ય પ્રધાન બનશે. ગઈ કાલે કલકત્તામાં BJP વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળને આજે મળશે BJPનો સૌપ્રથમ ચીફ મિનિસ્ટર

પશ્ચિમ બંગાળને આજે મળશે BJPનો સૌપ્રથમ ચીફ મિનિસ્ટર


ભારતીય જનતા પાર્ટી (BJP)ના પંચાવન વર્ષના નેતા સુવેન્દુ અધિકારી આજે સવારે ૧૧ વાગ્યે પશ્ચિમ બંગાળના નવા મુખ્ય પ્રધાન બનશે. ગઈ કાલે કલકત્તામાં BJP વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન માઝીની હાજરીમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ BJPના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ સુવેન્દુ અધિકારીનું નામ પ્રસ્તાવિત કર્યું હતું, જેને વિધાનસભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સુવેન્દુ અધિકારી નંદીગ્રામ અને ભવાનીપુરથી જીત્યા હતા. તેમણે ભવાનીપુરમાં મમતા બૅનરજીને હરાવ્યાં હતાં.

કોણ છે સુવેન્દુ અધિકારી?
સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના રહેવાસી છે. આ જિલ્લાનું કરકુલી ગામ તેમનું જન્મસ્થળ છે. સુવેન્દુ અધિકારીનો જન્મ ૧૯૭૦ની ૧૫ ડિસેમ્બરે થયો હતો. તેમના પિતા શિશિર અધિકારી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ૩ વારના સંસદસભ્ય છે. આમ સુવેન્દુ અધિકારીને રાજકીય વારસો મળ્યો છે. તેમણે પંચાયત સ્તરથી સંસદ સુધી કામ કર્યું છે. તેઓ સૌપ્રથમ ૨૦૦૫માં વિધાનસભ્ય બન્યા હતા. ત્યાર બાદ તેઓ ૨૦૦૯ અને ૨૦૧૪માં તામલુકથી લોકસભા માટે ચૂંટાયા હતા. નંદીગ્રામમાં જમીનસંપાદન વિરોધી ચળવળમાં તેમની ભૂમિકાએ તેમને બંગાળના રાજકારણમાં મેદિનીપુરના રાજા બનાવ્યા. ડિસેમ્બર ૨૦૨૦માં તેઓ તૃણમૂલ કૉન્ગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે નંદીગ્રામ બેઠક પરથી મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને હરાવીને મોટો અપસેટ સરજ્યો હતો. ત્યાર બાદ તેમણે મે ૨૦૨૧થી ૨૦૨૬ સુધી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી હતી. હવે તેઓ પશ્ચિમ બંગાળમાં ટોચનું પદ સંભાળશે.

કૉન્ગ્રેસ સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત
સુવેન્દુ અધિકારીએ ૧૯૯૫માં કૉન્ગ્રેસ તરફથી કાંતાઈ નગરપાલિકાના નગરસેવક તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૯૫થી ૨૦૨૬ સુધી ત્રણ દાયકામાં વિવિધ પદે રહ્યા બાદ છેવટે તેઓ મુખ્ય પ્રધાન બનવાના છે. સુવેન્દુ અધિકારીના પરિવારમાં બે ભાઈઓ છે. દિવ્યેન્દુ અધિકારી સંસદસભ્ય અને તામલુકના વિધાનસભ્ય રહી ચૂક્યા છે. બીજા ભાઈ સૌમેન્દ્ર અધિકારીએ કાંતિ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે અને હાલમાં કાંતિના સંસદસભ્ય છે. સુવેન્દુ અધિકારી અપરિણીત છે. તેમનાં માતા ગાયત્રી અધિકારીએ પોતાનું જીવન સામાજિક અને રાજકીય કાર્યમાં સમર્પિત કર્યું છે.

૨૪ કલાકમાં તૃણમૂલ કૉન્ગ્રેસના ૪ નેતાની અરેસ્ટ કરવામાં આવી
બંગાળમાં હત્યાના પ્રયાસ અને પોલીસ પર હુમલો કરવાનો આરોપ
પશ્ચિમ બંગાળમાં ૨૪ કલાકમાં તૃણમૂલ કૉન્ગ્રેસના ૪ એવા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે જેમના પર હત્યાના પ્રયાસ, પોલીસ-કર્મચારીઓ પર હુમલો કરવો, રાજકીય હરીફોને હથિયારોથી ધમકાવવા અને ચૂંટણી પછી તોડફોડમાં સંડોવણીના આરોપો છે. આ ઘટનાઓ સિરામપુર, ગોસાબા, કેનિંગ અને જલપાઇગુડીમાં નોંધાઈ હતી. 

પોલીસ પર હુમલો કરનારા નગરસેવકની ધરપકડ
હુગલી જિલ્લાના સિરામપોરમાં તાળાબંધ આંગણવાડી કેન્દ્રને લઈને અશાંતિ ફાટી નીકળી હતી.

કેન્દ્રીય દળો સાથે પોલીસ-કર્મચારીઓ આ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે વૉર્ડ-નંબર ૧૦ના તૃણમૂલ કૉન્ગ્રેસના નગરસેવક રાજેશ શાહ અને તેમના સાથીઓએ તેમનો સામનો કર્યો હતો. અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર નટરાજ સિંહ રે પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમનું નાક તૂટી ગયું હતું. પોલીસે આ સંદર્ભમાં રાજેશ શાહની બે સાથીઓ સાથે ધરપકડ કરી હતી.

હત્યાના પ્રયાસના કેસમાં પ્રદેશ પ્રમુખની ધરપકડ
સાઉથ ૨૪ પરગણા જિલ્લાના ગોસાબામાં પોલીસે પક્ષના કાર્યકરની હત્યાના પ્રયાસના આરોપસર તૃણમૂલ કૉન્ગ્રેસના પ્રદેશ પ્રમુખ પરિતોષ હલદરની ધરપકડ કરી હતી. બીજી તરફ કેનિંગ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં BJP સમર્થકોને બંદૂકથી ધમકાવવા બદલ તૃણમૂલ સમર્થિત એક બંદૂકધારીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી બંદૂક અને એક રાઉન્ડ દારૂગોળો જપ્ત કરવામાં આવ્યાં હતાં.

BJPને મત આપનારાનાં ઘરોમાં તોડફોડ
નૉર્થ બંગાળના જલપાઇગુડીમાં સ્થાનિક તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાઓ અને તેમના સહયોગીઓએ જલપાઇગુડી નગરપાલિકાના વૉર્ડ-નંબર ૧૬માં ઘણા રહેવાસીઓએ BJPને મત આપતાં તેમનાં ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. લેખિત ફરિયાદ બાદ પોલીસે તૃણમૂલ કૉન્ગ્રેસના જિલ્લા સચિવ અને વ્યવસાયે વકીલ અભિજિત સિંહાની ધરપકડ કરી હતી. જોકે જલપાઇગુડી સેશન્સ કોર્ટે આરોપીને જામીન આપ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 09:37 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK