Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિજયના શપથગ્રહણ પર લાગ્યું ગ્રહણ

વિજયના શપથગ્રહણ પર લાગ્યું ગ્રહણ

Published : 09 May, 2026 09:42 AM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજયે સતત ત્રીજા દિવસે લોકભવનનું ચક્કર કાપ્યું અને TVKના ૧૦૭, કૉન્ગ્રેસના પાંચ, બે ડાબેરી પક્ષોના બે-બે મળીને કુલ ૧૧૬ વિધાનસભ્યોનું સમર્થન પત્ર આપ્યું; બબ્બે સભ્યો ધરાવતા VCK અને IUMLના સમર્થનપત્રો સાંજે મળવાના હતા, પણ આવ્યો ટ્‌વિસ્ટ...

ગઈ કાલે ત્રીજી વાર વિજય લોકભવનમાં રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળ્યા હતા અને ૧૧૬ સભ્યોનું સમર્થન સોંપ્યું હતું

ગઈ કાલે ત્રીજી વાર વિજય લોકભવનમાં રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળ્યા હતા અને ૧૧૬ સભ્યોનું સમર્થન સોંપ્યું હતું


VCKએ ડેપ્યુટી મુખ્ય પ્રધાનનું પદ માગ્યું અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે કહ્યું અમે TVK સાથે નહીં પણ સ્ટૅલિન સાથે છીએ. ગવર્નરે કહ્યું કે બહુમત માટે જરૂરી ૧ બેઠક પણ ઓછી હશે ત્યાં સુધી અમારા તરફથી શપથવિધિનો દિવસ અને સમય કન્ફર્મ નથી...

તામિલનાડુમાં વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) માટે ગઈ કાલે સતત ચોથા દિવસે સરકાર બનાવવાની જદ્દોજહદ કોઈ પરિણામ લાવે એવું લાગી નથી રહ્યું. શુક્રવારે સાંજે TVK ચીફ વિજય રાજ્યપાલને મળ્યા ત્યારે તેમની પાસે આખરે સરકાર બનાવવાનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો હોય એવું લાગતું હતું. ગઈ કાલે સતત ત્રીજા દિવસે વિજય રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળ્યા હતા. આ વખતે તેમણે ૧૧૬ વિધાનસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય બે પાર્ટીઓ વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના સમર્થન-પત્રો પાછળથી પહોંચી જશે એવી વાત થઈ હતી. આ સમર્થન-પત્રો મળી જાય એ પછી રાજ્યપાલ તરફથી ફૉર્મલ સરકાર બનાવવાનું આમંત્રણ મળવાનું હતું.

જોકે એ દરમ્યાન વિજય આજે ચેન્નઈના નેહરુ સ્ટેડિયમમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે એવા સમાચાર વહેતા થઈ ગયા હતા. સરકારની રચનાને લઈને ચેન્નઈમાં વિજયના નિવાસસ્થાન અને પાર્ટીના કાર્યાલયની બહાર કાર્યકરો ઉજવણીનો માહોલ બની ગયો હતો.

કહાનીમાં ટ્વિસ્ટ ફરી ત્યારે આવ્યો જ્યારે રાજ્યપાલને VCK અને IUML પાર્ટી તરફથી સમર્થન પત્રો મળ્યા ન હોવાથી રાજ્યપાલે કહ્યું કે જ્યાં સુધી બહુમત સાબિત થાય એટલાં સમર્થન-પત્ર ન મળે ત્યાં સુધી અમારા તરફથી શપથવિધિની તારીખ અને સમય કન્ફર્મ નથી.

૬ અને ૭ મેએ વિજય રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. જોકે રાજ્યપાલે કહ્યું હતું કે જો તેઓ ૧૧૮ વિધાનસભ્યોનો ટેકો દર્શાવે તો જ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવશે. વિજય ગઈ કાલે સતત ત્રીજા દિવસે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળવા લોકભવનની મુલાકાતે ગયા હતા અને રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, પરંતુ એક પાર્ટીનું સમર્થન પેન્ડિંગ રહેતાં વાત અટકી હતી.

બેઠકોનું ગણિત અને કન્ફ્યુઝન ક્યાં?
ચૂંટણીમાં TVKએ ૧૦૮ બેઠકો જીતી હતી. વિજયે બે બેઠક પર જીત મેળવી હતી. તેણે એક બેઠક છોડવી પડશે. સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો ૧૧૮ છે. આવી સ્થિતિમાં વિજયને વધુ ૧૧ વિધાનસભ્યોની જરૂર છે. કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યો અને બે ડાબેરી પક્ષોના ૪ વિધાનસભ્યો તથા VCKના બે અને IUMLના બે એમ કુલ ૧૩ વિધાનસભ્યો વિજયને સમર્થન આપવા તૈયાર હતા એટલે તેમની પાસે ૧૨૦ સભ્યોનું સમર્થન થતું હતું. જોકે IUMLએ પાછળથી કહ્યું હતું કે તેઓ TVK સાથે નહીં પરંતુ DMK નેતા સ્ટૅલિનને સમર્થન આપી રહ્યા છે. VCKએ બે જ બેઠકો હોવા છતાં પાર્ટીના ચીફ થોલ તિરુમાલવને માટે ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદની ડિમાન્ડ કરી હતી. આને કારણે ફરીથી ૧૨૦નો આંકડો ૧૧૬ પર આવીને અટકી ગયો હતો.

TVK સમર્થકોનું લોકભવન સામે પ્રદર્શન 
TVK સમર્થકોએ ગઈ કાલે સવારે રાજ્યપાલ હાઉસ (લોકભવન) સામે પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યો હતો. પોલીસે ઘણા સમર્થકોની અટકાયત કરી હતી.

ડાબેરી પક્ષોનો બહારથી ટેકો
સરકારને ટેકો આપવાના મુદ્દે CPI-Mના નેતા યુ. વાસુકીએ કહ્યું હતું કે ‘CPI અને CPI-M બન્નેએ TVKને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે ત્યારે તેઓ TVKની તરફેણમાં મતદાન કરશે. અમે કૅબિનેટમાં જોડાઈશું નહીં. આ ફક્ત બહારથી ટેકો છે. VCKએ પહેલાંથી જ કહ્યું છે કે તે ડાબેરી પક્ષો જે પણ નિર્ણય લેશે એનું પાલન કરશે. તેથી અમને આશા છે કે તેઓ પણ એવું જ કરશે. અમે ફક્ત સરકાર બનાવવાના મુદ્દા અને વિશ્વાસ-પ્રસ્તાવને ટેકો આપી રહ્યા છીએ.’
જોકે બહારથી જે હોય એ, સૂત્રોના કહેવા મુજબ અંદરખાને CPI, CPI-M બન્નેએ એક-એક પ્રધાનપદ મેળવવાની અને કૉન્ગ્રેસે બે પ્રધાનપદ મેળવવાની શરત રાખી છે જે TVKએ મંજૂર રાખી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 09:42 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK