સપનાં જોવા કાન નહીં, આંખ જોઈએ પપ્પાના આ મંત્રને આત્મસાત્ કર્યો છે સાંભળી ન શકતા આ યંગસ્ટરે, યે જોવારી હૈ દીવાની, વો કૉર્ન થી, કીન્વા સે કીન્વા તક, હમ સાથ સાથ હૈં - બૉલીવુડની ફિલ્મો જેવાં ફન્કી નામ છે વેદાંશની પ્રોડક્ટ્સનાં
સપનાં જોવા કાન નહીં, આંખ જોઈએ
માટુંગામાં રહેતો ૨૦ વર્ષનો વેદાંશ શાહ સાંભળી ન શકવાને કારણે ૧૦ મહિનાની ઉંમરથી કાનનું મશીન પહેરે છે. પોતાના દમ પર કંઈક કરવાની ઝંખનાથી પ્રેરાઈને તેણે હેલ્ધી પફ જેવા નાસ્તાની બ્રૅન્ડ લૉન્ચ કરી છે. ચાર જ મહિનામાં મુલુંડથી લાલબાગ સુધી ચાલીસથી વધુ રીટેલ સ્ટોર્સ અને ઑનલાઇન પોર્ટલ પર પણ તેની આ પ્રોડક્ટ અવેલેબલ છે
યે જોવારી હૈ દીવાની, વો કૉર્ન થી, કીન્વા સે કીન્વા તક, હમ સાથ સાથ હૈં - બૉલીવુડની ફિલ્મો જેવાં ફન્કી નામ છે વેદાંશની પ્રોડક્ટ્સનાં
ADVERTISEMENT
નવ મહિનાની ઉંમરે વાઇરલ ફીવરને કારણે સાંભળવાની ક્ષમતા ગુમાવનારો માટુંગામાં રહેતો વેદાંશ શાહ નસીબદાર હતો કે જલદી ડૉક્ટરનું ધ્યાન ગયું અને દસમા મહિનાથી હિયરિંગ એઇડ પહેરવાનું શરૂ કર્યું. એ જ પ્રતાપે આજે તે મશીન થકી સાંભળી શકે છે અને સાંભળી શકવાને કારણે બોલી પણ શકે છે. ભણવામાં બહુ રસ નહીં હોવાથી નાનપણથી જ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું જોનારા આ યુવાનને ફૅમિલી-સપોર્ટ મળ્યો તો તેણે થોડોક અનુભવ મેળવીને પોતાનું જ નવુંનક્કોર સ્ટાર્ટઅપ શરૂ કરી દીધું. પોતાના જ એજ-ગ્રુપના યુવાનોની જરૂરિયાત પર સ્ટડી કરીને ‘ફૂડ ઑન ધ ગો’ બ્રૅન્ડ હેઠળ ફૅન્સી પફને આજની પેઢીને ગમે એવા પૅકેજિંગમાં વેચવાનું શરૂ કરનારા વેદાંશની અનોખી જર્ની પર એક નજર.
હારીશ તો નહીં જ
‘મને બાળપણની બહુ વાતો તો યાદ નથી પરંતુ મેં મારા દાદા અને પપ્પા પાસે સાંભળ્યું છે કે હું બાળપણથી જ ફાઇટર હતો અને કદાચ એટલે જ હિયરિંગ એઇડવાળો આઇડિયા મારી કન્ડિશન બહુ સારી નહીં હોવા છતાં કામ કરી ગયો.’ વાતની શરૂઆત કરતાં વેદાંશ આગળ કહે છે, ‘એ સમયે ડૉક્ટર માટે મારી પરિસ્થિતિ ટ્રિકી હતી. હું અવાજને રિસ્પૉન્ડ નહોતો કરતો પરંતુ લોકોની ઍક્શનને તરત જ રિસ્પૉન્ડ કરતો હતો એટલે હું કમ્યુનિકેશનમાં ગિવઅપ કરવા તૈયાર નહોતો એવું મારા દાદા પાસે સાંભળ્યું છે. લકીલી હિયરિંગ લૉસ હતો પરંતુ એની પરખ જલદી થઈ ગઈ એટલે ઇલાજ પણ સંભવ બન્યો. જો એને ડિટેક્ટ કરવામાં બે મહિના મોડું થયું હોત તો કદાચ હિયરિંગ એઇડથી જે સપોર્ટ મળી શક્યો એ ન મળ્યો હોત અને આજે જેમ હું તમારી સાથે ફોનમાં કડકડાટ વાત કરી શકું છું કે જે રીતે હું ફોનમાં આવતા અવાજને સાંભળી શકું છું એ ન સાંભળી શકતો હોત. તો કદાચ આજે મારું ભવિષ્ય પણ જુદું હોત. અફકોર્સ, બાળપણમાં સ્પીચ-થેરપિસ્ટ પાસે જઈને ખૂબ ઇન્ટેન્સ ટ્રેઇનિંગ લીધી છે. જોકે આજે પણ રાઇમિંગવાળા શબ્દો મારી સામે બોલાય તો મને સમજવામાં તકલીફ પડે છે.’
અહીં ઉલ્લેખનીય છે કે અમુક ડેસિબલથી નીચેનો અવાજ આજે પણ વેદાંશ નથી સાંભળી શકતો. ધારો કે તમે તેની સામે તાળી પાડો તો એ તાળીનો અવાજ તેને ન સંભળાય.
સપનાં જોવા આંખ જોઈએ, કાન નહીં
જ્યારે તમે જરાક પણ બીજા કરતાં જુદા છો એવું સમજાય ત્યારે તમારા આત્મવિશ્વાસને થોડીક તો અસર પડતી જ હોય છે. અત્યારે કે. સી. કૉલેજમાં કૉમર્સમાં સેકન્ડ યરમાં ભણતો વેદાંશ કહે છે, ‘મને જ્યારે સમજાયું કે મારું સાંભળવું મશીનને આધારે છે ત્યારે મારા પપ્પાએ મને એ સમજાવેલું કે ભલે સાંભળવામાં મશીનનો સાથ લેવો પડે છે પણ સપનાં જોવા માટે આંખો જોઈએ અને એ એકદમ પર્ફેક્ટ છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. મને પહેલેથી જ ભણવામાં રસ નહોતો એટલે ઘરેથી મને ક્યારેય એના માટે પ્રેશર નથી થયું. હું માત્ર પાસ થઈ જાઉં એટલું ભણવાને સિરિયસલી લઉં એવો આગ્રહ હતો, જે સ્વાભાવિક હતું. હું નૉર્મલ સ્કૂલમાં ભણ્યો અને બધી જ રીતે મારો ઉછેર એક સામાન્ય બાળક જેવો હતો એટલે વ્યવહારની દૃષ્ટિએ હું જુદો છું એવું ફીલ કરાવવામાં નથી આવ્યું. મેં પણ કાનની બાબતને જુદી જ રાખી છે. જોકે એ પછી જ્યારે કરીઅરમાં શું કરવું એની ચર્ચા ચાલતી હતી ત્યારે મારે બિઝનેસ કરવો છે એવું મનમાં ફિક્સ હતું. ઇન ફૅક્ટ કૉલેજમાં છું ત્યારે જ મેં મારા નેબરની દુકાનમાં ઇન્ટર્નશિપ કરી છે. તેમનું પ્લાય અને વૉલપેપરનું કામ હતું. એ અનુભવમાં હું ધંધો કરી શકું એવો માઇન્ડસેટ ધરાવું છું. મારા ફાધરે મને એના માટે મોટિવેટ પણ કર્યો અને ઇન્વેસ્ટમેન્ટની તૈયારી પણ દેખાડી. અફકોર્સ, બજેટ લિમિટેડ હતું. પપ્પા મલ્ટિનૅશનલ બૅન્કમાં જૉબ કરે છે એટલે તેમના પર પૈસાનો બહુ લોડ આવે એવું હું પોતે જ નહોતો ઇચ્છતો.’
આઇડિયા ક્લિક થયો
ખાવાનો શોખ અને ખાવાનું બનાવવાનો શોખ સ્ટાર્ટઅપ આઇડિયામાં પણ વેદાંશને કામ લાગ્યો. તે કહે છે, ‘હું કંઈક એવું શોધતો હતો જે મારી જનરેશનને ગમે અને તેમની હેલ્થ માટે સારું પણ હોય. એના માટે ઓછા બજેટમાં સારું શું હોઈ શકે એ માટે જુદી-જુદી ફૂડ-પ્રોડક્ટ ટ્રાય કરવા ફૂડ-એક્ઝિબિશનમાં ગયા. ઇન્દોરની ખાઉ ગલી એક્સપ્લોર કરી. જોકે ક્યાંય કંઈ એક્સ્ટ્રા-ઑર્ડિનરી ન દેખાયું. એ દરમ્યાન બન્યું એવું કે એક જગ્યાએ પફ વિશે ખબર પડી. ઇન્ડિયામાર્ટ અને જસ્ટ ડાયલમાંથી પફને લગતા મૅન્યુફૅક્ચરર શોધ્યા. એમાં ઑપ્શન શું છે એ એક્સપ્લોર કર્યું. મારે ક્વૉલિટી પ્રોડક્ટ બનાવી આપે એવું કોઈ જોઈતું હતું. એના માટે સાઇટ-વિઝિટ પણ કરી. જોકે ખાસ મેળ ન ખાધો. પ્લસ પ્રોડક્ટમાં વરાઇટી જોઈતી હતી જે આજની જનરેશનને ગમે એવી હોય. એમાં જ નાશિકના એક મૅન્યુફૅક્ચરર મળ્યા અને તેમની પ્રોડક્ટની વરાઇટીમાંથી ચાર પ્રોડક્ટ મેં પસંદ કરી ઃ કૉર્ન પફ, કીન્વા પફ, જુવાર પફ અને મલ્ટિગ્રેન પફ. આ ચાર પ્રકારના પફનું પૅકેજિંગ મારે એક્સ્ટ્રા-ઑર્ડિનરી કરવું હતું. તમે માનશો નહીં પણ ક્વૉલિટી પ્રોડક્ટની શોધ કરવા કરતાં પણ મને ગમતું પ્રીમિયમ પૅકેજિંગ કરવામાં અને એને એક કન્સેપ્ટમાં ઢાળવામાં મને વધુ સમય લાગ્યો. બૉલીવુડ થીમ લઈને દરેક પ્રોડક્ટને જુદું નામ આપ્યું જેમાં એની વિશેષતા બૉલીવુડ અંદાજમાં કહેવાતી હોય. જેમ કે જુવારના પફનું નામ છે ‘યે જોવારી હૈ દીવાની’, કૉર્ન પફનું નામ છે ‘વો કૉર્ન થી’, કીન્વા પફનું નામ ફિલ્મ ‘કયામત સે કયામત તક’ પરથી ‘કીન્વા સે કીન્વા તક’ રાખ્યું છે અને મલ્ટિગ્રેન પફમાં બધા જ ગ્રેન સાથે હોવાથી એનું નામ રાખ્યું છે ‘હમ સાથ સાથ હૈં’. લગભગ ત્રણેક મહિનાનો સમય પૅકેજિંગ ફાઇનલ કરવામાં ગયો. એ પછી પૅકેજિંગ કરી આપે એવી ફૅક્ટરીઓ ગોતી. એમાં પણ ખૂબ શોધખોળ થઈ હતી, પણ જો મનથી ઇચ્છો તો ભગવાન પણ મળતા હોય તો અહીં તો માત્ર પૅકેજિંગ કંપની શોધવાની હતી.’
મહેનત માટે તૈયાર
જ્યારે બધું જ તૈયાર હતું એ પછી એના માર્કેટિંગનો પ્રશ્ન આવ્યો. વેદાંશ કહે છે, ‘એ પણ મેં જ કર્યું એક વન મૅન આર્મીની જેમ. હું જ મુલુંડથી લાલબાગ સુધીની અઢળક દુકાનોમાં ફર્યો છું અને તેમને મારી પ્રોડક્ટ ડિસ્પ્લેમાં મૂકવાની રિક્વેસ્ટ કરી છે. કોઈકે આવકાર્યો તો કોઈકે જાકારો પણ આપ્યો. જોકે હું હિંમત નથી હાર્યો. ૪૦ જેટલી શૉપમાં મારી પ્રોડક્ટ મળે છે. ઑનલાઇન પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે. હું ઇન્ટાગ્રામ પર ઍડ કરીને એને પ્રમોટ કરી રહ્યો છું. ચાર-પાંચ મહિનામાં જ ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો છે એવું કહી શકું. હજી તો કૉલેજોમાં અપ્રોચ કરું છું. કૉર્પોરેટ હાઉસની કૅન્ટીનમાં અપ્રોચ કરું છું. માત્ર ૬૦ રૂપિયામાં મારી પ્રોડક્ટ અવેલેબલ છે જે તમે ચાલતાં-ફરતાં ખાઈ શકો. એટલે જ બ્રૅન્ડનું નામ ‘ફૂડ ઑન ધ મૂવ’ રાખ્યું છે. મારા પપ્પા મને કહેતા હોય છે કે અટકતો નહીં, થાકતો નહીં અને હિંમત હારતો નહીં. ૨૦ વર્ષની ઉંમરે કરેલું સ્ટાર્ટઅપ રાતોરાત સુપરહિટ ન પણ થાય તોય અનુભવ એવો આપી જશે કે આવનારાં ૧૦ વર્ષમાં ક્યાંય પહોંચાડી દેશે. આ શબ્દોને પકડીને હું મહેનત કરી રહ્યો છું.’


