સ્વાદ અને ક્વૉલિટીને લીધે આ દાબેલી નાનકડા સ્ટૉલમાંથી દુકાનમાં આવી ગઈ
ખાઈપીને જલસા
વિઠ્ઠલ દાબેલી
મુલુંડના બેસ્ટ સ્ટ્રીટ-ફૂડની યાદીમાં વિઠ્ઠલ દાબેલીનું નામ આવે. આમ તો ઘણી જગ્યાએ દાબેલી મળે જ છે પણ કચ્છી ઑથેન્ટિક ટેસ્ટ આપતી વિઠ્ઠલ દાબેલીનો સ્વાદ માણવા લોકો પડાપડી કરે છે. આજથી ચાર દાયકા પૂર્વે વિઠ્ઠલ દાબેલીની શરૂઆત કરનારા ૬૭ વર્ષના વિઠ્ઠલદાસ પુજારાએ ભુજમાં મોટા ભાઈની દાબેલીનો ધંધો મૅનેજ કર્યા બાદ મુલુંડના એમ. જી. રોડ પર દાબેલીનો નાનો સ્ટૉલ શરૂ કર્યો હતો. એના સ્વાદ અને ક્વૉલિટીને લીધે વિઠ્ઠલ દાબેલીની લોકપ્રિયતા વધવા લાગી અને ધીરે-ધીરે સ્ટૉલમાંથી દુકાન બની. શરૂઆતમાં એક રૂપિયામાં બટર દાબેલી વેચાતી હતી પણ સમયાંતરે મોંઘવારીને લીધે ભાવવધારો થતો ગયો અને હવે એ ૨૦ રૂપિયામાં વેચાય છે. થોડા સમય પહેલાં તેમણે ચીઝ બટર દાબેલીનો ઑપ્શન રાખ્યો છે. એ ખાવી હોય તો ૫૦ રૂપિયામાં મળે છે. ક્વૉલિટી અને ક્વૉન્ટિટીમાં બાંધછોડ ન કરનારા વિઠ્ઠલદાસની દાબેલીનો સ્વાદ માણવા દૂર-દૂરથી લોકો આવે છે.
ચીઝ બટર દાબેલી
ADVERTISEMENT
ટેસ્ટ અને યુનિકનેસની વાત કરતાં વિઠ્ઠલ દાબેલીના ઓનર વિઠ્ઠલદાસભાઈ કહે છે, ‘હું ક્વૉલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરતો નથી. દાબેલીમાં નખાતા મસાલા હું ઘરે બનાવું છું. શરૂઆતથી જ સારી ગુણવત્તાના મસાલા લાવીને બહારથી રેડીમેડ મસાલો ન લેતાં ઘરે જ બનાવવાનો આગ્રહ રાખું છું. દાબેલીનું જ એટલું વેચાણ છે કે બીજી ફૂડ-આઇટમ વેચવાનો વિચાર ક્યારેય આવ્યો નથી.’
ક્યાં મળશે? : વિઠ્ઠલદાસ માંડવી દાબેલી, એમ. જી. રોડ, સ્વર્ણ પ્લાઝાની બાજુમાં, મુલુંડ (વેસ્ટ)
સમય : સવારે ૧૧.૩૦ વાગ્યાથી રાત્રે ૧૦ સુધી