કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરતાં પહેલાં જરૂરિયાત પ્રમાણે વૉર્મ-અપ ચોક્કસ કરો
પ્રતીકાત્મક તસવીર
કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરો તો પેઇન તો થવાનું જ છે. પેઇન લીધા વગર મજબૂત બનતું નથી. પરંતુ અમુક પ્રકારની પેઇન સારી હોય છે, કેટલીક ખરાબ હોય છે. અમુક પેઇન વ્યવસ્થિત એક્સરસાઇઝ કરવાને કારણે થતા હોય છે તો અમુક પ્રકારના પેઇન ખોટી રીતે એક્સરસાઇઝ કરવાને કારણે થતા હોય છે. ખાસ કરીને જિમ એક્સરસાઇઝ કરતા લોકોને ઘણી ઇન્જરીનો સામનો કરવો પડે છે. જે લોકો હેલ્થ બનાવવા જાય એ હેલ્થ બનાવવાને બદલે ઇન્જરી લઈને ઘરે બેસે એ ઘણું ખરાબ કહેવાય. જે લોકોએ હમણાં જિમ શરૂ કર્યું છે તેમના માટે અમુક નિયમો છે જેને ધ્યાનમાં રાખો તો ઇન્જ્રીને ટાળી શકાય.
કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરતાં પહેલાં જરૂરિયાત પ્રમાણે વૉર્મ-અપ ચોક્કસ કરો. વૉર્મ-અપ કરવાનો મોટા ભાગના લોકોને કંટાળો આવતો હોય પરંતુ શરીરને એક્સરસાઇઝ પહેલાં ગરમ કરવું જરૂરી છે. આ ઉપરાંત ઇન્જરીથી બચવું હોય તો સ્ટ્રેચ કરવા પણ જરૂરી છે. દરેક શરીરના અંગનું એક જુદું સ્ટ્રેચ હોય છે. દરેક નાનામાં નાના સ્નાયુને સ્ટ્રેચ કરવામાં આવે તો ઇન્જરીથી બચવાનું સરળ છે.
ADVERTISEMENT
સાચી ટેક્નિક પણ અનિવાર્ય છે. તમારી સાઇકલને કેટલી ઊંચાઈએ સેટ કરવી કે રેઝિસ્ટન્ટ ટ્રેઇનિંગ માટે મશીનને કઈ રીતે સેટ કરવું એ વ્યવસ્થિત સમજો અને કરો. આ માટે જરૂરી છે કે તમારી પાસે એક ટ્રેઇનર હોય જે તમને આ બાબતે સમજાવે. ટ્રેઇનરની જરૂરિયાત શરૂઆતમાં વધુ હોય છે કારણ કે કોઈ પણ એક્સરસાઇઝનું સાચું ફૉર્મ ટ્રેઇનર બતાવે છે.
૪૫ મિનિટથી ૧ કલાક જો તમે એક્સરસાઇઝ કરતા હો તો એને ઘણું કહેવાય. એનાથી વધુ સમય એક્સરસાઇઝને ન આપો. એક્સરસાઇઝ કર્યા પછી કૂલિંગ ડાઉન પણ અત્યંત મહત્ત્વનું છે એ કરો અને પછી સ્ટ્રેચ કરો. એક્સરસાઇઝ કરતી વખતે અને એ પછી પણ પાણી પીતા રહેવું જરૂરી છે.
સ્નાયુઓની હેલ્થ માટે એક્સરસાઇઝ જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે એ સ્નાયુને આરામ આપવાનું. એ માટે જ મોટા ભાગે લોકો અઠવાડિયામાં ૧ કે ૨ દિવસ વેઇટ ટ્રેઇનિંગ કરે છે. બાકીના દિવસ કાર્ડિયો અને ફંક્શનલ ટ્રેઇનિંગ કરતા હોય છે. પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. જ્યારે વજન ઉપાડો ત્યારે પ્રોટેક્ટિવ સપોર્ટ્સ મદદરૂપ થાય છે, ખાસ કરીને હેવી લિફ્ટિંગમાં. જેમ કે લમ્બર બેલ્ટ, કોણી કે ઘૂંટણના રૅપ વગેરે.
ફિટનેસ એક યાત્રા છે, કોઈ મુકામ નથી. સતત ફિટનેસ માટે પ્રયત્નશીલ રહો. સમય કાઢો અને કસરત કરો. ફિટનેસના પ્રયત્ન જ્યારથી ચાલુ કરો છો ત્યારથી જ તમે ફિટ છો એમ સમજો. ફિટ સતત રહેવાનું હોય છે, એક વખત ફિટ થઈ ગયા એટલે બસ, એવું નથી હોતું. જયારે એ સમજીશું ત્યારે ઇન્જરીથી બચી શકીશું.
- ડૉ. વિભૂતિ કાણકિયા


