Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > લિચી ખાશો તો ઉંમર કરતાં વધુ યુવાન દેખાશો

લિચી ખાશો તો ઉંમર કરતાં વધુ યુવાન દેખાશો

Published : 17 June, 2025 01:34 PM | Modified : 18 June, 2025 06:57 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આખા વર્ષમાં સૌથી નાની સીઝન હોય તો લિચીની. ઉનાળાના અંતમાં અને ચોમાસાની શરૂઆત પૂર્વે માર્કેટમાં મબલક પ્રમાણમાં જોવા મળતી લિચી ત્વચાની સાથે એકંદર સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે

લિચી

લિચી


સ્વાદમાં મીઠી અને પોષક તત્ત્વોથી ભરપૂર લિચીની સીઝન ચાલી રહી હોવાથી જ્યાં જુઓ ત્યાં લિચીની લારીઓ જોવા મળે છે. ખાસ કરીને ઉનાળાના એન્ડિંગ અને ચોમાસાના સ્ટાર્ટિંગ દરમિયાન આ ફળ વધુ જોવા મળે છે. ચીની મૂળના આ ફળની ભારતમાં પણ ખેતી થાય છે ત્યારે એ માત્ર રસાળ જ નહીં પણ આરોગ્ય માટે પણ લાભદાયી છે. એનું સેવન કરવાથી આરોગ્યને કઈ રીતે ફાયદો થાય છે અને એને આરોગવાની સાચી રીત કઈ એ વિશે ડાયટ ક્ષેત્રે ૧૫ વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવતી ડાયટિશ્યન માનસી પડેચિયા પાસેથી તેમના શબ્દોમાં જ જાણીએ...


કયાં ન્યુટ્રિશન્સ મળે?



જો તમે ૧૦૦ ગ્રામ લિચી ખાઓ તો એમાંથી ૬૬ જેટલી કૅલરી મળે છે, જે સારું કહેવાય છે. આ ઉપરાંત એમાંથી પાચનતંત્રના કામને સરળ બનાવવાનું કામ કરતું ફાઇબર ૧.૩ ગ્રામ મળે છે અને દૈનિક જરૂરિયાતના ૧૧૯ ટકા જેટલું વધુ વિટામિન C મળે છે, જે ત્વચાના સ્વાસ્થ્યને સુધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ પણ કરે છે. એટલું જ નહીં, એમાંથી કૉપર, પોટૅશિયમ અને વિટામિન B6 જેવાં મિનરલ્સ અને વિટામિન્સ મળે છે. ટૂંકમાં કહું તો લિચી કૉલેસ્ટરોલ-ફ્રી ફળ છે અને એમાંથી ફૅટ પણ ઓછી મળતી હોવાથી વેઇટ-મૅનેજમેન્ટ કરતા લોકો માટે વધુ ઉપયોગી સાબિત થશે.


લિચી ફેસપૅક


ત્વચાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ

દૂરથી દેખાવમાં સ્ટ્રૉબેરી જેવી દેખાતી લિચી વિટામિન C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી એ ત્વચાના સેલ્સને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. એને લીધે ચહેરા પર કરચલીઓ, પિગમેન્ટ્સ એટલે કે ડાઘ અને લાઇન્સ આવતાં નથી. ટૂંકમાં કહીએ તો એ ઍન્ટિ-એજિંગનું કામ કરે છે. આ ઉપરાંત એમાં રહેલું વિટામિન C ત્વચાની અંદરથી સફાઈ કરે છે અને ત્વચા માટે ઉપયોગી ગણાતા કૉલેજન નામના પ્રોટીનના લેવલને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. લિચી ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ગુણોથી ભરપૂર છે. એના પલ્પનો ઉપયોગ ચહેરા પર કરવામાં આવે તો ઍક્ને, ખંજવાળ અને રેડનેસ દૂર કરવામાં મદદ મળી શકે છે. લિચીની સીઝન ભલે ઉનાળાના અંતમાં આવે, પણ એ ઉનાળુ ફળ તરીકે જ ઓળખાય છે. એમાં વિટામિન E હોવાથી સનબર્નને પણ ઠીક કરવામાં મદદ કરે છે.

હાર્ટ-હેલ્થ માટે હેલ્ધી

લિચીને હાર્ટ-ફ્રેન્ડ્લી ફ્રૂટ પણ કહી શકાય છે, કારણ કે એમાં રહેલું ઓલિઓનોલિક ઍસિડ બૅડ કૉલેસ્ટરોલ એટલે કે LDLને ઘટાડવામાં અને ગુડ કૉલેસ્ટરોલ એટલે કે HDLને ડેવલપ કરવામાં મદદ કરે છે. જેને કૉલેસ્ટરોલની સમસ્યા હોય એ લોકોએ લિચી અચૂક ખાવી જોઈએ. આ ઉપરાંત એમાં રહેલું પોટૅશિયમ બ્લડપ્રેશર નિયંત્રિત રાખે છે અને સોડિયમની અસરોને સંતુલિત કરે છે. એટલે કે હાઈ બ્લડપ્રેશરના દરદીઓ માટે પણ આ ફળ દવાની જેમ કામ કરશે. એના સેવનથી હાર્ટ-અટૅક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ થવાનું જોખમ પણ ઘટશે. લિચીમાંથી વિટામિન P એટલે કે ફ્લેવનોઇડ્સ પણ મળે છે, એ રક્તવાહિનીઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો રક્તવાહિનીઓ સ્વસ્થ હશે તો હૃદયસંબંધિત બીમારીઓ થવાનું જોખમ આપમેળે ઘટી જશે. લિચી સ્વાદમાં ભલે મીઠી હોય પણ એ ડાયાબિટીઝ અને ક્રૉનિક રોગથી બચાવવામાં મદદ કરી શકે છે.

લિચીમાંથી બનાવેલું ડ્રિન્ક

મેટાબોલિઝમ વધારે

લિચીમાં ડાયેટરી ફાઇબર હોવાથી પાચનસંબંધિત સમસ્યાઓને ઘટાડે છે. એ મેટાબોલિઝમ અટલે કે ચયાપચયની ક્રિયાને સુધારવાનું કામ કરતી હોવાથી ખોરાક ઝડપથી પચી જાય છે. એટલે સ્વાભાવિક છે કે જેને કબજિયાતની સમસ્યા હોય એ લોકોને પણ આ સમસ્યાથી છુટકારો અપાવે છે.

ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે

લિચીમાંથી વિટામિન C ભરપૂર પ્રમાણમાં મળે છે તેથી એ ઇમ્યુન-સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એ લોકો વારંવાર બીમાર પડતા હોય છે અને તેમને ઇન્ફેક્શન અને ઍલર્જી થવાનો ખતરો પણ રહેતો હોય છે. જ્યારે સીઝન બદલાવાની હોય ત્યારે વાઇરલ ફીવર અને ઇન્ફેક્શન થવાની સંભાવના સૌથી વધુ હોય છે ત્યારે લિચીનું સેવન તમને શરદી, ઉધરસ, તાવ, ઇન્ફેક્શન અને ઍલર્જીથી રક્ષણ આપવાનું કામ કરશે. આ સાથે એ કાર્ડિયોવૅસ્ક્યુલર હેલ્થને પણ સુધારે છે.

વેઇટ-મૅનેજમેન્ટ માટે ફાયદાકારક

લિચીમાંથી ફૅટ બહુ જ ઓછી મળે છે અને એ પાચનને સુધારતું ફળ હોવાથી શરીરમાં ફૅટ જમા થવા દેતું નથી તેથી વજન નિયંત્રણમાં રહે છે. લિચી ખાવાથી પેટ ભરેલું રહે છે, એમાંથી વધુ કૅલરી મળતી નથી અને ફાઇબર હોવાથી પેટની ચરબીને ઘટાડી શકાય છે. જે લોકોને વજન ઘટાડવું હોય અથવા મૅનેજ કરવું હોય તેમના વધુ વજનને નિયંત્રિત કરવામાં લિચી બહુ અસરકારક છે. લિચીની નૅચરલ સ્વીટનેસ મગજને શાંતિ આપે છે અને મૂડ સુધારવામાં એટલે કે સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ બને છે.

આયર્નનો સ્રોત

લિચીમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન પણ મળી રહે છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓમાં આયર્નની અછત વધુ જોવા મળતી હોવાથી તેમના માટે લિચીનું સેવન સર્વોત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત જે લોકોને આયર્નની કમી હોય એ લોકો પણ લિચીનું સેવન કરી શકે છે. લિચીમાંનાં કૉપર અને ફૉસ્ફરસ હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે.

લિચી ખાવાની યોગ્ય રીત

દરરોજ સવારમાં ૧૦થી ૧૧ વાગ્યાના ગાળામાં તમે ૮થી ૧૦ લિચી ખાઓ તો હેલ્થને ફાયદો થાય છે. વધુ માત્રામાં ખાવાથી બ્લડ-શુગર વધી શકે છે. રાત્રે કે સાંજ પછી ખાવાનું ટાળો, કારણ કે એ ઝડપથી પચતી નથી. લિચીને ફ્રેશ ખાવી શ્રેષ્ઠ છે. રસ કે મિલ્કશેક તરીકે ખાઈ શકાય છે. લિચી એકદમ પાકેલી અને ફ્રેશ લાલ કલરની હોય એ જ ખાવી જોઈએ. લીલી કે કાચી લિચી તમને બીમાર પાડી શકે છે. લિચીની તાસીર ગરમ હોવાથી એને ખાવી હોય એના અડધા કલાક પહેલાં પાણીમાં પલાળી રાખવી અને પછી જ ખાવી યોગ્ય છે. આમ કરવાથી પેસ્ટિસાઇડ્સનો નાશ થાય છે અને થોડી ઠંડી પણ થાય છે. લિચી ખાવામાં હેવી હોવાથી એને ખાલી પેટે ખાવાની ભૂલ કરવી નહીં. નહીં તો ઊલટી કે ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે.

ઘરે બનાવો ડીટૉક્સ ડ્રિન્ક

લિચીને ફળ તરીકે ન ખાવી હોય તો ડ્રિન્ક બનાવીને પણ પી શકો છો. એના માટે છાલ અને બીજ કાઢેલી ૮થી ૧૦ લિચી લો. એ પલ્પમાં એક ચમચી લીંબુનો રસ, પાંચથી સાત ફુદીનાનાં પાન, એક ચમચી મધ અને એક કપ ઠંડું પાણી લો. આ બધાં જ ઇન્ગ્રીડિઅન્ટ્સને મિક્સરમાં બ્લેન્ડ કરી દો પછી એમાં બરફના ટુકડા નાખી કોલ્ડ ડીટૉક્સ ડ્રિન્કને સર્વ કરો. આ પીવાથી ત્વચામાં અંદરથી ગ્લો આવશે અને ઇમ્યુનિટી વધશે. આ ડ્રિન્ક સવારે ૧૦ વાગ્યા પછી પીવું. લિચીને નારિયેળપાણી અથવા દહીં સાથે પીવાથી એ સ્કિન અને પેટને હેલ્ધી રાખશે.

સ્કિનકૅર માટે ઘરગથ્થુ નુસખા

લિચી ફેસપૅક : ચારથી પાંચ લિચીના પલ્પને મૅશ અથવા બ્લેન્ડ કરીને એમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો અને અડધી ચમચી મધ નાખી મિક્સ કરીને તૈયાર થયેલી પેસ્ટને ત્વચા પર લગાવો. એને ૧૫થી ૨૦ મિનિટ સુધી રહેવા દો. સુકાઈ ગયા બાદ એને ઠંડા પાણીથી ધોઈ લો. આ ઘરગથ્થુ નુસખાથી ચહેરાની ત્વચા નરમ, ગ્લોઇંગ અને હાઇડ્રેટિંગ લાગશે.

લિચી ટોનર : તમે લિચીનું ટોનર પણ બનાવી શકો છે. એના માટે બે ચમચી જેટલો લિચીનો રસ, એક ચમચી કાકડીનો રસ અને એક ચમચી ગુલાબજળને મિક્સ કરીને એક સ્પ્રે બૉટલમાં ભરી દો. પછી એને ફ્રિજમાં ઠંડું થવા રાખો અને રોજ સવારે અને સાંજે ચહેરા પર સ્પ્રે કરો. આ ટોનરનો ઉપયોગ બેથી ત્રણ દિવસ સુધી કરી શકાશે. આ નુસખાથી ચહેરા પર ફ્રેશનેસ ફીલ થશે.

... તો લિચી ખાવી

લિચીમાં નૅચરલ શુગર હોવાથી ડાયાબિટીઝના દરદીઓએ એ ખાવાનું ટાળવું જોઈએ. જો બહુ જ મન હોય કે બહુ ભાવતી હોય તો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં એનું સેવન કરવું.

લિચી ખાવાથી બ્લડપ્રેશર સંપૂર્ણપણે ઘટી જાય છે તેથી જેનું બ્લડપ્રેશર લો હોય તેમણે ન ખાવી જોઈએ.

અસ્થમાના દરદીઓ અને જેમને શ્વાસ લેવામાં તકલીફ હોય, આર્થ્રાઇટિસના દરદી અને જેમની સર્જરી થઈ છે એ લોકોએ લિચીનું સેવન ટાળવું જોઈએ. એના અતિસેવનથી ઍલર્જી, પાચનતંત્રમાં ગરબડ થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2025 06:57 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK