એક્સરસાઇઝ, થેરપી, દવાઓ, સપ્લિમેન્ટ અને થાક્યા વગરના પ્રયાસ કરીને પણ જો તમારું ઘૂંટણ તમે બચાવી શકતા હો તો ચોક્કસ બચાવવું જોઈએ, કેમ કે એ જ સાચી રીત છે.
પ્રતીકાત્મક તસવીર
મારી પાસે હાલમાં એક કેસ આવેલો. આજે એના વિશે વાત કરવા માગું છું. સુરતથી એક ૫૫ વર્ષની સ્ત્રી તેના એક મિત્રના રેફરન્સ સાથે મને મળવા આવી. ત્યાંના ૨-૩ ડૉક્ટર્સ દ્વારા તેને સજેસ્ટ કરવામાં આવ્યું હતું કે તેને ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરવાની જરૂર છે કારણ કે છેલ્લા ૬ મહિનાથી તેમને ઘૂંટણમાં સખત પેઇન રહેતું હતું અને ફિઝિયોથેરપી, દવાઓ, પેઇનકિલર્સ, સપ્લિમેન્ટ બધું જ ટ્રાય કર્યા પછી પણ એ દુખાવો જઈ રહ્યો નહોતો. એ સ્ત્રીના ઘૂંટણમાં શરૂઆતી ઑસ્ટિઓઆર્થ્રાઇટિસનાં લક્ષણો હતાં જે દરેક વ્યક્તિમાં જુદાં-જુદાં હોઈ શકે છે. કારણ કે ઘણા લોકો એ લક્ષણો ખમી શકે છે તો ઘણા લોકો આ બહેનની જેમ સહન કરી જ નથી શકતા. તેમની હાલત જોઈને જ ડૉક્ટરોએ તેમને ઘૂંટણ રિપ્લેસ કરવાની સલાહ આપી હશે એમ હું માનું છું.
જ્યારે તે મારી પાસે આવ્યાં ત્યારે મેં તેમનો MRI જોયો, જે એકદમ નૉર્મલ હતો. તેમનું ઘૂંટણ એક ૩૦ વર્ષની સ્ત્રી જેવું હતું. સ્કૅન પણ બધાં કહેતાં હતાં કે એક અંગ તરીકે ઘૂંટણમાં એટલી તકલીફ નહોતી કે આખું એને રિપ્લેસ જ કરવું પડે. મેડિકલી એ પ્રયાસ અત્યંત જરૂરી છે કે તમારી પાસે ભગવાનનાં આપેલાં જે અંગ છે, જે તમારાં ઓરિજિનલ છે એને તમે જેટલાં વર્ષ સુધી સાચવી રાખી શકો એ સાચવો; રિપ્લેસ કરાવવાની ઉતાવળ ન કરો. આ બહેનનું પેઇન જતું જ નહોતું એટલે કદાચ ડૉક્ટરોએ એ નક્કી કર્યું હશે પણ મેં તેમને કહ્યું કે આપણે એક વાર કોશિશ કરીએ કે ફિઝિયોથેરપી ફરીથી ચાલુ કરીએ. તમને ૧ મહિનામાં ફરક ન પડે તો તમે સર્જરી કરાવજો.
ADVERTISEMENT
આ બહેન અઠવાડિયામાં ૩ વાર મારી પાસે સુરતથી મુંબઈ આવવાની જહેમત ઉઠાવવા તૈયાર હતાં. બસ, તેમને એમ હતું કે તે ઠીક થઈ જાય. ફિઝિયોથેરપીથી તેમને ૧૫ દિવસમાં ઘણો આરામ લાગ્યો. અને જે દિવસે તે ચાલી શક્યાં એ દિવસે ખૂબ રડી પડ્યાં. મને ખબર છે કે હજી પહેલાં જેવાં નૉર્મલ થતાં તેમને ૬ મહિના જતા રહેશે. વાર લાગશે, પણ જે ઘૂંટણ તેમનું છે એ કાળજીપૂર્વક સાચવીએ તો બીજાં ૧૦-૧૫ વર્ષ આરામથી નીકળી જશે, જે ખૂબ મહત્ત્વનું છે. ઘણા લોકો આજકાલ વિચારે છે કે ઘૂંટણ રિપ્લેસ કરાવવાનું જ છે તો ૬૫-૭૦ને બદલે ૫૦-૫૫ વર્ષની ઉંમરે પણ કરાવી લઈએ તો શું ખોટું? પણ એ વિચાર બરાબર નથી. એક્સરસાઇઝ, થેરપી, દવાઓ, સપ્લિમેન્ટ અને થાક્યા વગરના પ્રયાસ કરીને પણ જો તમારું ઘૂંટણ તમે બચાવી શકતા હો તો ચોક્કસ બચાવવું જોઈએ, કેમ કે એ જ સાચી રીત છે.
-ડૉ. વિભૂતિ કાણકિયા

