આ કેસમાં ૧૭ વર્ષનો ટીનેજર બોગસ ઈ-મેઇલ આઇડી તૈયાર કરવામાં આરોપીને મદદ કરતો હતો
પ્રતીકાત્મક તસવીર
બાંદરા-વેસ્ટમાં રહેતા ૮૧ વર્ષના સિનિયર સિટિઝનના ૨૩,૩૬૨ રૂપિયા પડાવી લેવાના આરોપસર બાંદરા પોલીસે સોમવારે ૨૧ વર્ષના આયુષ વાનખેડેની નાગપુરથી ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ જે અકાઉન્ટમાં ફરિયાદીના પૈસા ટ્રાન્સફર થયા હતા એના પર સતત નજર રાખી હતી. એ દરમ્યાન નવાં ઓપન થયેલાં બૅન્ક-અકાઉન્ટમાં માત્ર ૧૨ દિવસમાં ૬૧ લાખ રૂપિયા અલગ-અલગ ખાતામાંથી જમા કરાવવામાં આવ્યા હતા એટલું જ નહીં, આમાંની મોટા ભાગની રકમ નાગપુરમાંથી વિધડ્રૉ કરવામાં આવી હોવાની બાતમી મળતાં પોલીસે નાગપુર જઈ છટકું ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં ૧૭ વર્ષના એક કિશોરની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું, પણ પોલીસે તેને ચેતવણી આપીને છોડી મૂક્યો હતો.
આયુષ વાનખેડે ઇન્ટરનૅશનલ સાઇબર સિન્ડિકેટ સાથે સંકળાયેલો છે એમ જણાવતાં બાંદરાના પોલીસ-ઇન્સ્પેક્ટર શંકર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાંદરમાં રહેતા સિનિયર સિટિઝનને ફેબ્રુઆરીના અંતમાં મોબાઇલ પર મળેલા એક મેસેજમાં તમામ ઍપ્લિકેશન તાત્કાલિક અપડેટ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. એવું કરવા માટે એક લિન્ક આપવામાં આવી હતી જેના પર ક્લિક કરતાં ૧૫ મિનિટમાં સિનિયર સિટિઝનના બૅન્ક-અકાઉન્ટમાંથી ૨૩,૩૬૨ રૂપિયા ઊપડી ગયા હતા. તેમણે ફરિયાદ નોંધાવતાં જે બૅન્ક ઑફ મહારાષ્ટ્રના ખાતામાં એ પૈસા જમા થયા હતા એની તપાસ શરૂ કરી ત્યારે એમાં મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહાર જોવા મળ્યો હતો. બૅન્કમાં ખાતું ખોલનાર વ્યક્તિની પૂછપરછ કરતાં તે નાગપુરમાં હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી અમારી ટીમ તાત્કાલિક નાગપુર પહોંચી ગઈ હતી. સતત બે દિવસ સુધી છટકું ગોઠવીને ટીમે આયુષની ધરપકડ કરી હતી. તેની વધુ પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે ફિલિપીન્સમાં તેની ગૅન્ગના બીજા સભ્યો લોકોને છેતરવા માટે વિવિધ લિન્ક તૈયાર કરતા હતા. એ લિન્કના રેકૉર્ડ અનુસાર એ માત્ર સિનિયર સિટિઝનોને મોકલવામાં આવતી. જ્યારે કોઈ એ લિન્ક પર ક્લિક કરતું ત્યારે તેના ફોનનો ઍક્સેસ ફિલિપીન્સમાં બેસેલા તેની ગૅન્ગના સભ્યને મળી જતો. એ પછી બૅન્ક-ખાતામાંથી પૈસા કાઢી લેવામાં આવતા હતા. આયુષ ગામના લોકોના નામે વિવિધ કરન્ટ બૅન્ક-ખાતાં ઓપન કરાવતો હતો જેમાં ફિલિપીન્સમાં બેસેલા સાઇબર ગઠિયાઓ પૈસા જમા કરાવતા હતા. એ પૈસા બૅન્કમાંથી કઢાવવાનું કામ કરીને આરોપી પોતાનો હિસ્સો લીધા બાદ બીજા પૈસા હવાલા મારફત પહોંચાડી દેતો હતો. આ કેસમાં ૧૭ વર્ષનો ટીનેજર બોગસ ઈ-મેઇલ આઇડી તૈયાર કરવામાં આરોપીને મદદ કરતો હતો.’

