અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં ફિલ્મી અને વ્યક્તિગત જીવન પર ખુલ્લી ચર્ચા કરી હતી. તેણે ફિલ્મમાં તેની ભૂમિકા વિશે વાત કરતાં જણાવ્યું કે ઘરમાં દીકરી આરાધ્યા તેને કેવી રીતે ટ્રીટ કરે છે. અભિષેકનું કહેવું છે કે તે ઘરમાં સેલિબ્રિટી નહી,માત્ર એક પિતા છે.
અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા (ફાઇલ તસવીર)
અભિષેક બચ્ચન હાલમાં તેની આવનારી ફિલ્મ ‘બી હૅપી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર ૧૪ માર્ચે રિલીઝ થશે. એને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ એક સમર્પિત સિંગલ ફાધર શિવ (અભિષેક બચ્ચન) અને તેની ઉત્સાહી દીકરી ધરા (ઇનાયત વર્મા) વચ્ચેના અતૂટ બંધનની સ્ટોરી છે. આ ફિલ્મના પ્રમોશન વખતે અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં ફિલ્મી અને વ્યક્તિગત જીવન પર ખુલ્લી ચર્ચા કરી હતી. તેણે ફિલ્મમાં તેની ભૂમિકા વિશે વાત કરતાં જણાવ્યું કે ઘરમાં દીકરી આરાધ્યા તેને કેવી રીતે ટ્રીટ કરે છે. અભિષેકનું કહેવું છે કે હું ઘરમાં દીકરી માટે કોઈ સેલિબ્રિટી નથી, માત્ર એક પિતા છું. અભિષેક બચ્ચને કહ્યું કે બચ્ચન-પરિવારમાં આ પરંપરા છે અને એ વાત હું મારા પિતાજી પાસેથી જ શીખ્યો છું.
આ ઇન્ટરવ્યુમાં અભિષેકે જણાવ્યું હતું કે ‘હું ‘બી હૅપી’માં એવા પિતાની ભૂમિકા ભજવી રહ્યો છું જેને દીકરીને કારણે કેટલીક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એ તેને તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવે છે.’
જોકે વાસ્તવમાં તેની દીકરી આરાધ્યાએ ક્યારેય તેને આવી પરિસ્થિતિમાં નથી મૂક્યો. પોતાની લાગણી વ્યક્ત કરતાં અભિષેકે કહ્યું હતું કે ‘ઘરમાં જતી વખતે તમે માત્ર માતા-પિતા જ બની જાઓ છો, કોઈ પ્રોફેશનલ કે સેલિબ્રિટી નહીં. આ એક રિયલિટી ચેક જેવું લાગે છે. એ સારા માટે છે કારણ કે આ પ્રેમ સાચી જગ્યાથી આવે છે, તમારા પ્રોફેશનથી નહીં. આ પરંપરા શરૂઆતથી જ બચ્ચન-પરિવારમાં ચાલી આવી છે. હું એ મારા પિતાજી પાસેથી શીખ્યો છું. તેઓ પણ ઘરમાં માત્ર પપ્પા જ હતા, અમિતાભ બચ્ચન માત્ર બહાર જ હતા. આ ખૂબ સારું છે અને એ મને માનસિક સંતુલન જાળવવામાં મદદ કરે છે.’

