સોશ્યલ મીડિયા પર લોકો માચા ટીના હેલ્થ-બેનિફિટ્સ, એને બનાવવાની અલગ-અલગ રીત અને એના કલર-સ્વાદને લઈને પોતાની પ્રતિક્રિયાઓ શૅર કરી રહ્યા છે
માચા પીવાના ફાયદા
માચા જપાનની ટ્રેડિશનલ ટી છે અને એને વિશ્વભરમાં લોકપ્રિયતા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર લોકો માચા ટીના હેલ્થ-બેનિફિટ્સ, એને બનાવવાની અલગ-અલગ રીત અને એના કલર-સ્વાદને લઈને પોતાની પ્રતિક્રિયાઓ શૅર કરી રહ્યા છે. એવામાં માચા શું છે અને એને પીવાથી ખરેખર કેટલો ફાયદો થાય એ વિશે જાણી લઈએ
તમે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતા હશો તો ખબર હશે કે આજકાલ માચા ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. ભારતમાં લોકો હેલ્થ, ડિટૉક્સ, ફિટનેસને લઈને ઘણા સજાગ થઈ રહ્યા છે. એવામાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ માચાને પ્રમોટ કરી રહ્યા છે અને એને ગ્રીન ટીથી વધુ અસરકારક ગણાવી રહ્યા છે ત્યારે આજે આપણે ડાયટિશ્યન અને સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ સકીના પાત્રાવાલા પાસેથી જાણીએ કે માચાનો જે રીતનો હાઇપ ઊભો થયો છે એ કેટલો ફૉલો કરવા જેવો છે.
ADVERTISEMENT
માચા શું છે?
માચા ગ્રીન ટીનો જ એક પ્રકાર છે. બન્ને કેમેલિયા સિનેન્સિસ નામના એક છોડમાંથી જ આવે છે. માચા અને ગ્રીન ટીને ઉગાડવાની, પ્રોસેસ કરવાની અને ઉપયોગમાં લેવાની રીત એમને અલગ બનાવે છે. માચાને છાયામાં ઉગાડવામાં આવે છે જેને કારણે એનો સ્વાદ, રંગ અને પોષક તત્ત્વો વધી જાય છે. માચાને ઉગાડવાની સ્પેશ્યલ ટેક્નિક જ માચાને યુનિક બનાવે છે. માચાને છાયામાં ઉગાડવાથી એમાં ક્લોરોફિલનું પ્રમાણ વધી જાય છે. આ એક લીલા કલરનું રંગ દ્રવ્ય છે જે છોડમાં જોવા મળે છે. એટલે જ ગ્રીન ટી કરતાં માચાનો કલર વધુ બ્રાઇટ ગ્રીન હોય છે. માચામાં ગ્રીન ટી કરતાં એલ-થેનાઇન જે એક અમીનો ઍસિડ છે એનું પ્રમાણ પણ વધુ હોય છે. એ એને એક ઉમામી ટેસ્ટ આપે છે. ઉમામી એક જપાની શબ્દ છે. આ સ્વાદ મીઠો, ખાટો, કડવો, તૂરો, ખારો સિવાયનો એક ટેસ્ટ છે. મૅચ્યોર ચીઝમાં તમને ઉમામી ટેસ્ટ જોવા મળશે. માચાનો ટેસ્ટ થોડો અર્ધી એટલે કે માટી જેવો, ગ્રાસી એટલે કે ઘાસ જેવો, કડવો અને નજીવો મીઠો હોય છે એટલે પહેલી વાર જે માચા ટ્રાય કરતું હોય તેના માટે આ સ્વાદ ખૂબ અનોખો હોઈ શકે છે. માચા બનાવવા માટે યંગ લીવ્સ એટલે કે તાજાં, કોમળ પાંદડાં લેવામાં આવે છે જે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. આ પાંદડાંઓને સ્ટીમ કર્યા બાદ સૂકવીને પછી એમાંથી સ્મૂધ પાઉડર બનાવવામાં આવે છે.
માચાના ફાયદા
માચામાં ગ્રીન ટીની સરખામણીમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને વિટામિન્સનું પ્રમાણ વધુ હોય છે. માચામાં એક ખાસ પ્રકારનું ઍન્ટિ-ઑક્સિડન્ટ EGCG (એપિગેલોકેટેચિન ગેલેટ) હોય છે જેને સુપર ઍન્ટિ-ઑક્સિડન્ટ માનવામાં આવે છે. માચા વિટામિન A, વિટામિન C અને વિટામિન Eનો સારો સોર્સ છે. માચા મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે. એનાથી વધુ કૅલરી બર્ન કરવામાં મદદ થાય છે અને એ રીતે વજન ઘટાડવામાં મદદ મળે છે. એમાં રહેલા કૅફીનને કારણે વધુ ભૂખ લાગતી નથી અને વારંવાર કંઈ ખાવાની ઇચ્છા થતી નથી એટલે વજન કન્ટ્રોલમાં રહે છે. માચા બ્લડ-શુગરના લેવલને અને કૉલેસ્ટરોલના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે અને એ રીતે એ હાર્ટ-હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે. માચામાં ફાઇબરનું પણ સારું પ્રમાણ હોય છે, જે આંતરડાંના સ્વાસ્થ્યને સારું રાખવામાં અને પાચનને સુધારવામાં મદદરૂપ બને છે. માચામાં રહેલાં વિટામિન્સ અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવાનું કામ કરે છે. એમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ આપણા શરીરના કોષોને નુકસાન પહોંચાડતાં ફ્રી રૅડિકલ્સ સામે લડે છે. આ ફ્રી રૅડિકલ્સ એજિંગ અને હૃદય સંબંધિત બીમારી, ડાયાબિટીઝ, કૅન્સરનું કારણ બની શકે છે. માચામાં કૅફીન હોય છે, પણ એ રેગ્યુલર ચા અને કૉફીમાં રહેલા કૅફીન કરતાં થોડી અલગ રીતે કામ કરે છે. કૉફીમાં જે કૅફીન હોય છે એની કેટલીક સાઇડ-ઇફેક્ટ હોય છે. કૉફી પીધા પછી તરત ઊર્જા અને સતર્કતાનો તો અનુભવ થાય છે, પણ જેવી એની અસર પૂરી થાય એટલે ફરી થાક લાગવા લાગે છે. સામાન્ય રીતે માચા પીવાથી કૉફીની જેમ તરત ઊર્જા બૂસ્ટ નથી થતી, કારણ કે માચામાં કૅફીનની સાથે એલ-થેનાઇન હોય છે જે કૅફીનના પ્રભાવને સંતુલિત કરે છે અને સ્થિર ઊર્જા પ્રદાન કરે છે. એવી જ રીતે માચામાં કૅફીન અને એલ-થેનાઇનનું કૉમ્બિનેશન ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવાનું, સતર્કતા વધારવાનું, માનસિક સ્પષ્ટતા વધારવાનું, સ્ટ્રેસ ઓછો કરવાનું, મૂડ સુધારવાનું કામ કરે છે. એટલે જે લોકોને લાંબા કલાકો સુધી ઑફિસમાં કામ કરવાનું હોય કે નાઇટ-ડ્યુટી કરતા હોય તેમના માટે કૉફી કરતાં માચા વધુ હેલ્ધી ચૉઇસ છે. પ્રી-વર્કઆઉટ ડ્રિન્ક તરીકે પણ માચા એક સારી ચૉઇસ છે. સામાન્ય રીતે ગ્રીન ટી આપણે પાંદડાંઓને પાણીમાં ઉકાળીને બનાવીએ છીએ, પણ માચામાં તો પાંદડાંઓને પીસીને જ માચા બનાવવામાં આવે છે અને એ પાઉડરને જ આપણે પીએ છીએ. એટલે એ રીતે પણ એમાં રહેલાં પોષક તત્ત્વો શરીરને વધુ મળે છે. માચાનો ઉપયોગ સ્કિનકૅરમાં પણ થાય છે. એનો ફેસમાસ્ક બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ, ચમકદાર, લચીલી અને હાઇડ્રેટેડ રહે છે.
માચા કઈ રીતે પીવાય?
ઘણા લોકો માચાને પાણીમાં કે દૂધમાં મિક્સ કરીને ટી બનાવીને પીએ છે. ઘણા લોકો એમાંથી આઇસ માચા લાતે, સ્મૂધી, ડિટૉક્સ ડ્રિન્ક પણ બનાવીને પીતા હોય છે. ટ્રેડિશનલ માચા ટી બનાવીને પીવી હોય તો એક ટીસ્પૂન માચા પાઉડરને ગળણીની મદદથી ગાળીને એમાં એક-બે ચમચી ગરમ પાણી નાખીને બન્નેને સરખી રીતે ફેંટીને સ્મૂધ પેસ્ટ જેવું બનાવી લો. હવે આ પેસ્ટમાં થોડું-થોડું ગરમ પાણી ઍડ કરીને તમે એને સરખી રીતે હલાવતા જાઓ જ્યાં સુધી તમને પાણીની ઉપર ફીણ ન દેખાવા લાગે. તમે ૬૦થી ૭૦ મિલીલીટર ગરમ પાણી નાખી શકો છો. માચા સ્મૂધીની વાત કરીએ તો એક ટીસ્પૂન માચા, એક ફ્રોઝન કેળું, અડધો કપ દહીં અથવા યૉગર્ટ, અડધો કપ દૂધ અથવા બદામનું દૂધ, એક ટીસ્પૂન મધ અથવા ખજૂર, બે-ત્રણ બરફના ટુકડા લઈને બધી વસ્તુને પીસી નાખો એટલે તમારી સ્મૂધી તૈયાર થઈ જશે. ડિટૉક્સ ડ્રિન્ક બનાવવું હોય તો એક ગ્લાસ ઠંડા પાણીમાં એક ટીસ્પૂન માચા નાખીને સરખી રીતે મિક્સ કરો. એ પછી એમાં એક ટેબલસ્પૂન લેમન જૂસ અને એક ટીસ્પૂન મધ નાખીને સરખી રીતે હલાવો. છેલ્લે ફુદીનાનાં પાનથી એને ગાર્નિશ કરો. આઇસ માચા લાતે બનાવવી હોય તો ૧/૪ ગ્લાસ ઠંડા પાણીમાં એક ટીસ્પૂન માચા પાઉડર નાખીને સરખી રીતે હલાવી લો જેથી કોઈ લમ્પ્સ ન રહી જાય. એક ગ્લાસમાં બરફના ટુકડા નાખીને એના પર ઠંડું દૂધ નાખો. એના પર માચાનું મિક્સ્ચર ઉમેરો. એમાં તમારે સ્વીટનર ઍડ કરવું હોય તો એક ટીસ્પૂન મધ નાખી શકો.
માચા અને ચાનોયુ
માચા એક ટ્રેડિશનલ જૅપનીઝ ટી છે. જપાનમાં માચા પીવાની પરંપરા સદીઓ જૂના ચા સમારોહ એટલે કે ચાનોયુથી જોડાયેલી છે. ચાનોયુ એક પારંપરિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે જેમાં માચાને એક ખાસ વિધિ અને અનુશાસન સાથે તૈયાર કરીને પીરસવામાં આવે છે. ચા બનાવવાથી લઈને મહેમાનોને પિવડાવવા સુધી દરેક કદમ શાંતિ અને ધૈર્ય સાથે કરવામાં આવે છે. ચાનોયુમાં દરેક નાની-નાની વસ્તુઓનું મહત્ત્વ હોય છે - જેમ કે પાણીનો ધ્વનિ, ચાની સુગંધ, વાસણનો સ્પર્શ વગેરે. પૂરી સેરેમનીમાં ફક્ત ચા બનાવીને પીવા પર જ ફોકસ હોય છે જે એક મેડિટેશન સમાન હોય છે. ચાનોયુમાં મહેમાનોને સેવાભાવ સાથે ચા પીરસવામાં આવે છે અને ચા પીધા પછી મહેમાનો પણ આદરભાવ દેખાડે છે. આ બધી વસ્તુ પરથી ચાનોયુ એ શીખવાડે છે કે જીવનની ભાગદોડ વચ્ચે અટકીને વર્તમાનમાં જીવવું, દરેક ક્રિયાને ધ્યાનપૂર્વક અને પૂરી ઉપસ્થિતિથી એટલે કે માઇન્ડફુલ રહીને કરવી, અન્ય પ્રત્યે આદર અને વિનમ્રતા રાખવાં અને શરીરની સફાઈ સાથે મનની સફાઈ પણ રાખવી.

