આપણે કડવા લીમડાનાં બહુ ગુણગાન ગાયાં, પણ કઢી પત્તા તરીકે જાણીતો મીઠો લીમડો દાળ, શાકમાંથી કાઢીને બાજુ પર જ મૂકી દઈએ છીએ. આજે જાણીએ કોથમીર, મરચાંની સાથે ફ્રીમાં મળતો મીઠો લીમડો કઈ રીતે ઑલરાઉન્ડર છે
પ્રતીકાત્મક તસવીર
શાકભાજી માર્કેટમાં કોથમીર સાથે ફ્રીમાં આવતા કઢી પત્તાની કિંમત આપણે નથી કરતા. આ મીઠા લીમડાનો ઉપયોગ ફક્ત દાળ-શાકના વઘાર પૂરતો જ સીમિત નથી. એનું સેવન કરવાથી વાળ અને ત્વચાને તો ફાયદો થાય જ છે અને એની સાથે ગંભીર સમસ્યાઓની સારવાર માટે પણ એ ઉપયોગી નીવડે છે. કડવા લીમડાને તો દેશી દવાનો ભંડાર કહેવામાં આવે જ છે પણ મીઠા લીમડાના હેલ્થ-બેનિફિટ્સ પણ ઓછા નથી.
પોષક તત્ત્વોનો ખજાનો
કિચનમાં બહુ અન્ડરરેટેડ રહી ગયેલો મીઠો લીમડો હકીકતમાં અનેક બીમારીઓની સારવાર માટે કારગર છે અને શરીર માટેના જરૂરી પોષણનો ખજાનો ધરાવે છે. મુલુંડનાં ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી મીઠા લીમડાને આરોગવાથી થતા સ્વાસ્થ્યના લાભ વિશે કહે છે, ‘આપણા ઘરમાં મીઠો લીમડો ફક્ત વઘાર માટે જ ઘરમાં આવે છે. દાળ-શાકમાં વઘાર માટે લીમડો નાખીએ છીએ પણ થાળીમાં પીરસાય ત્યારે એ લીમડાને ન ખાવાની ચીજ સમજીને એક બાજુ કાઢી નાખીએ છીએ. જોકે ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર મીઠા લીમડામાંથી શરીરને વિટામિન A, B, C અને E ઉપરાંત કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને આયર્ન મળે છે. વિટામિન A આંખોના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. વિટામિન B શરીરને એનર્જી પૂરી પાડે છે ત્યારે વિટામિન E ત્વચાના સ્વાસ્થ્યની સાથે હેરગ્રોથ પ્રમોટ કરે છે. મીઠા લીમડાનાં પાન ખાવાથી પ્રોટીનની સાથે ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, ફૉસ્ફરસ, આયર્ન, મૅગ્નેશિયમ અને વિટામિન K પણ ભરપૂર પ્રમાણમાં મળે છે. મિનરલ્સમાં કૅલ્શિયમ હોય છે એ હાડકાંના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.’
ADVERTISEMENT
હાર્ટ-હેલ્થ માટે બેસ્ટ
ડાયાબેટોલૉજી ઍન્ડ કાર્ડિયોલૉજી ન્યુટ્રિશનમાં ડિગ્રી મેળવી ચૂકેલી ડિમ્પલ કહે છે, ‘મીઠા લીમડામાં રહેલાં મિનરલ્સ હાર્ટ-હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે. એ ગુડ કૉલેસ્ટરોલ (HDL)ને વધારવાનું અને બૅડ કૉલેસ્ટરોલ (LDL)ને ઓછું કરવાનું કામ કરતાં હોવાથી હૃદય સંબંધિત બીમારીઓ થવાના જોખમને ઓછું કરે છે. આ સાથે એ બ્લડ-શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. આ સાથે એ બ્લડમાં ગ્લુકોઝ લેવલને પણ એ નિયંત્રિત કરે છે. આ સાથે ઇન્સ્યુલિન પ્રોડ્યુસિંગ સેલ્સને પ્રોટેક્ટ પણ કરે છે. ડાયાબિટીઝના દરદીઓ માટે પણ મીઠો લીમડો ફાયદાકારક હોવાથી તેઓ શુગર-લેવલને કન્ટ્રોલમાં રાખવા માટે ભોજન સાથે મીઠા લીમડાની ચટણી ખાઈ શકે છે.’
ઇમ્યુન-સિસ્ટમને સુધારે
મીઠા લીમડામાં રહેલું વિટામિન C શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે આ વિશે વાત કરતાં ડિમ્પલ કહે છે, ‘ઍન્ટિફંગલ, ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર મીઠો લીમડો શરીરની ઇમ્યુન-સિસ્ટમને સ્ટ્રૉન્ગ બનાવે છે. એ મેટાબોલિઝમને ફાસ્ટ કરી એનર્જી આપે છે અને ફૅટ જમા થવા દેતો ન હોવાથી એ વેઇટલૉસમાં પણ મદદગાર છે. એક કપ પાણીમાં મીઠા લીમડાનાં સાતથી આઠ પાન ઉકાળી નાખવા અને એ હૂંફાળું પાણી પીવાથી સરળતાથી પેટની ચરબી ઓછી થશે. એનું સેવન વિટામિન B12ની ઊણપ દૂર કરે છે.’
શરીરને કરે ડીટૉક્સ
કઢી પત્તામાં રહેલાં પોષક તત્ત્વો શરીરને અંદરથી ડીટૉક્સ કરે છે તેથી દિવસની શરૂઆત મીઠા લીમડાના પાણી સાથે કરવાની સલાહ આપવામાં આવે છે. એને આરોગવાની વિવિધ પદ્ધતિ છે. મીઠા લીમડાનાં પાનને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દેવાં અને સવારે એ પાણી પી જવું. જો સ્વાદમાં એ સારાં લાગતાં હોય તો સવારે ખાલી પેટ એને ચાવી જવાં. ઘણા લોકો એનું ઉકાળેલું પાણી પીએ છે. વઘારમાં આખાં પાન નાખવાને બદલે એની પેસ્ટ અથવા ઝીણાં સમારીને નાખવાં જોઈએ જેથી એ શરીરમાં જાય. એ બધા જ અવયવોનું ડીપ ક્લીનિંગ કરે છે અને શરીરનાં ટૉક્સિન્સને દૂર કરીને લોહી સાફ કરે છે. એના સેવનથી લિવર અને કિડનીનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. મીઠા લીમડાનાં ચાર-પાંચ પાનને ચાવીને ખાવાથી બ્લડમાં યુરિક ઍસિડનું સ્તર પણ ઓછું કરે છે જે મેદસ્વીપણું, થાઇરૉઇડ અને ડાયાબિટીઝ જેવી બીમારીઓ થવાની શક્યતા ઘટાડે છે. ટૂંકમાં કહું તો મીઠો લીમડો બધા જ લોકો ખાઈ શકે છે, કોઈ પણ રીતે ખાઈ શકે છે. દિવસમાં એનું સેવન એક મુઠ્ઠી જેટલું હોવું જોઈએ તો એનાં પરિણામો દેખાશે. મીઠા લીમડાને ચાવીને ખાવાથી દાંતમાંથી બૅક્ટેરિયા દૂર થાય છે અને કૅવિટીની સમસ્યા ઉદ્ભવતી નથી. દાંતના સ્વાસ્થ્ય માટે કઢી પત્તા ડિસઇન્ફેક્ટન્ટની જેમ કામ કરતાં હોવાથી માર્કેટમાં મળતી ઘણી હર્બલ ટૂથપેસ્ટમાં મીઠો લીમડો સામેલ કરવામાં આવે છે.’
હેરગ્રોથ માટે ગુણકારી
મીઠા લીમડો હેર-હેલ્થ માટે સૌથી વધુ પ્રચલિત છે. એને ડાયટમાં સામેલ કરવાની સાથે એનો હેર-માસ્ક બનાવીને વાળમાં લગાવી પણ શકાય છે. વાળ ખરવાની સમસ્યા હોય તો મીઠો લીમડો લાભદાયક છે. હેર-માસ્ક બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલીમાં નારિયેળ તેલ ગરમ કરવું. એમાં કઢી પત્તા, મેથી દાણા અને કાળા તલ નાખો. થોડી વાર એને ઊકળવા દો અને મિશ્રણ ઠંડું થયા બાદ એની પેસ્ટ બનાવીને સ્કૅલ્પ અને વાળ પર લગાવો. ૩૦ મિનિટ સુધી રહેવા દો અને પછી વાળને સલ્ફેટ-ફ્રી શૅમ્પૂથી ધોઈ લેવું. અઠવાડિયામાં બે વાર આ પ્રયોગ કરવાથી વાળ મુલાયમ અને મજબૂત બનશે અને ખોડાની સમસ્યાથી પણ છુટકારો મળશે. વાળમાં લગાવવા પહેલાં સ્કૅલ્પ પર પૅચ-ટેસ્ટ કરી લેવી. બળતરા કે ખંજવાળ આવે તો લગાવવું નહીં.
સ્કિન ગ્લો કરશે
મીઠા લીમડાનું નિયમિત સેવન શરીર માટે ગુણકારી છે જ પણ એની સાથે એ ત્વચાને પણ નિખારે છે. આ સાથે પિમ્પલ્સ અને ડાઘની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. આ ઉપરાંત સ્કિન-ઇન્ફેક્શન થતાં પણ અટકાવે છે. ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો જોઈતો હોય તો કઢી પત્તાને પીસીને એમાં મધ અને ચણાનો લોટ મિક્સ કરીને ચહેરા પર લગાવવો અને ૧૦-૧૫ મિનિટ બાદ પાણીથી ધોઈ નાખવું.
શું કહે છે આયુર્વેદ?
ઘાટકોપરમાં આયુર્વેદિક ક્લિનિકનું સંચાલન કરતા ડૉ. દિનેશ હિંગુ મીઠા લીમડાના સેવનથી થતા ફાયદા જણાવે છે, ‘આયુર્વેદમાં મીઠા લીમડાના અઢળક ફાયદાઓનું વર્ણન છે. મુખ્યત્વે એ ભોજનને રુચિકર કરવાનું કામ કરે છે એટલે પાચનતંત્રના કામને સુધારે છે. એ રક્તશુદ્ધિકર હોવાથી લોહીમાં બગાડ ઉત્પન્ન થવા દેતો નથી. મીઠો લીમડો કૃમિઘ્ન હોય છે એટલે કે કૃમિની સમસ્યાથી પણ બચાવે છે. નવા રિસર્ચ પ્રમાણે કૅન્સરની ટ્રીટમેન્ટ માટે પણ મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મીઠા લીમડાના પાવર વિશે લોકો જાણતા નથી પણ આયુર્વેદમાં એને ગુણોનો ભંડાર કહેવાય છે. નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો અને ગર્ભવતી મહિલાઓ પણ એનું સેવન કરી શકે છે. કઢી પત્તાનાં થોડાં પાનને પાણીમાં મિક્સ કરીને વાટીને પેસ્ટ બનાવો અને એના રસને મધમાં મિક્સ કરીને આપવાથી નાનાં બાળકોના પેટનું સ્વાસ્થ્ય સારું રહેશે અને કૃમિની સમસ્યા હશે તો એ પણ દૂર થશે. કઢી પતાનાં ફ્રેશ પાનને પાણીમાં ધોઈ અને સૂકવીને એનો પાઉડર બનાવીને એક-એક ચમચી ખાઈ શકાય છે. એને ગમે તે રીતે ખાવાથી કોઈ નુકસાન થતું નથી.’
ઘરગથ્થુ નુસખા કામ આવશે
બે મોટી ચમચી તલના તેલમાં સાત-આઠ કઢી પત્તાનાં પાન નાખીને ઉકાળી લો. પાણી ઠંડું થાય એટલે ગાળીને વાળમાં લગાવવું. અઠવાડિયામાં ત્રણ વાર આ પ્રયોગ કરવાથી પ્રી-મૅચ્યોર હેર અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળશે.
મીઠા લીમડાનાં થોડાં પાનને પીસીને પેસ્ટ બનાવી લેવી અને એને છાશમાં નાખીને પીવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થઈ જશે.
કફ હોય તો એક કપ પાણીમાં કઢી પત્તાનાં છ-સાત પાનને પાંચ મિનિટ સુધી ઉકાળી લેવાં અને પછી એ પાણીને ઠંડું કરીને પીવાથી રાહત મળે છે.
ફૂડ-પૉઇઝનિંગ અથવા લૂઝ મોશન થયા હોય તો ભાતમાં દહીં અને કઢી પત્તાની પેસ્ટ મિક્સ કરીને ખાવાથી ફાયદો થાય છે.