વ્યસ્ત લાઇફસ્ટાઇલને લીધે કેટલીક ફૂડ-હૅબિટ્સ લિવરના સરળ ફંક્શનિંગમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે, આવું ન થાય એના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ એ જાણો
પ્રતીકાત્મક તસવીર
શરીરનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ કહેવાતું લિવર પાચનને સરળ બનાવવાની સાથે નુકસાનકારક રસાયણોને ફિલ્ટર કરે છે અને એને નાબૂદ કરે છે. ગ્લુકોઝનું સંચાલન અને પ્રોટીનના નિર્માણની જવાબદારી પણ લિવર પર જ હોય છે ત્યારે આપણી કેટલીક ફૂડ-હૅબિટ્સ એના કાર્યમાં અવરોધ ઊભો કરવાનું કામ કરે છે. થોડા સમય પહેલાં હાર્વર્ડ અને સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કેટલાક ખાદ્યપદાર્થોની યાદી જાહેર કરી હતી જે ફૅટી લિવર માટે જવાબદાર હોય છે. એમાં સૌથી પહેલાં ઠંડાં પીણાં, પ્રોસેસ્ડ અને પૅકેજ્ડ ફૂડનો સમાવેશ થાય છે. ડાયટમાં લેવાતી આ ચીજો લિવરને કઈ રીતે અસર કરે છે અને બીજાં એવાં કયાં ફૂડ છે જેની ડાયટમાંથી બાદબાકી કરવી જોઈએ એ વિશે અનુભવી ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી પાસેથી જાણીએ.
ફૅટી લિવર કેવી રીતે થાય?
ADVERTISEMENT
લિવર પાચનશક્તિનું, ફિલ્ટરનું, સ્ટોરેજનું અને રાસાયણિક ફૅક્ટરી જેવું અંગ છે. જો એનું ધ્યાન રાખવામાં ન આવે તો ફૅટી લિવરની સમસ્યા થાય છે. આ એક એવી સ્થિતિ છે જેમાં લિવરના કોષોમાં ચરબીનો સંગ્રહ થાય છે. જો એ લાંબા સુધી રહે તો એ ડૅમેજ થઈ શકે છે. જે લોકો આલ્કોહૉલનું સેવન કરે તેમને ફૅટી લિવર થાય અને જે ન કરે છતાં પણ આ તકલીફ થાય એને નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર ડિસીઝ (NAFLD) કહેવાય. નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર થાય ત્યારે એનું કારણ જન્ક ફૂડ હોઈ શકે છે. ક્યારેક જન્ક ફૂડ ખાવામાં વાંધો નથી પણ જો એની ફ્રીક્વન્સી વધે તો એ પ્રૉબ્લેમ ક્રીએટ કરી શકે, કારણ કે એમાં સાકર અને મીઠું અને ફૅટનું પ્રમાણ શરીરની જરૂરિયાત કરતાં વધુ હોવાથી લિવર-ફંક્શનમાં લોડ આવે છે. જો ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા લિવરને ડૅમેજ કરી શકે છે. જાણતાં-અજાણતાં જન્ક ફૂડના સેવનની સાથે લાઇફસ્ટાઇલ સંબંધિત અન્ય પરિબળો પણ લિવરની સમસ્યા માટે જવાબદાર બની રહ્યાં છે.
શુગર અને ફ્રક્ટોઝ
આપણે સોડા, પૅકેજ્ડ ફૂડ, મીઠાઈ, ફ્રૂટ જૂસ, કેક અને બિસ્કિટ જેવી બેકરી-પ્રોડક્ટ્સ ખાઈએ છીએ એમાં શુગરનું પ્રમાણ હોય છે. સાકરનું અતિસેવન લિવર માટે હાનિકારક છે. તમે જેટલી વધુ સાકર ખાઓ છો એ ફૅટમાં કન્વર્ટ થઈ જશે અને પછી એ લિવરની આસપાસ જમા થશે. રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ જેમ કે વાઇટ બ્રેડ અને પાસ્તા જેવી મેંદાથી બનેલી વસ્તુ પણ ફૅટી લિવર માટે જવાબદાર હોય છે.
તળેલા પદાર્થો
મોટા ભાગનું જન્ક ફૂડ તળેલું જ હોય છે. જ્યારે ખાદ્ય પદાર્થ તળાય છે ત્યારે એમાં રહેલી ફૅટ ટ્રાન્સફૅટમાં કન્વર્ટ થાય છે. એટલે કે એ જિદ્દી ફૅટ બની જાય છે. તળેલું ખાધા બાદ તમે શારીરિક કસરતો કરશો તો પણ એ ફૅટ બર્ન થશે નહીં. એ જમા થયા રાખશે. સારી હેલ્થ માટે આવું સારું નથી. જ્યારે કોઈ ચીજ વધુ પ્રમાણમાં ખાઈ લો અને પછી ઍક્ટિવિટી ન થાય તો ફૅટ લિવરમાં જમા થયે રાખે છે, પરિણામે ફૅટી લિવરની સમસ્યા થાય છે.
પ્રોસેસ્ડ ફૂડ
ચિપ્સ, પાઉડર્ડ મિલ્ક, નૅચરલ ફ્રૂટ્સને પ્રોસેસ કરીને બનાવેલા જૂસ જેવી ચીજો આપણી હેલ્થ માટે સારી ન કહેવાય. એની શેલ્ફ-લાઇફને વધારવા માટે નખાયેલાં પ્રિઝર્વેટિવ્સ લિવરનાં ફંક્શન્સમાં ખલેલ પહોંચાડી શકે છે. એમાં ફાઇબર ઓછું અને ફૅટ વધુ હોવાથી ફૅટી લિવર ઉપરાંત ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓને પણ નોતરે છે.
ડેરી-પ્રોડક્ટ્સ
દૂધ, દહીં, છાશ, ઘી સ્વાસ્થ્ય માટે સારાં છે પણ એમાંથી બનતાં બટર, ચીઝ અને પનીરમાં સૅચ્યુરેટેડ ફૅટ્સ હોય છે. જો એનો શરીરની જરૂરિયાત કરતાં વધુ ઇન્ટેક થાય તો એમાં રહેલી સૉલ્યુબલ ફૅટ્સ શરીરમાં જમા થયે રાખે છે અને એ લિવરને અસર કરે છે.
બીજાં જવાબદાર પરિબળો
વધુ પડતા હેલ્થ-કૉન્શિયસ લોકો આજકાલ આવી રહેલી અવનવી ડાયટ-પૅટર્ન્સને ફૉલો કરે છે જેમાં વધુ સમય સુધી ફાસ્ટિંગ કરવાનું આવે એવી ફૅન્સી ડાયટને અનુસરવાથી પણ લિવર પર લોડ આવે છે. આવી ડાયટને ફૅડ ડાયટ કહેવાય છે. એ વેઇટલૉસ અને હેલ્થને સારી રાખવા માટે કરવામાં આવે છે એવા દાવાઓ થયા છે પણ વૈજ્ઞાનિક પુરાવાઓ મળ્યા નથી. આવી ડાયટને ફૉલો કરવી ન જોઈએ. આ પરિબળ પણ ફૅટી લિવર માટે જવાબદાર બની શકે છે. આ ઉપરાંત વધુપડતું સ્ટ્રેસ શરીરના કૉર્ટિઝોલ લેવલને એટલે કે સ્ટ્રેસ માટે જવાબદાર હૉર્મોન્સને વધારે છે. ફૅટી લિવર થવાનું આ પણ એક કારણ છે.
હેલ્ધી આૅલ્ટરનેટિવ્સ અપનાવો
ડાયટમાં એકાએક ફેરફાર કરશો તો શરીરને તકલીફ થશે. તેથી ધીમે-ધીમે હેલ્ધી પર્યાય તરફ સ્વિચ થાઓ. શક્ય હોય એટલું સાકર અને મીઠું ઓછું ખાઓ. પૅકેજ્ડ જૂસને બદલે તાજું નારિયેળનું પાણી, લીંબુ પાણી અને ફ્રૂટ્સ ખાવાની આદત પાડો. રિફાઇન્ડ કાર્બ્સ એટલે કે વાઇટ બ્રેડને હોલગ્રેન બ્રેડથી બદલી નાખો. મેંદાને બદલે ઓટ્સ અને મિલેટ્સ ખાશો તો થોડા સમયમાં તમારા શરીરમાં પૉઝિટિવ ચેન્જિસ દેખાશે. સોડાને બદલે હર્બ્સ અને વેજિટેબલ જૂસ પીવાની આદત પાડો. જન્ક ફૂડ ખાવા કરતાં ઘરનું ભોજન ખાવાનું પસંદ કરો. ફ્રાય ન કરેલી, સ્ટીમ કરેલી વાનગી, દાળ, શાકભાજી, જુવાર-બાજરી-નાચણી જેવા ઑપ્શન્સનો સમાવેશ કરો. શક્ય હોય ત્યાં સુધી હળદર, લસણ અને આદું જેવી ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ચીજો વધુ ખાઓ. વૉલનટ એટલે કે અખરોટને લિવર-ફ્રેન્ડ્લી ફૂડ કહેવાયું છે. એને પણ ડાયટમાં સામેલ કરો. પ્રોટીનનો ઇન્ટેક પૂરતો થાય એનું ખાસ ધ્યાન રાખવું. આ સાથે નિયમિત એક્સરસાઇઝ અને યોગ-પ્રાણાયામ પણ કરવા જેથી શરીર ઍક્ટિવ રહે.

