આજકાલ ORS ન્યુઝમાં છે. બાળકોને ડાયેરિયા થાય ત્યારે ડીહાઇડ્રેશનથી બચાવવા માટે સૌથી પહેલાં તેમને આ જ આપવામાં આવે છે. જોકે ભારતમાં ORSના નામે છૂટથી વેચાઈ રહેલા સાકરવાળા પીણાને કારણે સ્વાસ્થ્ય પર એની અવળી અસર થઈ રહી છે.
					 
					
જાણી લો અસલી ORS શું છે, એનો ઉપયોગ કઈ રીતે કરવો
આજકાલ ORS ન્યુઝમાં છે. બાળકોને ડાયેરિયા થાય ત્યારે ડીહાઇડ્રેશનથી બચાવવા માટે સૌથી પહેલાં તેમને આ જ આપવામાં આવે છે. જોકે ભારતમાં ORSના નામે છૂટથી વેચાઈ રહેલા સાકરવાળા પીણાને કારણે સ્વાસ્થ્ય પર એની અવળી અસર થઈ રહી છે. હૈદરાબાદના એક ડૉક્ટર છેલ્લાં આઠ વર્ષથી એની સામે લડત ચલાવી રહ્યા હતા, જેને હવે સફળતા મળી છે અને FSSAIએ ORS નામથી હાઈ શુગરવાળાં ડ્રિન્ક વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.
છેલ્લા થોડા દિવસથી ORS એટલે કે ઓરલ રીહાઇડ્રેશન સૉલ્ટ્સ ચર્ચામાં છે. એનું કારણ છે હૈદરાબાદનાં પીડિયાટ્રિશ્યન ડૉ. શિવરંજની સંતોષ જે છેલ્લાં આઠ વર્ષથી ORSના નામથી વેચાતાં શુગરી ડ્રિન્ક્સના વિરોધમાં પોતાની લડત ચલાવી રહ્યાં હતાં. ડૉ. શિવરંજની સંતોષની લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે જોયું કે અનેક બાળકો ડાયેરિયા દરમિયાન એવાં ડ્રિન્ક પી રહ્યાં હતાં જેને ORSના નામ પર વેચવામાં આવી રહ્યાં હતાં, પણ વાસ્તવિકતામાં એમાં વધારે પડતી સાકર અને સાવ ઓછાં ઇલેક્ટ્રોલાઇટ્સ હતાં. આ નકલી ORS ડ્રિન્ક પીને તેમની હાલત વધુ ખરાબ થઈ રહી હતી. અનેક બાળકો ગંભીર રૂપથી બીમાર પડી રહ્યાં હતાં. કેટલાક મામલે બાળકનું મૃત્યુ થવાનું પણ જોખમ હતું.
ADVERTISEMENT
એ જોઈને ડૉ. શિવરંજની સંતોષે સોશ્યલ મીડિયા પર લોકોને સાચી માહિતી આપવાનું શરૂ કર્યું. સરકાર અને અધિકારીઓને પત્ર લખ્યા. જનહિતની અરજીઓ દાખલ કરી જેથી ફેક પ્રોડક્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. તેમની આ લડાઈ લગભગ આઠ વર્ષ સુધી ચાલી જેમાં તેમણે સરકારની ઉદાસીનતા, કાનૂની અડચણો અને મોટી કંપનીઓના દબાવનો સામનો કરવો પડેલો. અંતે તેમની આ લાંબી લડત સફળ રહી છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ એક મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે કે કોઈ પણ ફૂડ-બ્રૅન્ડ એની પ્રોડક્ટ્સ પર ઓરલ રીહાઇડ્રેશન સૉલ્ટ્સ અથવા ORS શબ્દનો ઉપયોગ ન કરી શકે જ્યાં સુધી એ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ની ફૉર્મ્યુલા અનુસાર ન બની હોય. ડૉ. શિવરંજની સંતોષનું કહેવું છે કે તેમની આ લડત હજી ખતમ થઈ નથી. આ આદેશ તરત લાગુ થવો જોઈએ.

રિયલ-ફેક ORSમાં ફરક 
WHO દ્વારા નક્કી કરાયેલી ORS ફૉર્મ્યુલા અનુસાર પ્રતિ લીટર પાણીમાં ૨.૬ ગ્રામ સોડિયમ ક્લોરાઇડ, ૧.૫ ગ્રામ પોટૅશિયમ ક્લોરાઇડ, ૨.૯ ગ્રામ સોડિયમ સાઇટ્રેટ અને ૧૩.૫ ગ્રામ ડેક્સ્ટ્રોઝ એનહાઇડ્રસ (શુગર) હોવાં જોઈએ. ORSનું ચાર ગ્રામનું પાઉચ ૨૦૦ મિલીલીટર પાણીમાં અને ૨૦ ગ્રામનું પાઉચ એક લીટર પાણીમાં ભેળવીને પીવાનું હોય છે. દવા-કંપનીઓ દ્વારા ORSના નામે વેચવામાં આવતી અનેક પ્રોડક્ટ્સમાં સાકરનું પ્રમાણ WHO દ્વારા નક્કી કરાયેલી ફૉર્મ્યુલા કરતાં દસગણું વધુ હોય છે. આવી પ્રોડક્ટ્સમાં પ્રતિ લીટર ૧૧૦-૧૨૦ ગ્રામ શુગર હોય છે. એવી જ રીતે ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન પણ WHOનાં ધોરણો અનુરૂપ નથી હોતું. એમાં ફક્ત ૧.૧૭ ગ્રામ સોડિયમ, ૦.૭૯ ગ્રામ પોટૅશિયમ અને ૧.૪૭ ગ્રામ ક્લોરાઇડ પ્રતિ લીટર હોય છે. WHOના અસલી ORSમાં એનું પ્રમાણ આનાથી વધુ અને સંતુલિત હોય છે. 

ફેક ORSની ગંભીરતા સમજો
WHOના એક ડેટા અનુસાર ડાયેરિયા બાળકોમાં મૃત્યુનું ત્રીજું સૌથી મોટું કારણ છે. ખાસ કરીને પાંચથી નાની ઉંમરનાં બાળકોમાં. દર વર્ષે પાંચ વર્ષથી નાની વયનાં લગભગ ૪,૪૩,૮૩૨ બાળકો ડાયેરિયાને કારણે મૃત્યુ પામે છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ઇમર્જન્સી ફન્ડ (UNICEF) અનુસાર પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકોમાં ડાયેરિયા ૯ ટકા બાળકોનાં મૃત્યુનું કારણ હતું. દરરોજ ૧૨૦૦થી વધુ બાળકોનાં મૃત્યુ ડાયેરિયાથી થઈ રહ્યાં છે. એ હિસાબે વર્ષે ૪,૪૪,૦૦૦ બાળકો ડાયેરિયાથી મરી રહ્યાં છે. એમાં એમ પણ કહેવાયું છે કે ડાયેરિયાને રોકવા માટે ઉપચાર કરવા માટે ORS અને ઝિન્ક ટ્રીટમેન્ટ જેવા પ્રભાવી ઉપાય છે. એમ છતાં આ સરળ ઉપાયોનો ઉપયોગ પર્યાપ્ત રીતે થઈ રહ્યો નથી. એને કારણે લાખો બાળકોનો જીવ કારણ વગર જઈ રહ્યો છે. ભારતની વાત કરીએ તો દેશના ઘણા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં હજી ORS પહોંચી શક્યું નથી. નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે ૨૦૧૯-’૨૧ અનુસાર ડાયેરિયાથી પીડિત પાંચ વર્ષની વયથી નાનાં ફક્ત ૬૦.૬ ટકા બાળકોને જ ORS આપવામાં આવ્યું હતું. હજી પણ ઘણાં બાળકો આ જીવનરક્ષક ઉપચારથી વંચિત છે. એ પછી પરિસ્થિતિમાં સુધારો થયો હશે પણ એ વાતને પણ અવગણી ન શકાય કે હજી પણ ઘણાં બાળકોને ડાયેરિયામાં યોગ્ય ઉપચાર મળી શકતો નથી. 

ફેક ORSનું નુકસાન
આ વિશે માહિતી આપતાં પીડિયાટ્રિશ્યન ડૉ. નિહાર પારેખ કહે છે, ‘બાળકોને ડાયેરિયા થાય ત્યારે શરીરમાંથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ (સોડિયમ, પોટૅશિયમ) બહાર નીકળી જાય છે. આ કમીને જલદીથી પૂરી કરવામાં ન આવે તો બાળક ડીહાઇડ્રેશનનો શિકાર બની શકે છે. એટલે ડૉક્ટર બાળકને ORS આપવાની સલાહ આપે છે. એમાં પાણી, મીઠું (સોડિયમ) અને સાકર (ગ્લુકોઝ)નું યોગ્ય મિશ્રણ હોય છે. આ મિશ્રણ શરીરને હાઇડ્રેટ કરીને ઊર્જા આપે છે. ઘણી વાર બાળકોને નકલી ORS આપી દેવામાં આવતું હોય છે. ડૉક્ટર ORS પ્રિસ્ક્રાઇબ કરે પણ ઘણી વાર ફાર્મસીવાળા ફેક ORS આપી દેતા હોય છે. ખરીદનાર પણ જો અભણ હોય તો તે લઈ લે. એમાં સાકરનું પ્રમાણ વધુપડતું અને સોડિયમ ખૂબ ઓછું હોય છે. આવાં શુગરી ડ્રિન્ક્સ શરીરમાંથી પાણી ખેંચી લે છે, જેનાથી ડાયેરિયા હજી વધી જાય છે. બાળક વધુ ડીહાઇડ્રેટ થઈ જાય છે અને તેની હાલત ગંભીર થઈ શકે છે. જો શરીર સિવિયરલી ડીહાઇડ્રેટ થઈ ગયું હોય તો સોડિયમની કમીથી મગજમાં આવી શકે છે. જોકે આ બહુ રૅર કેસમાં થાય છે. એ પણ ટિયર-ટૂ, ટિયર-થ્રી શહેરોમાં જ્યાં સમયસર યોગ્ય સારવાર મળી શકતી નથી.’ 

ડાયેરિયા ટાળવા માટે શું કરવું જોઈએ?
ડૉ. નિહાર પારેખ કહે છે, ‘એક વર્ષથી નાનાં બાળકોમાં વાઇરલ ડાયેરિયા ખૂબ કૉમન છે. રોટા વાઇરસ એનું મુખ્ય કારણ છે. એની રોટાવાઇરસ વૅક્સિન આવે છે. બાળકોને એ આપવી ખૂબ જરૂરી છે. એનાથી બાળકને ડાયેરિયા થશે તો પણ એટલો ગંભીર નહીં થાય કે તેને હૉસ્પિટલમાં દાખલ કરવું પડે. આ વૅક્સિન સરકાર તરફથી પણ મફતમાં આપવામાં આવે છે. આ વૅક્સિન ઇન્જેક્શન નહીં પણ મોઢામાં ટીપારૂપે આપવામાં આવે છે. એવી જ રીતે બાળકોને ડાયેરિયાથી બચાવવા માટે સાફસફાઈનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એટલે જમતાં પહેલાં અને બાથરૂમ ગયા બાદ હાથ ધોવા જરૂરી છે. ગંદા હાથેથી ખાવાથી કીટાણુ પેટમાં ચાલ્યા જાય છે અને ડાયેરિયા થઈ શકે છે. બાળકોને કાચું ખાવાનું જેમ બને એમ ઓછું આપવું જોઈએ. હંમેશાં પકાવેલું ભોજન જ આપવું જોઈએ. કાચા ખોરાકમાં બૅક્ટેરિયા અને વાઇરસ હોવાની સંભાવના વધુ હોય છે. ખોરાક પકવેલો હોય તો હીટથી એ મરી જાય છે. એ સિવાય હંમેશાં બાળકને ફિલ્ટરવાળું અથવા ઉકાળેલું સ્વચ્છ પાણી જ પીવડાવવું જોઈએ. દૂષિત અને ગંદું પાણી પીવાથી કીટાણુ આંતરડામાં સંક્રમણ કરે છે. એને કારણે બાળકને ડાયેરિયા, ઊલટી, પેટમાં દુખાવો થઈ શકે છે.’
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	