નવાઈની વાત એ છે કે ઓવરથિન્કિંગનો વ્યાપ ઘણો વધુ છે. ઓવરથિન્કર્સની સંખ્યા આપણે વિચારી શકીએ એના કરતાં ઘણી વધારે છે અને વધતી જ જાય છે.
પ્રતીકાત્મક તસવીર
તાજેતરનો સર્વે જણાવે છે કે વધુપડતું વિચારવામાં એટલે કે ઓવરથિન્કિંગમાં ભારતીય લોકો દિવસના ત્રણ કે તેથી વધુ કલાકો વેડફી નાખે છે. ઓવરથિન્કિંગ ઘણા લોકો માટે આદત તો ઘણા માટે સ્વભાવ હોય છે, પરંતુ એ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે બીમારી તરફ ધકેલે છે. જો એ આદત બદલી નહીં તો વ્યક્તિ લાંબા ગાળે ઍન્ગ્ઝાયટી જેવા માનસિક રોગ અને સ્ટ્રેસ સંબંધિત બીમારીઓનો શિકાર બની શકે છે. આજે સમજીએ વધુપડતું વિચારવાની આદત કઈ રીતે નુકસાન કરે છે અને એને રોકવા માટે શું કરી શકાય
તમારું બે વર્ષનું બાળક માંદું પડ્યું. તાવ આવી ગયો. થર્મોમીટર પર ૧૦૦.૫ જોઈને જ તમે ગભરાઈ ગયાં : કાલે આને હું પાર્ક લઈ ગઈ હતી, નક્કી ત્યાં કોઈ મચ્છર કરડી ગયું હશે. તમે તેનું શરીર ચેક કરવા લાગો છો. મચ્છરના કરડવાનાં બે નિશાન છે. એ નિશાન જોઈને તમે વધુ ગભરાઈ જાઓ છો : બાપરે! મને લાગતું જ હતું કે આને પાર્ક ન લઈ જાઉં... જોયું, મચ્છર કરડી જ ગયું. આને મલેરિયા થઈ જશે. પછી શું કરીશ? દિવ્યા કહેતી હતી કે તેના દીકરાને મલેરિયા થયો ત્યારે તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડેલો. તાવ માટે તરત પૅરાસિટામોલ આપી તો દીધી પણ તાવ ન ઊતર્યો તો? મને લાગે છે કે મલેરિયાનો તાવ તો જલદી ઊતરે નહીં. મગજ પર તાવ ચડી ગયો તો હું શું કરીશ? ગૂગલ કર્યું તો મલેરિયાથી મરતાં બાળકોનો વાર્ષિક આંક ૬ લાખથી ઉપર. ના ના, મારા બાળકને હું કંઈ નહીં થવા દઉં.
ADVERTISEMENT
એક જ મિનિટની અંદર મગજ ક્યાંનું ક્યાં પહોંચી ગયું. સાંભળવામાં હાસ્યાસ્પદ લાગે પરંતુ આપણે બધા જો આપણા વિચારોને એક કાગળ પર ઉતારીએ તો એ આવા જ વંચાય, કારણ કે મગજ પર અને એમાં ઉદ્ભવતા વિચારો પર આપણો કોઈ કન્ટ્રોલ નથી. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ સમયે વધુપડતું વિચારી જ લેતી હોય છે, પરંતુ આ જે ઓવરથિન્કિંગ છે એ ઘણી વાર સીમિત પરિસ્થિતિઓમાં બંધાયેલું રહેતું નથી. ઘણી વાર એ દરેક પરિસ્થિતિ સાથે જોડાયેલું હોય છે. કબાટ સામે ૨૦ મિનિટથી ઊભેલી જે વ્યક્તિ નક્કી નથી કરી શકતી કે તેણે આજે શું પહેરવું એ ઓવરથિન્કર છે. છેલ્લા બે કલાકથી ભૂખ પણ લાગી છે પણ ઘરે બનાવું કે બહારથી ઑર્ડર કરું એ નક્કી ન કરી શકતી વ્યક્તિ ઓવરથિન્કર છે. છેલ્લા ૧ વર્ષથી પૈસા હોવા છતાં ઘરનું ઘર લઈ ન શકનાર વ્યક્તિ ઓવરથિન્કર છે. છેલ્લાં પાંચ વર્ષથી જીવનસાથીની તલાશ ચાલુ છે પણ કોઈ એક પર પસંદગી નથી થઈ શકી તો એ વ્યક્તિ પણ ઓવરથિન્કર છે. આ દરેક ઉદાહરણ પોતાનામાં જ જણાવે છે કે ઓવરથિન્કિંગનું નુકસાન ઘણું વધારે છે. તમારી ગતિને એ ધીમી કરી દે છે. ખૂબ જ સમયનો વેડફાટ થાય છે અને નિર્ણય લઈ શકાતો નથી.
સર્વે કહે છે...
નવાઈની વાત એ છે કે ઓવરથિન્કિંગનો વ્યાપ ઘણો વધુ છે. ઓવરથિન્કર્સની સંખ્યા આપણે વિચારી શકીએ એના કરતાં ઘણી વધારે છે અને વધતી જ જાય છે. હાલમાં થયેલા એક સર્વે અનુસાર ૮૧ ટકા ભારતીય લોકો ઓવરથિન્ક એટલે કે વધુપડતું વિચારવામાં દિવસના ૩ કલાકથી વધુ સમય વેડફે છે. સહજ છે કે ઓવરથિન્ક કરવાને કારણે નિર્ણય લેવામાં તકલીફ પડે છે. જે લોકો વધુપડતું વિચારે છે તેમને એક નિર્ણય પર આવતાં વાર લાગે છે અને એટલું જ નહીં, તેમને મદદની પણ જરૂર પડે. સર્વે અનુસાર નિર્ણય માટે ત્રણમાંથી એક ભારતીય ચૅટ GPT કે ગૂગલની મદદ લે છે. સર્વે મુજબ લોકો આ ટેક્નૉલૉજીનો ઉપયોગ સ્પષ્ટતા માટે કરી રહ્યા છે કારણ કે ઓવરથિન્કિંગ તેમને કન્ફયુઝ કરી રહ્યું છે. ૨૧૦૦ જણ પર થયેલા આ સર્વેમાં સામે આવ્યું હતું કે રેસ્ટોરાંમાં ડિશ ઑર્ડર કરવા માટે, ગિફ્ટ ખરીદવા માટે કે ઘરગથ્થુ વસ્તુઓ સંબંધિત નિર્ણય લેવા માટે લોકો ટેક્નૉલૉજીની મદદ લઈ રહ્યા છે કારણ કે તેઓ ઓવરથિન્કિંગ કરી રહ્યા છે. આ સર્વેમાં વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, સેલ્ફ-એમ્પ્લૉઇડ લોકોનો તેમણે સમાવેશ કર્યો હતો જે ભારતના મેટ્રો સિટીઝથી લઈને નાનાં શહેરોમાંથી આવતા હતા. સર્વેમાં સમજાયું કે કોઈ વખત ક્રાઇસિસ આવે કે એવી કોઈ પરિસ્થિતિ આવે એમાં વધુપડતું વિચારવું કદાચ સહજ હોઈ શકે, પરંતુ દરરોજની રૂટીન બાબતો માટે પણ ભારતીય લોકો ઓવરથિન્ક કરી રહ્યા છે. જેમકે ૬૩ ટકા લોકોએ કહ્યું કે રેસ્ટોરાંમાં કોઈ ડિશ પર પસંદગી ઢોળવી એ પૉલિટિકલ લીડરની પસંદગી કરવાથી પણ વધુ અઘરું છે. આ આંકડાઓ અને પરિસ્થિતિ કેટલી હદે ગંભીર ગણી શકાય એ સમજવાની કોશિશ કરીએ.
નુકસાન શું થાય?
વધુપડતું વિચારવાથી વ્યક્તિના દિવસના ૨-૩ કલાક વેડફાઈ રહ્યા છે એ તો સર્વેએ આપણને કહ્યું જ છે. આ સિવાયનું નુકસાન શું એ સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘ઓવરથિન્કિંગવાળી વ્યક્તિને ક્લૅરિટી એટલે કે સ્પષ્ટતાનો અભાવ સતત રહે છે. વિચારોમાં સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે. જ્યારે વ્યક્તિ ચોક્કસ વિચારો ધરાવે તો તેમનું વર્તન ચોક્કસ બને. જ્યારે વિચારો આમથી તેમ ભાગતા હોય ત્યારે વર્તન યોગ્ય હોવું અઘરું છે. બીજું એ કે ઓવરથિન્કિંગનાં પણ સ્ટેજિસ હોય છે, જેમ કે ઘરની કોઈ વ્યક્તિ તમારો ફોન ન ઉઠાવે તો લૉજિકલી તમને લાગવું જોઈએ કે ફોન ભૂલથી સાઇલન્ટ પર જતો રહ્યો હશે અથવા કોઈ મીટિંગમાં હશે. પણ જો તમે ઓવરથિન્કિંગ કરો છો તો તમને એ વિચાર આવી શકે કે ક્યાંક તેનો ફોન ચોરાઈ ગયો હશે. કે પછી છેક તમે ત્યાં સુધી પહોંચી જાઓ કે વ્યક્તિનો ઍક્સિડન્ટ તો નહીં થઈ ગયો હોય? તે ઘરે પાછી તો આવશેને? આ પ્રકારની ચિંતાની મગજ પર જ અસર થતી નથી, શરીર પર પણ અસર થાય છે. ધબકારા વધી જાય છે. જ્યારે-જ્યારે તમે ઓવરથિન્કિંગ કરો છો ત્યારે મન ફાઇટ એટલે કે પરિસ્થિતિથી લડવું, ફ્લાઇટ એટલે કે પરિસ્થિતિથી ભાગવું કે ફ્રાઇટ એટલે કે પરિસ્થિતિથી ગભરાવું, આ ત્રણમાંથી એક અવસ્થામાં આવે છે જે ભરપૂર સ્ટ્રેસની પરિસ્થિતિ છે. એટલે કૉર્ટિઝોલ લેવલ એકદમ વધી જાય છે. મન અને શરીર ભયંકર સ્ટ્રેસવાળી પરિસ્થિતિમાં રહે છે. પ્રૉબ્લેમ એ છે કે આવી પરિસ્થિતિ એક વાર થાય તો એ નુકસાન શરીર સહી લે, પણ જ્યારે વ્યક્તિ ઓવરથિન્કર હોય ત્યારે એ વારંવાર થાય છે એટલે એ શરીરને અને મનને બન્નેને બીમાર કરે છે.’
ઉપાય જાણી લો
વધુપડતું વિચારવાની કે ઓવરથિન્ક કરવાની વાત છે તો ક્યારેક એ આદત તો ક્યારેક એ સ્વભાવ બની જાય છે. જ્યારે એ સ્વભાવ હોય ત્યારે એને બદલવો અઘરો છે પરંતુ જો આદત બનતી જતી હોય તો એને ઓળખવી અને એને ધીમે-ધીમે બદલવી શક્ય છે. પ્રયત્નો એ માટે જરૂરી છે. એ વિશે વાત કરતાં ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘ઓવરથિન્કિંગ જિનેટિક હોઈ શકે કે નાનપણમાં ખૂબ ઓવર-પ્રોટેક્ટિવ માહોલમાં ઊછર્યા હોય તો મોટા થઈને એ ડેવલપ થઈ શકે. બીજું એ કે જો હકારાત્મક વિચારોનું ઓવરથિન્કિંગ હોય તો એ ડે-ડ્રીમિંગ જેવું થઈ જાય. મોટા ભાગે ઓવરથિન્કિંગ નકારાત્મક બાબતોનું વધુ હોય છે. પહેલાં તો ખુદને એ સમજવું પડે અને માનવું પડે કે હું ઓવરથિન્કિંગ કરું છું. ઘણા લોકો પોતાના વિચારોમાં એટલા વહી જાય છે કે તેને ખુદને સમજાતું નથી. એટલે તમે જેવા ઓવરથિન્કિંગના પહેલા લેવલ પર પહોંચો કે ત્યાં જ જાગૃત થઈને ખુદને અટકાવો. જો નહીં અટકાવો તો ધીમે-ધીમે એ આદત બની જશે અને લાંબા ગાળે ઍન્ગ્ઝાયટી નામનો માનસિક રોગ બનીને સામે આવશે. બીજું એ કે હકારાત્મક ઊર્જાને સ્ટિમ્યુલેટ કરવી એટલે નકારાત્મક વિચારોની વેઇન તૂટે. બધું સારું થશે એ વિચાર જે ખરાબ થઈ શકે છે એવા વિચારોને કાપે છે. ખુદ રૅશનલ થિન્કિંગ એટલે કે તર્કસંગત વિચારોની આદત પાડો. ધ્યાન અને પ્રાણાયામ થકી આજમાં જીવતાં શીખો.’
વ્યસ્ત થઈ જશો તો વિચારો ભાગી જશે?
લોકો એવું માને છે કે તમે ફ્રી હો તો જ ઓવરથિન્કિંગ કરતા હો, જો તમે વ્યસ્ત રહેતા હો તો ખોટા વિચારો ન આવે. એક રીતે આ વાત સાચી છે. પણ જો તમને ખોટા કે વધુપડતા વિચારો આવતા હોય તો વ્યસ્ત રહેવું કાયમી ઉપાય નથી. જેવા તમે ફ્રી થશો કે એ વિચારો તમને ઘેરી વળશે. કાયમી ઉપાય છે તર્ક અને સ્પષ્ટતા સાથેના વિચારો અને આજમાં જીવવાની આદત.

