Health Funda: વાયરલ ઇન્ફેક્શનમાં તાવ ઉતરી ગયા પછી પણ થાક, ઉધરસ, શરીરનો દુખાવો અને પાચન સંબંધી સમસ્યાઓ રહે છે ત્યારે ડૉ. રિશિતા સમજાવે છે કે સાજા થવામાં શા માટે વધુ સમય લાગે છે? આ સ્થિતિમાં આરામ, પૂરતું પ્રવાહી અને યોગ્ય પોષણ કઈ રીતે મદદરુપ થાય?
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, વાયરલ ઇન્ફેક્શન મટી ગયા પછી પણ નબળાઈ, ઉધરસ અને અશક્તિ જેવા લક્ષણો ઘણા દિવસો સુધી રહે છે. ત્યારે કઈ બાબતો સાજા થવાની પ્રક્રિયાને ધીમી પાડે છે અને શરીરને પૂરતો આરામ, પ્રવાહી તથા પોષણ આપવું શા માટે મહત્વપૂર્ણ છે?
ADVERTISEMENT
‘સામાન્ય વાયરલ જ છે, ૨-૩ દિવસમાં સારું થઈ જશે.’
હવામાન બદલાય ત્યારે ભારતીય ઘરોમાં આ વાક્ય સૌથી વધુ સાંભળવા મળે છે. પરંતુ આ વર્ષે મોટાભાગના લોકો કંઈક અલગ જ કહી રહ્યા છે: ‘તાવ તો ઉતરી ગયો, પણ નબળાઈ, ઉધરસ, શરીરનો દુખાવો અને પાચન હજુ સુધી સામાન્ય થયા નથી.’
ઈન્ફ્લુએન્ઝા અને શ્વસનતંત્રને લગતા અન્ય વાયરલ ઈન્ફેક્શન તાવ ઉતરી ગયા પછી પણ શરીરને નિચોવી નાખે છે અને થકવી દે છે. લક્ષણનું ગાયબ થઈ જવું એ સંપૂર્ણ સાજા થઈ જવાની નિશાની નથી! શરીરનું તાપમાન સામાન્ય થઈ ગયા પછી પણ આપણી રોગપ્રતિકારક શક્તિ (Immune System) અંદરથી કામ કરતી હોય છે, જેના કારણે ઉધરસ, થાક કે ભૂખ ન લાગવી જેવી તકલીફો લાંબા સમય સુધી રહે છે.
મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે શરીર પાસે આપણા સમયપત્રક (Timetable) મુજબ સાજા થવાની અપેક્ષા રાખીએ છીએ. અને જ્યારે રિકવરી ધીમી પડે છે, ત્યારે લોકો તરત જ દવાનો પિટારો ખોલીને બેસે છે.
ઈન્ફેક્શન માટે એન્ટિબાયોટિક, શરીરના દુખાવા માટે પેઈનકીલર, તાવ માટે બીજી ગોળી, એસિડિટી માટે કંઈક અલગ અને પાછું આમાંથી કંઈક લાગે એટલે ત્યારે ફરીથી એન્ટિબાયોટિક!
અહીં આપણે જરાક વિચારવાની જરૂર છે. એન્ટિબાયોટિક્સ માત્ર ચોક્કસ બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સારવાર માટે બનેલી છે — ઈન્ફ્લુએન્ઝા કે સામાન્ય શરદી-ઉધરસ જેવા વાયરલ ઈન્ફેક્શન માટે નહીં. બિનજરૂરી રીતે એન્ટિબાયોટિક્સ લેવાથી વાયરલ ઈન્ફેક્શન ઝડપથી મટતું નથી, પરંતુ તે તમને આડઅસરો તરફ ધકેલે છે અને શરીરમાં એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ (Antibiotic Resistance) ઊભું કરે છે.
પાચનતંત્ર અને પેઈનકીલર્સનું જોખમ
આમાં બીજું એક પાસું છે જેના પર ન્યુટ્રિશનિસ્ટ અને ગટ-હેલ્થ નિષ્ણાતો સતત નજર રાખી રહ્યાં છે.
આપણું પાચનતંત્ર કે આંતરડું (Gut) માત્ર ખોરાક પચાવવાનું કામ નથી કરતું. તેમાં સૂક્ષ્મજીવોનો એક આખો સમુદાય વસે છે જે આપણા સમગ્ર સ્વાસ્થ્યનું સંચાલન કરે છે. એન્ટિબાયોટિક્સ આંતરડાના આ બેક્ટેરિયાનું સંતુલન બગાડી નાખે છે. જેનાથી ઝાડા (Diarrhea) અને પાચનની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે, અને ક્યારેક ગટ માઇક્રોબાયોમ બગાડવાને કારણે નવા ઇન્ફેક્શન પણ ઘર કરી જાય છે.
હવે વાત કરીએ પેઈનકીલર્સની...
જ્યારે તાવ અને શરીરનો દુખાવો સતત રહેતો હોય, ત્યારે ડોક્ટરની યોગ્ય સલાહ હેઠળ ક્યારેક પેઈનકીલર લેવી ઉપયોગી થઈ શકે છે. પરંતુ તબીબી દેખરેખ વગર વારંવાર કોઈપણ પ્રકારની પેઈનકીલર્સ લેવી બિલકુલ નિર્દોષ નથી. તેનો લાંબા ગાળાનો કે અયોગ્ય ઉપયોગ પેટમાં બળતરા, અલ્સર કે રક્તસ્રાવ કરી શકે છે અને કિડનીના કાર્યને નુકસાન પહોંચાડી શકે છે.
જ્યારે વાયરલ ઇન્ફેક્શન ઝડપથી ન મટે ત્યારે શું કરવું?
જ્યારે વાયરલ ઇન્ફેક્શન ઝડપથી ન મટે ત્યારે દરેક લક્ષણને ગોળીઓથી દબાવી દેવાને બદલે શરીરને કુદરતી રીતે સાજા થવામાં મદદ કરો.
પૂરતો આરામ કરો: શરીરને આરામ આપવો એ સૌથી મોટી દવા છે.
પ્રવાહીનું પ્રમાણ વધારો: પૂરતા પ્રમાણમાં પાણી, નળિયેર પાણી કે પ્રવાહી લો.
હળવો અને પૌષ્ટિક ખોરાક: ખીચડી, દાળ, સૂપ જેવો હળવો અને પૌષ્ટિક ખોરાક લો. માફક આવે તો દહીં, શાકભાજી, ફળો, નટ્સ અને યોગ્ય પ્રોટીન લો. ભૂખ ન હોય ત્યારે બળજબરીથી ભારે ખોરાક ન ખાશો, પણ આખો દિવસ માત્ર ચા-બિસ્કિટ પર પણ ન રહો.
શરીરને સમય આપો: સાજા થવા માટે શરીરને જેટલો સમય જોઈએ છે તેટલો આપો.
ડોક્ટરી તપાસ ક્યારે જરૂરી છે?
જો તાવ સતત રહેતો હોય કે તાવ ઘટ્યા પછી ફરી આવે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાં દુખાવો થાય, તીવ્ર ડીહાઈડ્રેશન લાગે, મગજમાં અસ્પષ્ટતા કે અસામાન્ય ઘેન રહેતું હોય અથવા સ્થિતિ સુધારવાને બદલે વધુ બગડતી હોય, તો વિલંબ કર્યા વગર ડોક્ટર પાસે તપાસ કરાવવી અત્યંત મહત્વપૂર્ણ છે.
એક ન્યુટ્રિશનિસ્ટ તરીકે હું લોકોને અવારનવાર યાદ અપાવું છું કે, સાજા થવાનો અર્થ સૌથી પાવરફુલ ગોળી શોધવાનો નથી.
સાચો પ્રશ્ન એ પૂછવાનો છે: ‘અત્યારે મારા શરીરને શાની જરૂર છે — ખરેખર જરૂર હોય ત્યારે યોગ્ય દવાની, કે પછી માત્ર સમય, પ્રવાહી, પોષણ અને આરામની?’
કારણ કે ક્યારેક તંદુરસ્તી તરફ પાછા ફરવાનો સૌથી ઝડપી રસ્તો બીજી ગોળી ગળી જવાનો નથી હોતો. પરંતુ આપણે વારંવાર દવાઓ આપીને શરીરની કુદરતી રિકવરી પ્રક્રિયામાં જે દખલ કરીએ છીએ તે બંધ કરવાનો હોય છે. જેટલી દવાઓની દખલ ઓછી થશે, તેટલું જ શરીર પોતાની આંતરિક રૂઝ આવવાની (Self-healing) ક્ષમતાને વધુ સારી રીતે વાપરી શકશે.
(શબ્દાંકનઃ રચના જોષી)
