હોમિયોપૅથી દવાઓ દ્વારા એનાં લક્ષણોને આપણે કાબૂમાં લઈ શકીએ છીએ જેને લીધે વ્યક્તિ એક નૉર્મલ જીવન જીવી શકે.
પ્રતીકાત્મક તસવીર
એજિંગને કોઈ ટાળી શકતું નથી. પરંતુ એજિંગ સંબંધિત પ્રૉબ્લેમ્સને દૂર કરવા જરૂરી છે, જેને લીધે વ્યક્તિ ક્વૉલિટી લાઇફ જાળવી રાખી શકે. ઉંમરને કારણે વ્યક્તિને શારીરિક તકલીફો જેમ કે દૃષ્ટિ અને શ્રવણશક્તિ પર અસર, દાંતના પ્રૉબ્લેમ, ઑસ્ટિયોપોરોસિસ, યાદશક્તિ નબળી પડવી, સ્નાયુની સ્ટ્રેન્ગ્થ ઘટવી, હાઇપરટેન્શન, ડાયાબિટીઝ, હાર્ટ પ્રૉબ્લેમ્સ, સેક્સમાં અરુચિ જેવી ઘણી તકલીફો હોય છે તો માનસિક પ્રૉબ્લેમ્સમાં ડિપ્રેશન હોય છે જે આ ઉંમરમાં ઘણું જ સામાન્ય છે. આ તકલીફોને જડથી ક્યૉર કરવી શક્ય જ નથી, કારણ કે એ થવા પાછળનું કારણ ઉંમર છે. પરંતુ હોમિયોપૅથી દવાઓ દ્વારા એનાં લક્ષણોને આપણે કાબૂમાં લઈ શકીએ છીએ જેને લીધે વ્યક્તિ એક નૉર્મલ જીવન જીવી શકે.
જે દરદીઓ ક્રૉનિક એટલે કે લાંબા સમયથી ચાલ્યા આવતા રોગોથી પીડાય છે તેમને લક્ષણ સંબંધિત રાહત હોમિયોપૅથી દ્વારા મળી રહે છે. પરંતુ જરૂરી નથી કે મોટી ઉંમરમાં દરેક રોગ ઉંમર સંબંધિત જ આવે. કોઈ પ્રકારના ઇન્ફેક્શન્સ કે બીજી કોઈ પણ તકલીફ જેને ઉંમર સાથે લેવા દેવા નથી એવી કોઈ પણ તકલીફમાં હોમિયોપૅથી અકસીર સાબિત થઈ શકે છે. મોટી ઉંમરે લોકો ઇન્ફેક્શનના ભોગ વધુ બને છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ ઉંમરની સાથે નબળી બને છે. પરંતુ હોમિયોપૅથી દ્વારા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. આમ મોટી ઉંમરે ઇન્ફેક્શનનું જે રિસ્ક છે એને ઘટાડી શકાય છે. ઉંમરને લીધે આવતા બદલાવને લીધે ઘણી વખત મોટી ઉંમરની વ્યક્તિઓ સ્ટ્રેસમાં રહેતી હોય છે. આ ઉંમરમાં ઘણા વડીલો એકાકી બની જતા હોય છે તો એ એકાકીપણાને લીધે તેમને ડિપ્રેશન આવી જતું હોય છે. સામાજિક રીતે પણ તેમનું સ્થાન, મહત્ત્વ અને જરૂરતોમાં બદલાવ આવે છે. આ દરેક વસ્તુ તેમની હેલ્થ પર અસર કરે છે. હોમિયોપૅથી એમાં ઘણી જ મદદરૂપ થાય છે, જેને લીધે પરિસ્થિતિ બદલાતી નથી પરંતુ વ્યક્તિ એ પરિસ્થિતિને અપનાવી આગળ ચાલતાં શીખી લે છે. મોટી ઉંમરે એકસાથે ઘણા રોગો ઘર કરી જાય છે અને ઍલોપૅથીમાં દરેક રોગની અલગ-અલગ દવાઓ હોય છે. ઘણી વાર તો એવું લાગે કે દવાઓનો નાસ્તો કરી રહ્યા છીએ, જ્યારે હોમિયોપૅથીમાં બધા રોગોની એક જ દવા હોય છે. દરેક વ્યક્તિની પોતાના શારીરિક બંધારણ મુજબ એક રેમેડી નક્કી થાય છે જે તેના દરેક પ્રૉબ્લેમનું ધ્યાન રાખી શકે છે. મોટી ઉંમરે લોકો જ્યારે માંદા પડે અને દવાઓ ખાતા હોય ત્યારે ઍલોપૅથી દવાની આડઅસરથી તેઓ પીડાતા હોય છે. ખાસ કરીને ઉંમર વધી જાય પછી અમુક દવાઓ માફક આવતી હોતી નથી. હોમિયોપૅથી દવાની કોઈ આડઅસર નથી.
ADVERTISEMENT
-ડૉ. રાજેશ શાહ

