ઘરમાં પણ બારી-બારણાં બંધ જ રાખે કારણ કે જેટલું વાતાવરણ દૂષિત થશે એની અસર બીજા ૪-૫ દિવસ સુધી જશે નહીં.
પ્રતીકાત્મક તસવીર
દિવાળીમાં અને દિવાળી પછી પણ શ્વાસ સંબંધિત તકલીફોની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે પહોંચી જનારા દરદીઓ ઘણા વધારે પ્રમાણમાં હોય છે. ફટાકડાના ધુમાડામાં ટૉક્સિક ડસ્ટ હોય છે જે શ્વાસ મારફત સરળતાથી ફેફસાંમાં જતી રહે છે. જ્યારે આ ધુમાડો નાકમાં શ્વાસ સાથે જાય ત્યારે પહેલાં એ શ્વાસ નળીમાં જાય છે. એ ધુમાડામાં રહેલાં કેમિકલ શ્વાસનળીને ઇરીટેટ કરે છે જેને લીધે એ ભાગમાં સોજો આવી શકે છે. સોજો આવી જવાને કારણે ટ્યુબ નાની થઈ જાય છે એટલે કે શ્વાસને જવાનો રસ્તો ઘટી જાય છે. એને લીધે તમને ખાંસી શરૂ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
આ ધુમાડાથી સૌથી વધુ અસરગ્રસ્ત બીમાર લોકો થાય છે. આ સિવાય બાળકો અને વૃદ્ધો પણ ખૂબ જલદી અસર પામે છે. શ્વાસની તકલીફ આમ તો કોઈ પણને થઈ શકે છે પરંતુ મોટા ભાગે અસ્થમાના દરદીઓને અને જે લોકો વધુ સ્મોક કરે છે એ સ્મોકર્સને તો થાય જ છે. કારણ કે અસ્થમાના દરદીઓમાં શ્વસનનો આખો માર્ગ હાઇપર સેન્સિટિવ હોય છે. થોડો પણ પ્રૉબ્લેમ તેમને તરત જ અસર કરે છે. જ્યારે સ્મોકર્સની વાત કરીએ તો એ લોકોના શ્વસન માર્ગમાં પહેલેથી જ સોજો હોય છે એટલે થોડો પણ આ ઝેરી ધુમાડો તેમના શ્વાસમાં જાય કે એ લોકો તરત જ બ્રેથલેસ થઈ શકે છે એટલે કે તેમને શ્વાસમાં તકલીફ થઈ શકે છે, છાતી એકદમ ભીંસાતી હોય અને અસ્થમા અટૅક જેવું પણ આવી શકે છે. દિવાળીમાં બ્રૉન્કાઇટિસ અને અસ્થમાની તકલીફમાં મહત્ત્વપૂર્ણ વધારો જોવા મળે છે. આ સિવાય નાનાં બાળકોના ઍરવે આમ પણ ખૂબ નાના હોય છે અને સંવેદનશીલ પણ હોય છે. તેમને આ પ્રકારની અસર ખૂબ જલદી થઈ જાય છે.
ADVERTISEMENT
જે લોકો આ બાબતે સેન્સિટિવ છે એ રાત્રે ઘરની બહાર ન જ નીકળે. ઘરમાં પણ બારી-બારણાં બંધ જ રાખે કારણ કે જેટલું વાતાવરણ દૂષિત થશે એની અસર બીજા ૪-૫ દિવસ સુધી જશે નહીં. એટલે આદર્શ રીતે વહેલી સવારે પણ બહાર ન નીકળવું. ખાસ કરીને જે લોકો વૉક કરવા જતા હોય તેમણે દિવાળી અને એના પછીના ૫ દિવસ મૉર્નિંગ વૉક ન કરવું. જે લોકોને શ્વાસની કોઈ તકલીફ હજી સુધી આવી નથી એટલે કે અસ્થમા, બ્રૉન્કાઇટિસ કે ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ નથી, જે લોકો સ્મોકિંગ પણ કરતા નથી એવા લોકો પર જોખમ તેમના કરતાં ઓછું છે પણ સાવ નથી એવું ન કહી શકાય. ખાસ કરીને ૫ વર્ષથી નાનાં બાળકો અને ૬૦ વર્ષથી ઉપરના લોકોની ખૂબ કાળજી લેવી જરૂરી છે. આ લોકોને ફટાકડાને કારણે શ્વાસની તકલીફ થવાની સંભાવના ઘણી વધારે રહે છે.
- ડૉ. અમિતા દોશી નેને (અનુભવી પલ્મનોલૉજિસ્ટ છે)

