મુંબઈ-અમદાવાદ હાઇવે પરના હૉરિબલ ટ્રાફિકે કેવો હાહાકાર સર્જ્યો જુઓ
ટ્રાફિકના ચક્કાજૅમને કારણે અટવાયેલા વિદ્યાર્થીઓને સ્થાનિકોએ મદદ કરી હતી.
મલાડની કૉલેજના અને દાદરની સ્કૂલના આ સ્ટુડન્ટ્સ મંગળવારે સાંજે પાલઘરથી નીકળ્યા પછી છેક ૧૨+ કલાકે, ગઈ કાલે સવારે ૬ વાગ્યે ઘરે પહોંચ્યા : ભૂખ્યા, તરસ્યા, ડરના માર્યા ધ્રૂજતાં આ બાળકોમાંથી કેટલાંકે તો બસમાં જ પેશાબ કરી દીધો
પાલઘરથી પિકનિકથી પાછા આવી રહેલા દાદરની સ્કૂલના અને મલાડની જુનિયર કૉલેજના મળીને કુલ ૩૦૦ વિદ્યાર્થીઓ મંગળવારે રાતે મુંબઈ-અમદાવાદ હાઇવે પરના ભયંકર ટ્રાફિક જૅમને કારણે ફસાયા હતા અને છેક ૧૨ કલાક પછી પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓ ૧૦થી ૧૭ વર્ષના હોવાથી વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. દાદરની સ્કૂલના ૧૬૫ અને મલાડની એક જુનિયર કૉલેજના ૧૩૪ વિદ્યાર્થીઓને શિક્ષકો પાલઘર પાસેના રિસૉર્ટમાં પિકનિક માટે લઈ ગયા હતા. થાણેના ઘોડબંદર રોડ પર ગાયમુખ વિસ્તારમાં રસ્તાનું કામ ચાલી રહ્યું હોવાથી હેવી વ્હીકલોના પ્રવેશ પર બંધી મૂકવામાં આવી હતી. એ કારણે આ ટ્રાફિક સર્જાયો હોવાનું મીરા ભાઈંદર વસઈ વિરાર (MBVV) પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સ્થાનિક નાગરિકો આવ્યા વહારે
દાદરના શારદાશ્રમ વિદ્યામંદિરના ૧૬૫ વિદ્યાર્થીઓ માટે પિકનિક મૅનેજમેન્ટ કરનાર રાહુલ કુંભારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ દાદરથી ચાર બસોમાં ૧૬૫ બાળકો અને ૨૦ શિક્ષકો વિરારમાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર આવેલા ગ્રેટ એસ્કેપ વૉટર પાર્કમાં પિકનિક માટે ગયા હતા. ત્યાંથી સાંજે પાંચ વાગ્યે તમામ બસો દાદર આવવા માટે પાછી રવાના થઈ હતી. જોકે એ દરમ્યાન સાંજે ૮ વાગ્યાની આસપાસ મુંબઈ-અમદાવાદ હાઇવે પર સાતીવલી અને ચિંચોટીની વચ્ચે ચારેય બસો અટવાઈ ગઈ હતી. કલાકો સુધી બસો આગળ ન જતાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાતે ૧૧ વાગ્યાની આસપાસ અમે પોલીસનો સંપર્ક કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી. જોકે તેઓ પણ ટ્રાફિકને કારણે અમારી કોઈ મદદ કરી શક્યા નહોતા. વાલીઓના પણ ફોન આવી રહ્યા હતા અને અમારા ફોનની બૅટરી પણ ઊતરવા લાગી હતી. એ સમયે સ્થાનિક નાગરિકો અમારી મદદે આવ્યા હતા અને જેમતેમ કરીને અમારી બસ ઊંધી ફરાવીને ભિવંડી માર્ગે પાછા દાદર આવવા માટે નીકળ્યા હતા. જોકે એ પહેલાં સ્થાનિક નાગરિકોએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અમારા માટે બિસ્કિટ તથા પાણીની વ્યવસ્થા કરી હતી. આ દરમ્યાન આખી રાત પ્રવાસ કરીને ગઈ કાલે સવારે છ વાગ્યે અમારી બસો દાદર પહોંચી હતી. આ પિકનિક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ભયભીત સાબિત થઈ હતી.’
બાળકો ડર અને ઠંડીથી ધ્રૂજી રહ્યાં હતાં
માલજીપાડામાં રહેતા અને બાળકોની મદદે આવેલા સુશાંત પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘MBVVના ટ્રાફિક વિભાગની બેદરકારીને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. શનિવારે પણ માટુંગાની એક સ્કૂલની ત્રણ બસો આ રીતે જ ફસાઈ ગઈ હતી. એને જેમતેમ કરીને બહાર કાઢીને ભિવંડી માર્ગે માટુંગા મોકલવામાં આવી હતી. ઘોડબંદર રોડ પર મોટાં વાહનો માટે બંધી કરવામાં આવી છે. ચિંચોટી નજીક જ વાહનોને ભિવંડી માર્ગે વાળવા માટેની અપીલ ટ્રાફિક વિભાગે કરી હોત તો આ સમસ્યા સર્જાઈ ન હોત. મંગળવાર રાતે બાળકો ડર અને ઠંડીથી ધ્રૂજી રહ્યાં હતાં, તેમની પાસે ખાવાપીવા માટે પણ કંઈ નહોતું. અંતે અમે તેમના માટે બિસ્કિટ અને પાણીની વ્યવસ્થા કરી હતી. કલાકો સુધી સાતીવલી અને ચિંચોટીની વચ્ચે ફસાયેલાં બાળકોએ બાથરૂમ પણ બસમાં કર્યું હતું, કારણ કે બસમાં હાજર શિક્ષક પણ તેમને નીચે ઉતારી શકે એવી પરિસ્થિતિમાં નહોતા.’
રૉન્ગ સાઇડથી બસ સુધી પહોંચી પોલીસ
MBVVના ચિંચોટી ટ્રાફિક વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર અરવિંદ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘોડંબદર રોડ પર રસ્તાના કામને કારણે મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. ગઈ કાલે સ્કૂલનાં બાળકોને મદદ કરવા માટે અમે પ્રયાસો કર્યા હતા. જોકે ટ્રાફિક એટલો બધો હતો કે અમારાં વાહનો પણ તેમના સુધી પહોંચી શક્યાં નહોતાં. અંતે અમારા અધિકારીઓએ રૉન્ગ સાઇડથી બસ સુધી પહોંચીને મલાડ અને દાદર સ્કૂલની આઠ બસોને બહાર કાઢી હતી.’

