પહેલી ઑક્ટોબરે રજિસ્ટર થયેલી નવીનક્કોર ગાડીમાં ભીષણ આગ કઈ રીતે લાગી? એ કોયડા વચ્ચે બસની બૉડી અપ્રૂવ કરનારા બે અધિકારીઓ સસ્પેન્ડ
રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ ગઈ કાલે બળીને ખાખ થઈ ગયેલી બસનું પરીક્ષણ કર્યું હતું અને પછી જોધપુરની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દરદીઓની મુલાકાત લીધી હતી.
જેસલમેર બસ અગ્નિકાંડમાં આગ લાગવાનું કારણ હજીયે અસ્પષ્ટ
રાજસ્થાનમાં પ્રાઇવેટ સ્લીપર બસમાં મંગળવારે બપોરે લાગેલી ભીષણ આગમાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જોધપુરની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં હજી બીજા ૪ દરદીઓ વેન્ટિલેટર પર જીવન-મરણનો જંગ ખેલી રહ્યા છે.
ADVERTISEMENT
ગઈ કાલે રાજસ્થાન સરકારે આ ઘટના પર કડક ઍક્શન લીધી હતી. પ્રશાસને બસ વિશેની માહિતી એકઠી કરી ત્યારે ખુલાસો થયો હતો કે બસ ચિત્તોડગઢ ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સપોર્ટ ઑફિસ (DTO)માં રજિસ્ટર થઈ હતી. બસના માલિકે નિયમોની સામે આંખ આડા કાન કરીને નૉન-AC બસને ACમાં મૉડિફાય કરાવી લીધી હતી એની ખબર ટ્રાન્સપોર્ટ વિભાગને નહોતી. બસની બૉડી અપ્રૂવ કરનારા ચિત્તોડગઢના કાર્યવાહક ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સપોર્ટ ઑફિસર સુરેન્દ્ર સિંહ અને સહાયક અધિકારી ચુન્નીલાલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ બસનું બૉડી ૩ મહિનામાં તૈયાર કરવામાં આવ્યું હતું. એનું રજિસ્ટ્રેશન પહેલી ઑક્ટોબરે થયું હતું અને ૧૪ ઑક્ટોબરે એ અકસ્માતનો ભોગ બની હતી. આટલી નવી બસમાં આગ લાગવાને કારણે વધુ સવાલો ખડા થયા હતા.
સ્લીપર બસમાં આગ લાગવાનાં વિવિધ કારણો હોવાનો દાવો થઈ રહ્યો છે. સૌથી પહેલું કારણ શૉર્ટ સર્કિટ માનવામાં આવે છે. એ પછી ACની કૉમ્પ્રેશન પાઇપ ફટવાથી આગ ભડકી હોઈ શકે. જોકે બસે જ્યાં આગ પકડી એ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે બસની ડિકીમાં ફટાકડા ભરેલા હતા જેને કારણે ધડાકા સાથે આગ વધુ ઝડપથી ભડકી હતી.
બસોમાં આગ લાગવાનો સિલસિલો અટકતો જ નથી
નડિયાદ પાસે લક્ઝરી બસ ભડકે બળી, ડ્રાઇવરની સમયસૂચકતાથી બધા મુસાફરો બચી ગયા હજી તો મંગળવારે બપારે જેસલમેરમાં બસની આગની ગરમી શમી પણ નહોતી ત્યારે ગુજરાતમાં નડિયાદ-આણંદ નૅશનલ હાઇવે પાસે એક લક્ઝરી બસે આગ પકડી લીધી હતી. ભૂમેલ રેલવે ઓવરબ્રિજ પર બનેલી આ ઘટનામાં ધુમાડો નીકળતો જોઈને ડ્રાઇવરે તરત જ બધા યાત્રીઓને બસમાંથી ઉતારી દીધા હતા. એ દરમ્યાન આગ બસમાં ફેલાઈ ચૂકી હતી. બસ ખાખ થઈ ગઈ હતી, પણ તમામ પચીસ મુસાફરો બચી ગયા હતા.
જયપુરની સરકારી બસમાં આગ અને ધુમાડો ફેલાયાં
બુધવારે જયપુરના ટૉન્ક ફાટક પાસે એક બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ધુમાડાના ગોટા ફેલાવાનું શરૂ થયું હતું. બસની નીચે આગ લાગતાં તરત જ જયપુર સિટી ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ (JCTSL)ની બસ ખાલી કરાવવામાં આવી હતી. જોકે કોઈ જાનહાનિ નહોતી થઈ.

