એક તો તમારી પર્સનલ ઇન્ફર્મેશન લીક થવાનું જોખમ રહે અને બીજું આ ડિવાઇસ તમને કારણ વગરનું સ્ટ્રેસ પણ આપી શકે
પ્રતીકાત્મક તસવીર
એક તો તમારી પર્સનલ ઇન્ફર્મેશન લીક થવાનું જોખમ રહે અને બીજું આ ડિવાઇસ તમને કારણ વગરનું સ્ટ્રેસ પણ આપી શકે
અત્યારે લાઇફસ્ટાઇલ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે લોકોને હવે પોતાની તંદુરસ્તી જાળવવા કે ટ્રૅક કરવા માટે ટેક્નૉલૉજીનો સહારો લેવો પડી રહ્યો છે એમાં ફિટનેસ-ટ્રૅકર બહુ લોકપ્રિય બની રહ્યું છે. રિસ્ટ-બૅન્ડ, સ્માર્ટવૉચ અને મોબાઇલ ઍપ્લિકેશનના ફૉર્મમાં ફિટનેસ-ટ્રૅકર ડેઇલી સ્ટેપ્સ-કાઉન્ટ, ઊંઘનો સમય, હૃદયના ધબકારા, કેટલી કૅલરી બર્ન કરી, કેટલા કિલોમીટર ટ્રાવેલ કર્યું એ બધી જ માહિતીને ટ્રૅક કરીને આપણને અપડેટેડ રાખે છે. જે લોકો ઍથ્લીટ્સ હોય, જેમને વજન ઘટાડવું હોય કે ડાયાબિટીઝ કે ઓબેસિટી જેવી સમસ્યાથી બચવું હોય તેઓ આ ટ્રૅકરનો સહારો લે છે અને દરરોજના ટાર્ગેટ સેટ કરીને એને પૂરા કરતા રહે છે. ટેક્નૉલૉજી સાથે સંકળાયેલી આ પ્રવૃત્તિ ફિટનેસને જાળવવા માટે મોટિવેશન આપે છે. ધારો કે તમે દરરોજ ૧૦,૦૦૦ પગલાં ચાલવાનો ટાર્ગેટ સેટ કર્યો હોય તો
ફિટનેસ-ટ્રૅકર તમને વારંવાર નોટિફાય કરશે કે આજના દિવસમાં આ લક્ષ્ય પૂરું કરવાનું છે. ઘણાં ટ્રૅકર્સ ઊંઘના પ્રકાર અને સમયને પણ ટ્રૅક કરે છે, જે ઊંઘની ગુણવત્તાને સુધારવામાં મદદરૂપ થાય છે. એમાં રેકૉર્ડ થયેલો ડેટા ડૉક્ટરને શૅર કરવા પણ ઉપયોગી બની શકે છે. ફિટનેસ-ટ્રૅકરના આટલા ફાયદાઓ વિશે સૌકોઈ જાણે છે, પણ જેમ એક સિક્કાની બે બાજુ હોય એમ દરેક ચીજનાં સકારાત્મક અને નકારાત્મક એમ બે પાસાંઓ હોય છે. ફિટનેસ-ટ્રૅકર્સની ડાર્ક સાઇડ્સ વિશે બહુ જ ઓછા લોકો જાણતા હશે અને જે જાણે છે તે એને અવગણતા હશે.
ADVERTISEMENT
પ્રાઇવસીનું જોખમ
ફિટનેસ-ટ્રૅકર લોકેશન, હાર્ટ-રેટ, ઊંઘનો સમય જેવી વ્યક્તિગત માહિતી એકઠી કરે છે અને રેકૉર્ડ થયેલો આ ડેટા કેટલો સુરક્ષિત છે એ આપણે જાણતા નથી. બધાં જ ફિટનેસ-ટ્રૅકર આપણી પ્રાઇવસીને સેફ રાખે એવાં નથી હોતાં. જો કંપનીનું સર્વર હૅક થાય અને યોગ્ય સુરક્ષા ન હોય તો પર્સનલ ડેટા ચોરી અથવા લીક થવાની શક્યતા વધી જાય છે એટલું જ નહીં, કેટલીક કંપનીઓ વધારે રેવન્યુ જનરેટ કરવા માટે ડેટા ઇન્શ્યૉરન્સ કંપની કે બીજી થર્ડ પાર્ટી સાથે શૅર કરી શકે છે. તમે તમારા મેડિકલ રેકૉર્ડ્સ કોઈ પણ વ્યક્તિને આપી શકો નહીં એ રીતે ફિટનેસ-ટ્રૅકર પણ બહુ જ સંભાળીને વાપરવામાં જ ભલાઈ છે.
કારણ વગરનું સ્ટ્રેસ આપે
ફિટનેસ-ટ્રૅકરનો ઉપયોગ અત્યારે લોકોમાં ડિપેન્ડન્સી ઊભી કરી રહ્યો છે. લોકો પોતાના શરીર અને પ્રોફેશનલ ડૉક્ટર્સ કરતાં ફિટનેસ-ટ્રૅકિંગ ડિવાઇસ પર વિશ્વાસ અને આધાર રાખે છે. ઉદાહરણ તરીકે તમારા હાર્ટ-બીટ નૉર્મલ હોય પણ જ્યારે તમે ટ્રૅકરમાં હાર્ટ-બીટ ટ્રૅક કરો તો ઓછા કે વધારે દેખાડે તો તરત જ સ્ટ્રેસ થવા લાગે છે. આ ઉપરાંત તમે સ્ટેપ્સ-કાઉન્ટનો જે ટાર્ગેટ સિલેક્ટ કર્યો છે એ પૂરો ન થાય તો ઍન્ગ્ઝાયટી થવા લાગે છે એટલે કે તમે પોતાને બીમાર અનુભવો છો અને શું કામ ટાર્ગેટ પૂરો ન કરી શક્યા એ વિશે ઓવરથિન્ક કરીને તનાવને સામે ચાલીને નોતરું આપો છો.
ટ્રૅકર છે, ડૉક્ટર નહીં
અત્યારે ફિટનેસ-ટ્રૅકરમાં ECG, હાર્ટ-રેટ મૉનિટર્સ અને ઑક્સિજન સેન્સર્સ પણ આવી ગયાં છે અને લોકો એને મેડિકલનાં સાધનો સમજીને એના પર નિર્ભર રહેવા લાગ્યા છે. સૌથી ઍડ્વાન્સ અને સ્માર્ટ ફિટનેસ-ટ્રૅકર કે બૅન્ડ પ્રોફેશનલ ડૉક્ટર્સને રિપ્લેસ કરી શકશે નહીં એ વાતને આપણે સમજવી જોઈએ. ઘણી વાર વચ્ચે-વચ્ચે ડેટા રેકૉર્ડ કરવાનું બંધ કરી દે છે અથવા ૧૦૦ ટકા સચોટ પરિણામો આપતાં નથી, તેથી જો તમને લાગે કે આજે તબિયત બરાબર નથી તો ફિટનેસ-ટ્રૅકરના રિઝલ્ટ પર નિર્ભર રહેવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી વધુ જરૂરી છે.
ટેક્નૉલૉજીની આડઅસર
મોટી ઉંમરના લોકો કરતાં આ ટેક્નૉલૉજીનો ઉપયોગ યંગસ્ટર્સ વધુ કરવા લાગ્યા છે. ટ્રૅકર્સમાં ગ્રુપ પણ બને અને એ લોકોના ફિટનેસ-રેકૉર્ડ્સ પણ જોઈ શકાય એમ હોવાથી એકબીજા સાથે સરખામણી કરે છે અને અંદરોઅંદર દબાણ અનુભવે છે. હાથમાં સતત પહેલાં ટ્રૅકર્સથી ઇલેક્ટ્રોમૅગ્નેટિક તરંગો હેલ્થને બગાડે છે. ઘણા લોકોને એને લીધે ત્વચાની ઍલર્જી કે દુખાવો થાય છે તથા એ ભાગ કાળાશ પડતો થઈ જાય છે. તેથી ફિટનેસ-ટ્રૅકરનો ઉપયોગ સભાન રીતે કરવો જોઈએ અને એના પર વધી રહેલી નિર્ભરતાને ઓછી કરતાં શીખવું જોઈએ. ફિટનેસ-ટ્રૅકર દ્વારા મળતા ડેટા પહેલાં શરીર દ્વારા મળતાં સિગ્નલ્સ પર ધ્યાન આપવું જોઈએ અને સમજી-વિચારીને નિર્ણય લેશો તો તમે વધુ ફિટ, હેલ્ધી અને જાગ્રત રહેશો.

