આખું જીવન જે સ્ત્રીએ તમારા ઘર-સંસારની કાળજી રાખી છે એ સ્ત્રીને આ ૧૦ વર્ષ સૌથી વધુ કાળજી અને પ્રેમની જરૂર હોય છે.
શિરીષ અને પુનિતા શેઠ, મેઘના અને રૂપેશ મહેતા
પેરિમેનોપૉઝથી લઈને મેનોપૉઝ સુધી લગભગ ૧૦ વર્ષનો સમયગાળો હોય છે. આખું જીવન જે સ્ત્રીએ તમારા ઘર-સંસારની કાળજી રાખી છે એ સ્ત્રીને આ ૧૦ વર્ષ સૌથી વધુ કાળજી અને પ્રેમની જરૂર હોય છે. સ્ત્રીનો ગુસ્સો, ચીડ, આળસ, નકારાત્મકતા, મૂડ-સ્વિંગ્સ, સેક્સમાં અરુચિ જેવી ઘણી સમસ્યાઓ આ દરમિયાન સામે આવે ત્યારે પતિ જો તેને પ્રેમ અને કાળજીથી સંભાળી લે તો તેની આ ૧૦ વર્ષની અઘરી જર્ની સરળ બનાવી શકાય
ટીવી-હોસ્ટ રહી ચૂકેલી મિની માથુર, જે ડિરેક્ટર કબીર ખાનની પત્ની છે, તેણે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં એ વાત કરેલી કે મેનોપૉઝના સમયે જ્યારે ડૉક્ટર પાસે જવાનું હોય ત્યારે પતિએ ચોક્કસ પત્ની સાથે જવું જ, જે સ્ત્રીએ આખું જીવન ઘર અને પરિવારની કાળજી લેવામાં વિતાવ્યું હોય તેને આ સમયે સૌથી વધુ કાળજીની જરૂર છે, પતિ તરીકે તમારે તેને એ આપવી જ જોઈએ, એ સ્ત્રી એ ડિઝર્વ કરે છે. તેણે એ પણ વાત કરેલી કે મેનોપૉઝ એક એવો વિષય છે જેના પર કોઈ ખાસ વાત કરતું જ નથી. સ્ત્રીના ઉંમર સાથે બદલાતાં સ્વરૂપોમાં પ્યુબર્ટી અને પ્રેગ્નન્સી વિશે હજી પણ ઘણી જાણકારી પ્રવર્તે છે. પુરુષો પણ આ બાબતે જાગ્રત છે પણ મેનોપૉઝ એક એવી બાબત છે જેના વિશે પુરુષોને અંદાજ નથી. એમાં શું થાય છે, કયા પ્રકારના સપોર્ટની પત્નીને જરૂર છે એ પુરુષે સમજવાની જરૂર છે.
ADVERTISEMENT
કાળજીની જરૂર કેમ?
મેનોપૉઝમાં એવું તો શું થાય છે જેને કારણે સ્ત્રીને સપોર્ટની જરૂર પડે છે એ વિશે સમજાવતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘સ્ત્રીની રીપ્રોડક્શન જર્ની જ આખી બંધ થઈ રહી છે. તેનું શરીર બદલાઈ રહ્યું છે, જેને કારણે હૉર્મોન્સ ઉપર-નીચે થાય છે. એ બદલાવમાંથી પસાર થવું ખૂબ અઘરું છે એમ ન માનીએ તો પણ સહેલું તો નથી એ સમજાવું જોઈએ. સ્ત્રી ખુદ એના માટે સજ્જ નથી હોતી. જે વસ્તુ તેને ખૂબ ગમતી હોય એ જ કરવાની ઇચ્છા ન થાય, બધું એવું ને એવું જ પહેલાં જેવું હોય છતાં તેને દરેક વસ્તુમાં કમી, દરેક વ્યક્તિમાં પ્રૉબ્લેમ અને દરેક પરિસ્થિતિ અજુગતી, અણગમતી લાગી શકે છે. શારીરિક રીતે આવતા બદલાવો તેના મન પર ઘણો પ્રભાવ પાડી શકે છે. દરેક સ્ત્રી જુદી છે અને દરેકનો મેનોપૉઝનો અનુભવ પણ. છતાં આ સમયે જો તેને પ્રેમ અને કાળજીથી સંભાળી લેવામાં આવે તો તેના માટે આ જર્ની સરળ બની શકે છે.’
પ્રેમ અને સાથ
મોટા ભાગે એવું માનવામાં આવે છે કે પુરુષોને આ સમય વિશે ખાસ જાણકારી હોતી નથી કે આ સમયે શું કરવું એના વિશે તે અજાણ હોય છે. મોટા ભાગે પ્રોસેસ દરમિયાન તેને સમજાય છે કે કશુંક બદલાયું છે, મારે ધ્યાન રાખવાનું છે. કાંદિવલીમાં રહેતા રૂપેશ મહેતા કહે છે, ‘સ્ત્રીઓના શારીરિક બદલાવો વિશે ભલે પુરુષોને ખાસ ખબર નથી હોતી, મને પણ થોડીક જ છે. પણ જ્યાં સુધી કાળજીની વાત આવે તો એ મને નથી લાગતું કે ફક્ત મેનોપૉઝ પૂરતી સીમિત છે. પતિ-પત્ની બન્નેએ એકબીજાની કાળજી રાખવી જરૂરી છે. જો મારી પત્ની મેઘનાનો મૂડ ખરાબ હોય તો એ મેનોપૉઝને કારણે ખરાબ હોય કે મારે કારણે ખરાબ હોય, બન્ને પરિસ્થિતિમાં મારે તેની કાળજી તો લેવી જ જોઈએ. હા, એ થઈ શકે કે મને અજુગતું લાગે કે આને અચાનક શું થઈ ગયું? પણ આટલાં વર્ષોના સાથમાં એટલું સમજી શકાય કે કંઈક ગરબડ છે નહીંતર તે આવું ન કરે.’
સમજદારી જરૂરી
રૂપેશ મહેતાનાં પત્ની મેઘનાબહેન ૫૦ વર્ષનાં છે અને પેરિમેનોપૉઝલ સ્ટેટમાં છે અત્યારે. પોતાના અનુભવ વિશે વાત કરતાં મેઘના મહેતા કહે છે, ‘મોટા ભાગના પતિઓની જેમ મારા પતિ પણ ઘણા પર્ટિક્યુલર છે. તેમને બધું વ્યવસ્થિત જોઈએ. બધું એની જગ્યા પર હોવું જોઈએ. હું એવી નથી પણ તેમની એ પ્રાથમિકતાને સમજીને હું બધું વ્યવસ્થિત રાખતી હોઉં છું. આજકાલ મને એ તરત કરી લેવાનું ગમતું નથી. જેમ કે બહારથી આવ્યા હોઈએ તો તરત અનપૅક ન કરું, ઇસ્ત્રીવાળાને ત્યાંથી કપડાં આવ્યાં હોય તો એને સ્ટોરેજમાં મૂકવાનાં હોય તો તરત ન મૂકું. ઘણી વાર અઠવાડિયું-પંદર દિવસ પણ નીકળી જાય એમ પણ બને. પહેલાં હું બે દિવસ પણ મોડી પડી હોઉં તો રૂપેશ ટોકતા, હવે નથી ટોકતા. સૌથી સરસ વાત એ છે કે મને ખબર છે કે તેઓ સમજીને નથી ટોકતા. કોઈને લાગે કે આ તો સાવ નાની બાબત છે પણ આ નાની-નાની કાળજીઓ જ તો મહત્ત્વની છે. એક સ્ત્રી જે હંમેશાં બધું કરતી જ હતી તે અચાનક હવે નથી કરતી અથવા મોડું કરે છે તો કોઈ તો કારણ હશે જ એટલું જો પુરુષો સમજી જાય તો મેનોપૉઝ જેવો સમય સારી રીતે પસાર થઈ જાય.’
કેવી પરિસ્થિતિ થાય?
કાંદિવલીમાં રહેતા ૫૫ વર્ષનાં પુનિતા શેઠને મેનોપૉઝ આવી ગયો છે. તે પોતાની આપવીતી જણાવતાં કહે છે, ‘આ ગાળો નાનો નથી. પેરિમેનોપૉઝથી લઈને મેનોપૉઝ દરમિયાન ૧૦ વર્ષ નીકળી જાય. આ દરમિયાન તમે ઘણી જુદી-જુદી માનસિકતામાંથી પસાર થાઓ. મને તો ગુસ્સો ખૂબ આવતો. હું ક્યારેક સાવ નૉર્મલ હોઉં અને ક્યારેક એવું હોય કે મને કશું કરવું જ ન હોય. કેટલાક દિવસો આવે કે આખી દુનિયા તમને દુશ્મન લાગે, કોઈને પોતાની પરિસ્થિતિ કહી પણ ન શકાય અને સહી પણ ન શકાય એવી અવસ્થા પણ આવે. તમારી મનગમતી વાત પણ કોઈ કરે તો પણ ગુસ્સો આવી જાય. આ પરિસ્થિતિમાં એક સ્ત્રી તરીકે તમે ગિલ્ટમાં પણ રહો કે તમે આ શું કરો છો? એટલે એમાં પણ તમે હેરાન-પરેશાન થઈ જાઓ. આ બધામાંથી તમને બહાર કાઢવાવાળું પણ કોઈ જોઈએ. મોટા ભાગે તો આપણે જાતે જ ખુદને હૅન્ડલ કરી લેતા હોઈએ પણ ઘણી વાર નાની-નાની કાળજી મળે, જરૂરી સ્પેસ મળે તો આ બધું સરળ બની જાય છે. મારે તો દીકરીઓ પણ છે એટલે તેમને તો આ બધી ખબર જ હોય. ક્યારેક એવું લાગે કે આ પરિસ્થિતિમાં આખો પરિવાર તમને મળીને સંભાળી રહ્યો છે.’
સ્પેસ આપવાની કે નહીં?
પુનિતાબહેન સાથેનો એક બનાવ યાદ કરતાં પતિ શિરીષભાઈ કહે છે, ‘કોઈ પણ સ્ત્રી ખરાબ મૂડમાં હોય તો તેને બહાર લઈ જાઓ તો થોડું ફ્રેશ થાય અને મજા આવે એ વાત દરેક વ્યક્તિ જાણે છે. ઘરમાં ને ઘરમાં એટલાં કામ અને જવાબદારીઓમાં સ્ત્રીઓ પરોવાઈ જતી હોય છે કે તેને ફક્ત અડધો કલાક બહાર આંટો મારવા લઈ જઈએ તો તેને મજા આવે. પણ આ સમયગાળા દરમિયાન પુનિતાને કેટલાક દિવસો એવા હતા જેમાં બહાર જવાનું કહો તો તે ના જ પાડી દેતી. એ સમજી શકાય કે માણસને થોડી સ્પેસ અને શાંતિ જોઈતી હોય તો તેને બહાર ન જવું હોય, પરંતુ ઘણી વાર એવું પણ હોય કે તેને પોતાને ન સમજાય કે તેને બહાર જવાની કેટલી જરૂર છે. એક વાર હું તેને પરાણે લઈ ગયો કે તું ગાડીથી નીચે જ ન ઊતરતી, બસ બેઠી રહેજે, પણ ચાલ. તે જેવી બહાર ગઈ કે તેને ઠીક લાગ્યું. આ દિવસોમાં તમારે ક્યારે તેને સ્પેસ આપવી અને ક્યારે તેના જ ભલા માટે તેની પાસે જીદ કરવી એ નિર્ણય લેવો અઘરો છે, પણ એટલો જ જરૂરી છે. એ પ્રેમ અને સમજદારી તમને કહેશે કે તમારે શું કરવાનું છે.’
શું ન કરવું?
મોટા ભાગના પતિ નથી સમજી શકતા કે તેમની પત્નીને શું થઈ રહ્યું છે, પરંતુ અમુક બાબત એવી છે જે પતિએ ન જ કરવી. એ વિશે વાત કરતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘ભલે તમને સમજાય નહીં પણ મારી મમ્મીને તો એવું કશું થતું નહોતું, તને જ થાય છે એવી વાતો ન કરવી. જે બદલાવ આવી રહ્યો છે એ તેને પણ નથી જ ગમી રહ્યો. સ્ત્રીનું શરીર બદલાઈ રહ્યું છે, તેનું મેટાબોલિઝમ ખરાબ થઈ રહ્યું છે, તેનું વજન વધી રહ્યું છે, તેને સેક્સથી દૂર ભાગવાનું મન પણ થઈ રહ્યું છે. આવામાં જો તે પતિની ઇચ્છાઓ પૂરી ન કરી શકી તો પતિ કોઈ બીજા રસ્તાઓ અપનાવશે કે તેનાથી દૂર જશે તો એ અસુરક્ષા પણ તેને ભરપૂર સતાવી રહી છે. આ એ સમય છે કે તેનાં બાળકો દૂર જતાં રહ્યાં છે એટલે તેને જીવનમાં કોઈ હેતુ સરતો દેખાતો નથી. આવા બધામાં પતિએ પત્ની માટે ફરિયાદો બિલકુલ છોડી દેવી અને પત્નીના માથે જે અપેક્ષાઓનું પોટલું છે એનું વજન ઓછું કરવાનો પ્રયાસ કરવો, એને વધારવું તો બિલકુલ જ નહીં.’
શું કરવું?
આ સમયે પતિ માટે ફિઝિકલ સપોર્ટ મહત્ત્વનો છે અને સ્ત્રી માટે ઇમોશનલ સપોર્ટ. જો સ્ત્રીને સેક્સ પ્રત્યે અરુચિ જાગી હોય તો આ એક થોડા સમયની તકલીફ છે. બન્ને એકબીજાને સમજે, એકબીજાની પરિસ્થિતિનું માન રાખે એ જરૂરી છે. આ સમય જતો રહેશે એ પુરુષે યાદ રાખવું જરૂરી છે એમ સમજાવતાં ડૉ. સુરુચિ દેસાઈ કહે છે, ‘આ સમય તમારા સંબંધને એક સુંદર ઓપ આપવાનો છે. એક સમય પછી આમ પણ દંપતી એકબીજાના મિત્રો બની જતાં હોય છે. આ એ સમય છે, મિત્રતાને સ્ટ્રૉન્ગ કરવાનો. મિત્રો કોઈ પણ સંજોગોમાં એકબીજાના પડખે હોય છતાં તે જીવનમાં ઘૂસેલા ન હોય; સ્પેસ આપે, એકબીજાને સમય આપે. જો તમને લાગે કે તમારી પત્ની પોતાના શરીરને, વધતા વજનને લઈને કૉન્શિયસ થઈ રહી છે, તેને ફીલ કરાવો કે તે હજી પણ એટલી જ સુંદર છે. આ દરમિયાન સ્ત્રીએ નિયમિત એક્સરસાઇઝ કરવી જ જોઈએ. જો તે ખુદ ન કરી શકે તો પતિ તેની સાથે જોડાય અને બન્ને એકબીજાની સાથે એક્સરસાઇઝ કરે. બન્ને યોગ અપનાવે. થોડા દિવસ જો સ્ત્રીને સોલો ટ્રિપ પર જવું હોય તો બિન્દાસ જવા દે અને જો તેને ઠીક લાગે તો પોતે બન્ને જણ ફરી આવે. આ બધી દેખીતી રીતે નાની-નાની વસ્તુ છે પણ ખૂબ મોટા ફાયદાઓ લાવે છે. અંતે પતિનો પ્રેમ અને સાથ સ્ત્રી માટે અતિ મહત્ત્વનો હોય છે એ દરેક પતિએ સમજવું રહ્યું.’
ડૉક્ટર પાસે જવું કેમ જરૂરી?
ઘણી વાર સ્ત્રીને ખુદને એવું લાગતું હોય છે કે મેનોપૉઝ છે એટલે તકલીફો છે એટલે તે ડૉક્ટર પાસે જવાનું ટાળે છે. એ વિશે વાત કરતાં ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘મોટા ભાગની સ્ત્રીઓનો સ્વભાવ છે કે તેની તકલીફો, તેની બીમારીઓ તે કોઈને કહેતી નથી. તેને લાગે છે કે તે ઠીક થઈ જશે, મેનોપૉઝ કોઈ બીમારી નથી. જોકે જે તકલીફો છે એના માર્ગદર્શન માટે પણ તમારે ડૉક્ટરને મળવું જરૂરી છે, તો તમે આ સમયને વ્યવસ્થિત સમજીને કાઢી શકશો. ઊલટું આ સમયે પતિ કે પરિવારે સ્ત્રીને ડૉક્ટર પાસે લઈ જવી જરૂરી છે. તે ભલે ના પાડે પણ તમે તેને લઈને જશો તો તેને સમજાશે કે કેમ ગાયનેકોલૉજિસ્ટને બતાવવું જરૂરી હતું. ઘણી વખત સ્ત્રીને ખૂબ માનસિક તાણ પડે, તેનું વર્તન બદલાય, તેને ખૂબ ગુસ્સો આવે કે હંમેશાં તે ચિડાયેલી રહેતી હોય એમ લાગે ત્યારે પરિવારવાળા તેને સાઇકોલૉજિસ્ટ પાસે લઈ જાય છે. જે સ્ત્રી ૪૦-૫૮ વર્ષની વચ્ચે છે તેનું માસિક અનિયમિત આવવા લાગ્યું છે. તો પહેલાં તેને આ તકલીફો માટે ગાયનેકોલૉજિસ્ટ પાસે લઈ જાઓ, નહીં કે સાઇકોલૉજિસ્ટ પાસે. એ સમજવું જરૂરી છે. જો ખરેખર તેને સાઇકોલૉજિસ્ટની જરૂર હશે તો ગાયનેક જ કહેશે, પણ પહેલી મુલાકાત આ સમયે ગાયનેકની થવી જોઈએ.’

