Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મૉન્સૂનમાં આંખોની તકલીફો વધે છે એટલે કરવી જોઈએ થોડીક એક્સ્ટ્રા કૅર

મૉન્સૂનમાં આંખોની તકલીફો વધે છે એટલે કરવી જોઈએ થોડીક એક્સ્ટ્રા કૅર

Published : 04 August, 2026 07:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભેજવાળા વાતાવરણમાં આંખોની ચોખ્ખાઈમાં થોડુંક પણ કૉમ્પ્રોમાઇઝ થશે તો આંખમાં વાઇરલ, બૅક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધે છે

મૉન્સૂનમાં આંખોની તકલીફો વધે છે  એટલે કરવી જોઈએ થોડીક એક્સ્ટ્રા કૅર

મૉન્સૂનમાં આંખોની તકલીફો વધે છે એટલે કરવી જોઈએ થોડીક એક્સ્ટ્રા કૅર


ઉનાળામાં તડકો પડે ત્યારે અલ્ટ્રા-વાયલેટ કિરણોને કારણે આંખો ખૂબ થાકી જાય અને ડ્રાયનેસની તકલીફ વધી જાય એવું બને. વરસાદ પડતાં ગરમીથી રાહત મળી જાય, પરંતુ ભેજને લઈને બીજી સમસ્યાઓ થવાની સંભાવનાઓ વધી જાય છે. દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના નિષ્ણાતોના કહેવા મુજબ વરસાદમાં આંખના ઇન્ફેક્શનના કેસમાં વીસથી પચીસ ટકા જેટલો વધારો જોવા મળે છે. વરસાદ દરમ્યાન તાપમાનમાં ઉતાર-ચડાવ સાથે ગરમી-ઠંડી થયા કરે છે. ગંદા હાથથી આંખને સ્પર્શ કરવામાં આવે કે ગંદા પાણીના છાંટા આંખોમાં જાય તો આઇ-ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે. ચાલો, જાણીએ વરસાદમાં આંખની કેવી સમસ્યા વધુ થાય છે?
૧. કન્જંક્ટિવાઇટિસ : આપણે એને આંખ આવવી પણ કહીએ છીએ. વાઇરસ અથવા બૅક્ટેરિયાને કારણે આ તકલીફ શરૂ થાય છે. એમાં આંખના સફેદ હિસ્સાને ઢાંકતી પાતળી પરતમાં સોજો આવે છે. એને કારણે આંખો લાલઘૂમ થઈ જાય છે, એમાંથી પાણી આવે છે અને સોજાને કારણે પાંપણ ખોલ-બંધ કરતી વખતે પણ પીડા થાય છે. ખંજવાળ આવે છે અને આંખમાંથી સફેદ-પીળું ચીકણું લિક્વિડ નીકળે છે. આ ચીકણું પ્રવાહી ચેપી હોય છે. 
૨. સ્ટાઇ : એને આપણે આંજણી કહીએ છીએ. એમાં આંખની ઉપરની કે નીચેની પાંપણ પર લાલ દાણા ઊઠે છે. સ્ટાઇની સમસ્યા પ્યૉર બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે થાય છે. ભેજવાળા વાતાવરણમાં જો યોગ્ય સાફસફાઈ ન રાખવામાં આવે અને આંખો નબળી હોય તો આ તકલીફ થાય છે. 
૩. ફંગલ ઇન્ફેક્શન : આંખોમાં થનારું ફંગલ ઇન્ફેક્શન સૌથી ગંભીર અસરો કરનારું છે. જ્યારે આંખોમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે ત્યારે એ આંતરિક અવયવોને ડૅમેજ કરે છે. આંખોમાં બળતરા થવી, આંખ લાલ થઈ જવી, લાલાશ સાથે ધૂંધળાપણું છવાઈ જવું અને ખૂબ જ ખંજવાળ આવવી એ દેખીતાં લક્ષણો છે. આંખમાં આ પ્રકારનું ઇન્ફેક્શન તાત્કાલિક નિદાન કરીને સારવાર કરી ન લેવામાં આવે તો આંખને કાયમી ડૅમેજ કરી શકે છે. 
૪. કૅરેટાઇટિસ : કૉર્નિયામાં સોજો આવી જાય એને કૅરેટાઇટિસ કહેવાય છે. એ બૅક્ટેરિયલ, વાઇરલ કે ફંગલ ઇન્ફેક્શન એમ ત્રણેય કારણોથી થઈ શકે છે. ગંદા પાણીના સંપર્કને કારણે આ સમસ્યા ટ્રિગર થાય છે. કૉન્ટૅક્ટ લૅન્સ વાપરતા લોકો જો યોગ્ય સફાઈ ન જાળવે તો કૅરેટાઇટિસ થવાનો ખતરો વધી જાય છે. એમાં આંખમાં તીવ્ર પીડા થવી, ધૂંધળું દેખાવું, પ્રકાશ સહન ન થવો જેવાં લક્ષણો દેખાય છે. 
૫. બ્લૅફેરાઇટિસ : આ પણ એક પ્રકારનું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન છે. એમાં પાંપણ સૂજી જાય છે અને ડૅન્ડ્રફ જેવી પપડી બને છે. ઘણી વાર ત્વચાની સમસ્યાને કારણે પણ બ્લૅફેરાઇટિસની તકલીફ થાય છે.

આંખો સેફ રાખવા ચોમાસામાં આટલું જરૂર કરો



 હાથ હંમેશાં ચોખ્ખા રાખો. સ્વચ્છ હાથ ન હોય તો આંખને અડવાનું ટાળો. 
 વારંવાર આંખને મસળો નહીં. જ્યારે પણ મોં ધુઓ ત્યારે આંખોને પણ સ્વચ્છ પાણીથી સાફ કરો. 
 મેકઅપ, રૂમાલ જેવી કોઈ પણ ચીજ શૅર ન કરો. 
 મોં અને આંખો સાફ કરવા માટેનો રૂમાલ હંમેશાં સ્વચ્છ અને કોરો હોય એનું ધ્યાન રાખો. ટુવાલ પણ પાતળો અને રોજ ધોવાનું રાખો. 
 આંખનાં કોઈ પણ લક્ષણો જો એક કે બે દિવસ સુધી યથાવત્ રહે તો દુકાનમાંથી કોઈ પણ બૅક્ટેરિયલ આઇ-ડ્રૉપ્સ ન વાપરો. ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ લો.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 07:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK