વજન ઘટાડી રહ્યા હો, દરરોજ વર્કઆઉટ કરતા હો કે પછી વ્યસ્તતાને કારણે હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવીને ખાઈ ન શકતા હો તો આ ડ્રિન્ક તમારા માટે બેસ્ટ છે
પ્રતીકાત્મક તસવીર
કામની વ્યસ્તતાને કારણે જો તમને સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ ખાવાનો સમય ન મળતો હોય તો કૉફીમાં પ્રોટીન પાઉડર મિક્સ કરીને પીઓ, એ એક સ્માર્ટ હેલ્થ હૅક છે. કૉફીના કૅફીનથી તમને અલર્ટનેસ મળશે અને પ્રોટીનથી શરીરને લાંબા સમય સુધી ઊર્જા મળશે. શાકાહારી લોકો માટે કમ્પ્લીટ પ્રોટીન જેમાં બધા જ અમીનો ઍસિડ્સ હોય એવા આહારના વિકલ્પો ઓછા છે. બીજી બાજુ સવારે બ્રેકફાસ્ટમાં લોકો પૌંઆ, ઉપમા, ટોસ્ટ, ચા ખાતા-પિતા હોય છે જેમાં પ્રોટીન એટલું હોતું નથી. એવામાં જો બ્રેકફાસ્ટના સમયે જ કૉફીમાં પ્રોટીન પાઉડર મિક્સ કરીને પી લઈએ તો શરીરને સારુંએવું પ્રોટીન મળી રહે છે. શરીરમાં જો પ્રોટીન ઓછું હોય તો થાક, નબળાઈ, ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા, વાળ ખરવાની સમસ્યા વગેરે થાય છે. એટલે બિઝી લાઇફસ્ટાઇલ વચ્ચે પ્રોટીનથી ભરપૂર ભોજન બનાવીને જમવાનો સમય ન મળે તો આ ડ્રિન્ક સારો વિકલ્પ છે.
વજન ઘટાડવામાં મદદ કરે
ADVERTISEMENT
પ્રોટીન સ્લો ડાઇજેસ્ટ થાય છે, પરિણામે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. એને કારણે વારંવાર કંઈ ખાવાની ઇચ્છા થતી નથી. કૅફીન એક નૅચરલ સ્ટિમ્યુલન્ટ છે જે ફૅટને એનર્જીમાં બદલવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ઉપરથી પ્રોટીનને પચાવવામાં પણ વધુ એનર્જી ખર્ચ થાય છે. વેઇટલૉસ દરમિયાન મસલ-લૉસ પણ થતો હોય છે, પણ પ્રોટીન લેવાથી મસલ-લૉસ થતો અટકે છે અને મસલ બનાવવામાં અને ફૅટ બર્ન કરવામાં મદદ મળે છે. કૉફીમાં પ્રોટીન પાઉડર નાખીને પીવાથી ગળ્યું ખાવાની ક્રેવિંગ ઓછી થાય છે. એને કારણે એક્સ્ટ્રા શુગર અને કાર્બ્સને અવૉઇડ કરવામાં મદદ મળે છે, જે વજન વધવાનું મોટું કારણ છે.
વર્કઆઉટમાં મદદરૂપ
કૅફીન અલર્ટનેસ, ફોકસ અને સ્ટૅમિના વધારે છે. એનાથી વર્કઆઉટ લાંબા સમય સુધી અને વધુ ઇન્ટેન્સિટી સાથે કરવામાં મદદ મળે છે. વર્કઆઉટ પહેલાં કૅફીન લેવા પર ફૅટને એનર્જીમાં બદલવાની પ્રક્રિયા ઝડપી થાય છે, જેનાથી વેઇટલૉસ અને લીન બૉડી બનાવવામાં મદદ મળે છે. વર્કઆઉટ પછી મસલ્સના નાના-નાના ટિશ્યુ ડૅમેજ થઈ જાય છે, જેને પ્રોટીન રિપેર કરે છે. પ્રોટીનથી રિકવરી ઝડપી બને છે. મસલ બનાવવા માટે પણ પ્રોટીન જરૂરી છે. જિમ, વેઇટલિફ્ટિંગ બાદ પ્રોટીન લેવાથી મસલ-ગ્રોથ ઝડપી થાય છે. કૅફીન વર્કઆઉટ દરમિયાન મેન્ટલ ક્લૅરિટી વધારે છે, જેથી તમે એક્સરસાઇઝ પર સારી રીતે ફોકસ કરી શકો છો.
કેવી રીતે બનાવશો?
પ્રોટીન કૉફી બનાવવા માટે એક કપ બ્લૅક કૉફી લો. એમાં એક સ્કૂપ પ્રોટીન પાઉડર મિક્સ કરો. નૅચરલ સ્વીટનેસ અને થિકનેસ માટે એક કેળું નાખો. અડધો કપ દૂધ કે પ્લાન્ટ-બેઝ્ડ દૂધ નાખો. એક્સ્ટ્રા પ્રોટીન અને ટેસ્ટ માટે ૧-૨ ટીસ્પૂન પીનટ બટર નાખો. ૪-૫ બરફના ટુકડા નાખો. એમાં ચપટીક તજનો પાઉડર કે કોકો પાઉડર નાખી શકો.

