સામાન્ય રીતે વાઇટ રાઇસની સરખામણીમાં બ્રાઉન રાઇસને હેલ્ધી માનવામાં આવતા હોય છે એવામાં આજકાલ લોકોમાં પર્પલ રાઇસનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ રાઇસને બ્રાઉન રાઇસ કરતાં પણ હેલ્ધી માનવામાં આવી રહ્યા છે ત્યારે જાણી લઈએ કે એમાં એવું તે શું ખાસ છે
પર્પલ રાઇસ
પર્પલ રાઇસનો ઉપયોગ જૅપનીઝ, થાઇ, ફિલિપિનો, ચાઇનીઝ, કોરિયન ક્વિઝિનમાં થાય છે. ભારતમાં મણિપુરી વાનગીઓમાં એનો ઉપયોગ થતો હોય છે. મણિપુરમાં એને ચખાઓ નામથી ઓળખવામાં આવે છે. ચખાઓ ખીર મણિપુરની પારંપરિક સ્વીટ ડિશ છે. પ્રાચીન સમયમાં ચીનમાં આ રાઇસ ફક્ત શાહી પરિવારો જ ખાઈ શકતા. સામાન્ય લોકો માટે એને ખાવાનો નિષેધ હતો. છેલ્લા થોડા સમયથી પર્પલ રાઇસના હેલ્થ-બેનિફિટ્સને લઈને હવે એ પૉપ્યુલર થવા લાગ્યા છે. ડાયાબેટિક-ફ્રેન્ડ્લી મનાતા આ રાઇસ વિશે ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ શર્મિલા મહેતા પાસેથી વધુ માહિતી મેળવીએ તેમના જ શબ્દોમાં...
પર્પલ રાઇસમાં શું અલગ છે?
ADVERTISEMENT
વાઇટ રાઇસ, બ્રાઉન રાઇસ અને પર્પલ રાઇસમાં શું ફરક છે એના વિશે વાત કરીએ. આમ તો આ ત્રણેય પ્રકારના રાઇસ સેમ પ્લાન્ટમાંથી આવે છે, પણ એમના રંગ અને પોષણમાં તફાવત છે. ચોખામાં મૂળભૂત રીતે ત્રણ સ્તરોનો સમાવેશ થાય છે; બ્રૅન, જર્મ અને એન્ડોસ્પર્મ. બ્રૅન અને જર્મમાં પ્રોટીન, ફાઇબર અને આયર્ન હોય છે; જ્યારે એન્ડોસ્પર્મમાં મોટા ભાગે કાર્બોહાઇડ્રેટ્સ જ હોય છે. ચોખાને રિફાઇન્ડ કરવામાં આવે ત્યારે બ્રૅન અને જર્મ બન્ને સ્તર નીકળી જાય છે. વાઇટ રાઇસ હાઈલી રિફાઇન્ડ હોય છે. એને એટલા બધા પૉલિશ કરવામાં આવે છે કે એમાં વધુ કંઈ પોષણ બચતું નથી. એમાં ફક્ત કાર્બોહાઇડ્રેટ્સ બચે છે. બ્રાઉન રાઇસની વાત કરીએ તો એમાં ફક્ત બહારનું છોતરું જ હટાવવામાં આવે છે એટલે બ્રૅન, જર્મ અને એન્ડોસ્પર્મ પ્રિઝર્વ રહે છે. એટલે જ એમાં વાઇટ રાઇસની સરખામણીમાં વધુ ફાઇબર, પ્રોટીન અને વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. એવી જ રીતે પર્પલ રાઇસને પણ ખૂબ ઓછા પ્રોસેસ કરવામાં આવતા હોવાથી એમાં પણ ચોખાના ત્રણેય સ્તરો જળવાયેલા રહે છે. પર્પલ રાઇસમાં બ્રાઉન રાઇસ કરતાં પણ ફાઇબર, પ્રોટીન અને આયર્ન વધુ હોય છે. આ રાઇસનો કલર પર્પલ એટલા માટે હોય છે કારણ કે એમાં એન્થોસાયનિન નામનું એક નૅચરલ પિગમેન્ટ હોય છે. બ્લુબેરીઝ, બ્લૅકબેરીઝ, જાંબુ જેવા ફ્રૂટમાં પણ આ પિગમેન્ટ હોય છે અને એટલે જ એનો કલર ડીપ બ્લૅક, જાંબુડી જેવો હોય છે.
હેલ્થ-બેનિફિટ્સ
પર્પલ રાઇસને ડાયાબેટિક-ફ્રેન્ડ્લી માનવામાં આવે છે. એનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ લો હોય છે એટલે કે એને ખાધા પછી ઝડપથી લોહીમાં શુગર વધતી નથી. એટલે વાઇટ રાઇસની સરખામણીમાં પર્પલ રાઇસ ખાવામાં સારા મનાય છે. જોકે એમ છતાં ડાયાબિટીઝના દરદીઓએ પર્પલ રાઇસ માપમાં જ ખાવા જોઈએ. પર્પલ રાઇસમાં એન્થોસાયનિન નામનું જે નૅચરલ પિગમેન્ટ હોય છે એ એક પાવરફુલ ઍન્ટિ-ઑક્સિડન્ટ છે, એમાં વિટામિન E હોય છે અને એ પણ એક ઍન્ટિ-ઑક્સિડન્ટ છે. એટલે કે આ બન્ને શરીરના કોષોને હાનિકારક તત્ત્વોથી રક્ષણ પૂરું પાડે છે; પરિણામે હાર્ટની હેલ્થ સારી રહે છે, કૅન્સરના જોખમને ઓછું કરે છે, શરીરમાં સોજો થયો હોય તો એ ઘટાડે, બ્રેઇન-ફંક્શનને સુધારે, ત્વચા માટે ફાયદાકારક છે. પર્પલ રાઇસમાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે, જે પાચનને સારું રાખવામાં મદદ કરે છે. એમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ્સ અને ફાઇબર બૅડ કૉલેસ્ટરોલને ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. પર્પલ રાઇસમાં આયર્નનું પ્રમાણ સારું હોય છે. એટલે શરીરમાં લોહીની કમીને કારણે એનીમિયા થયો હોય તેમના માટે આ રાઇસ સારા ગણાય. પર્પલ રાઇસમાં રહેલાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, આયર્ન, મૅગ્નેશિયમ, ઝિન્ક વગેરે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. એવી જ રીતે જો પર્પલ રાઇસને યોગ્ય અને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો એ તમારી વેઇટલૉસ ડાયટનો પણ ભાગ બની શકે. એમાં રહેલું હાઈ ફાઇબર લાંબો સમય સુધી પેટ ભરેલું રાખીને વારંવાર ખાવાની ક્રેવિંગને નિયંત્રણમાં રાખે છે, પરિણામે કૅલરી-ઇન્ટેક કન્ટ્રોલમાં રહે છે. પર્પલ રાઇસ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનો એક ગ્લુટન-ફ્રી ઑપ્શન છે.
કઈ રીતે પકાવવા?
પર્પલ રાઇસને આપણે વાઇટ રાઇસની જેમ ડાયરેક્ટ પકાવી ન શકીએ. એને બાફતાં પહેલાં પાણીમાં બે કલાક પલાળીને રાખવા પડે. એક તો પર્પલ રાઇસનું બહારનું લેયર કઠણ હોય છે, કારણ કે એ હોલગ્રેન છે. એમાં ફાઇબર વધુ હોય છે. એટલે પાણીમાં પલાળી રાખવાથી ચોખા જલદીથી પાકે છે અને નરમ બને છે. પર્પલ રાઇસને પલાળીને પછી પકાવવાથી એનો કલર અને ફ્લેવર પણ સુધરે છે. પર્પલ રાઇસને બ્લૅક રાઇસ પણ કહેવાય છે. આ ચોખા કાચા હોય ત્યારે બ્લૅક લાગે, પણ એને પકાવ્યા પછી કલર પર્પલ થઈ જાય છે. આ ચોખા પાકે ત્યારે ચીકણા બને અને એને ચાવવા પણ વધારે પડે. પર્પલ રાઇસને ઘણીબધી અલગ-અલગ રીતે ખાઈ શકો છો જેમ કે તમે સૅલડમાં નાખીને ખાઈ શકો, ખીર બનાવી શકો, સુશીમાં ઉપયોગ કરી શકો.

