Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બળબળતી ગરમીમાં ઠંડક ઉમેરવાનું કામ યોગથી કરો

બળબળતી ગરમીમાં ઠંડક ઉમેરવાનું કામ યોગથી કરો

15 April, 2024 12:55 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

વધી રહેલી ગરમી વચ્ચે સેલ્ફ-પ્રોટેક્શન માટે તમે કંઈ શોધી રહ્યા છો તો યોગથી શ્રેષ્ઠ કંઈ નથી. આજે જાણી લો કે યોગના કયા અભ્યાસો આ ગરમીમાં તમારું રક્ષાકવચ બની શકે છે અને એની પાછળનું વિજ્ઞાન શું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક આંતરરાષ્ટ્રીય મૅનેજમેન્ટ કંપનીએ થોડાક સમય પહેલાં કરેલા એક સર્વેમાં કહ્યું કે મુંબઈમાં કૉન્ક્રીટાઇઝેશનને કારણે વધી રહેલી ગરમીને મૅનેજ કરવામાં ન્યુ યૉર્ક કરતાં ડબલ ખર્ચ થવાનો છે. ગરમી સતત વધી રહી છે અને એની સાથે જ હીટ-સ્ટ્રોક અને એને લગતી બીજી અઢળક સમસ્યાઓ પણ જોવા મળી રહી છે ત્યારે બહારના બદલાયેલા વાતાવરણ વચ્ચે આપણા શરીરનું ટેમ્પરેચર અકબંધ રહે એ માટે શું કરવું એવું જો તમે વિચારતા હો તો એનો જવાબ શ્રેષ્ઠ રીતે કોઈ આપી શકે તો એ છે યોગ. અમસ્તા જ યોગને હર મર્ઝ કી દવા તરીકે નથી ઓળખવામાં આવતા. ખરેખર આપણા જીવનના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રશ્નોના અમલમાં મૂકી શકાય એવા પદ્ધતિસર જવાબો આ પ્રાચીન વિજ્ઞાનમાં સમાયેલા છે. ઠંડીમાં ગરમાવો આપે 
અને ગરમીમાં ઠંડકનો એહસાસ કરાવે એવી અઢળક યોગી પ્રક્રિયાઓ છે. મુંબઈકરો આ બળબળતી ગરમીમાં શેકાવાના અને નીતરવાના શરૂ થયા છે ત્યારે યોગ તમારા માટે કઈ રીતે જાદુની છડી તરીકે કામ લાગી શકે એ વિષય પર જાણીતા યોગનિષ્ણાત ડૉ. ગણેશ રાવ સાથે વાત કરીએ.

પાવરફુલ સાધન

છેલ્લાં ૩૦ વર્ષથી યોગવિદ્યા સાથે સંકળાયેલા ડૉ. ગણેશ રાવ યોગની અંદર સમાયેલા ઊર્જાવિજ્ઞાનની તરફેણ કરતાં જણાવે છે, ‘આ આખા સંસારનું સંચાલન ઊર્જા થકી જ થાય છે અને એ જ રીતે આપણા શરીરનું સંચાલન પણ ઊર્જા થકી થાય છે. આપણે ત્યાં કહેવાય છે, યથા પિંડે તથા બ્રહ્માંડે. જે આપણા શરીરમાં છે એ જ બ્રહ્માંડમાં છે અને જે બ્રહ્માંડમાં છે એ જ આપણા શરીરમાં. એનો અર્થ એવો થયો કે આપણા શરીરને સંચાલિત કરવા માટે વિશિષ્ટ ઊર્જાનો પ્રભાવ હોય છે. સામાન્ય ભાષામાં સમજવાની કોશિશ કરીએ તો અત્યારે આપણું શરીર બે મુખ્ય ઊર્જાથી સંતુલન મેળવે છે અને એ ઊર્જાનું સંચરણ કરતી ઊર્જાવાહિની એટલે કે નાડીનું આપણા શરીરમાં વિશિષ્ટ મહત્ત્વ છે. ચંદ્રનાડી અને સૂર્યનાડી આ બે મુખ્ય નાડી છે. એમનાં નામ પ્રમાણે જ એના ગુણો છે. ચંદ્ર, જે શીતળતા આપે. સૂર્ય, જે ગરમાવો આપે. એટલે સાદો સિદ્ધાંત એવો છે કે જો તમને ઠંડક જોઈતી હોય તો ચંદ્રનાડી એટલે કે તમારી ડાબી નાસિકાથી શ્વસન થાય તો લાભ થાય. એનાથી વિપરીત જો તમને ગરમી જોઈતી હોય, તમે ઍક્શન મોડમાં આવવા માગતા હો તો સૂર્યનાડી એટલે કે જમણી નાસિકાથી શ્વાસ લો. આ આખો સંસાર બસ, આ બે પ્રકારની ઊર્જાઓનું જ પરિણામ છે. યોગવિજ્ઞાનમાં આ બે નાડી અને એના થકી ઉદ્ભવતી ઊર્જાનું ભરપૂર મહત્ત્વ દર્શાવેલું છે. ગરમીમાં શરીરનું ટેમ્પરેચર સંતુલિત રાખવા માટે પણ આ નાડીવિજ્ઞાન અને એની સાથે લગતા પ્રાણાયામના અભ્યાસો, ધ્યાનના અભ્યાસો અને ધીમી ગતિએ સ્થિરતાપૂર્વક થતાં આસનોથી અકલ્પનીય લાભ થઈ શકે છે.’

આ જ વાતનો પરંપરાગત વધુ એક સંદર્ભ આપતાં ડૉ. ગણેશ આગળ કહે છે, ‘આપણે ત્યાં પંદરમી સદીમાં લખાયેલા હઠ પ્રદીપિકા નામના ગ્રંથમાં આઠ પ્રકારના પ્રાણાયામ એટલે કે કુંભકની વાત આવે છે જેમાં બે પ્રાણાયામની બહુ ચર્ચા નથી થતી, પરંતુ એ સિવાયના છ પ્રાણાયામના અભ્યાસને બે કૅટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ત્રણ અભ્યાસ એવા છે જે શરીરને ગરમી આપે અને ત્રણ શરીરમાં ઠંડક વધારે. ચંદ્રભેદી, શીતલી અને શીતકારી આ ત્રણ પ્રાણાયામ એવા છે જે શરીરને ઠંડક પણ આપે, મનને શાંત કરે અને વ્યક્તિને અંતર્મુખ બનવામાં મદદ કરે. ગરમીના સમયમાં આ પ્રાણાયામનો અભ્યાસ અનેક રીતે લાભકારી છે.’

વૈજ્ઞાનિક દૃષ્ટિએ

શીતલી, શીતકારી અને ચંદ્રભેદી આ ત્રણ પ્રાણાયામ ટેક્નિકથી આપણે બહાર વધી ગયેલા ટેમ્પરેચર માટે ઓવરરીઍક્ટ કરી રહેલા બ્રેઇનને આ કૂલિંગ પ્રાણાયામથી કૂલડાઉનનો મેસેજ મોકલીએ છીએ એટલે બૉડીનો રિસ્પૉન્સ ચેન્જ થાય, હાર્ટ-રેટ ઓછો થાય, પસીનો ઘટે, ભૂખ અને તરસ ઘટે, બ્લડ-પ્રેશર નીચું આવે, મેટાબોલિક રેટ ઓછો થાય, શરીરમાં ક્યાંક બળતરા થતી હોય તો એ કાબૂમાં રહે અને બૉડી રિલૅક્સેશન મોડમાં રહે. હીટની જે નકારાત્મક અસર આપણા શરીર પર પડતી હોય છે એને આ પ્રાણાયામથી રોકી શકાય છે.

શરીરનું હોમિયોસ્ટેસિસ એટલે કે આંતરિક સંતુલન જાળવવાનું કામ ગરમીની ઋતુમાં આ પ્રાણાયામ કરી શકે છે. ઘણાને પાણી પીધા પછી પણ સતત તરસ લાગતી હોય છે અને જાણે તરસ બુઝાઈ જ નથી રહી એવા લોકોને પણ આ કૂલિંગ પ્રાણાયામ પ્રૅક્ટિસથી ફાયદો થશે. અહીં ડૉ. ગણેશ કહે છે, ‘આ ત્રણે પ્રાણાયામની જુદી ઇફેક્ટ છે જેમ કે તમે શીતલી પ્રાણાયામ કરો તો એ તમારા મોઢાના વચલા ભાગમાં ઠંડક પહોંચાડે અને લાળ ઉત્પન્ન કરે. એવી જ રીતે શીતકારી પ્રાણાયામ મોઢાના સાઇડના હિસ્સામાં ઠંડક સાથે લાળ ઉત્પન્ન કરે. બીજી વાત, મોઢામાં ઉદ્ભવતી લાળ આલ્કલાઇન હોય છે એટલે જ પ્રાણાયામનો આ અભ્યાસ કરવાથી ઍસિડિટી અને ઍસિડ-રિફ્લક્સમાં પણ રાહત થાય છે, કારણ કે જ્યારે તમે આ લાળ ગળી જાઓ છો ત્યારે એ ઍસિડિક સિસ્ટમને સંતુલિત કરવાનું કામ પણ કરે છે. આ સમયમાં નાડીશુદ્ધિ પ્રાણાયામ એટલે કે એક બાજુથી શ્વાસ લેવો અને બીજી નાસિકાથી શ્વાસ બહાર છોડવો, એવી જ રીતે ફરી બીજી નાસિકાથી શ્વાસ લેવો અને પહેલી બાજુથી બહાર છોડવો આ અભ્યાસ પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. સાથે જ ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ ગરમીના દિવસોમાં કરવો જોઈએ.’

શીતલી પ્રાણાયામ

ચંદ્રભેદી પ્રાણાયામ કરશો તો તમને તાત્કાલિક માનસિક શાંતિ અને શરીરમાં ઠંડકનો એહસાસ થશે. ડાબી નાસિકા ચંદ્રનાડી તરીકે પણ ઓળખાય છે. ચંદ્રનો ગુણ શીતળતા આપવાનો છે એમ ચંદ્રનાડીથી શ્વાસ લેશો એટલે શીતળતાનો એહસાસ થશે.

શીતકારી પ્રાણાયામ

કોઈ પણ મેડિટેશનના આસનમાં ટટ્ટાર બેસો. હવે મોં ખુલ્લું રાખીને તમારી જીભને ટ્યુબની જેમ રોલ કરો અને મોંથી શ્વાસ લો. ઠંડો શ્વાસ જઈ રહ્યો છે એનો અનુભવ તમને થશે.

ચંદ્રભેદી પ્રાણાયામ

ડાબી નાસિકાથી શ્વાસ લઈને થોડીક ક્ષણ માટે રોકીને એને જમણી નાસિકાથી બહાર છોડો. કમ સે કમ દસ રાઉન્ડ આ રીતે ઉપરના અને નીચેના દાંત એકબીજા પર રહે એ રીતે રાખીને એની પાછળ જીભ રાખો અને એ રીતે મોં વાટે શ્વાસ લો. આ પ્રાણાયામ કરશો તો સસસસ... જેવો ઝીણો અવાજ મોંમાંથી આવશે. એક્સ્ટ્રા ટિપ :  પ્રાણાયામ કરવા બેસતી વખતે ટટ્ટાર બેસો અને શ્વાસ અંદર ભર્યા પછી તમારી કૅપેસિટી મુજબ એને રોકી રાખવો. 



 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2024 12:55 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK