નકારાત્મક મન કામ બગાડવાનું કામ તો કરે જ, પણ સાથોસાથ એની અસર સંબંધો અને વ્યક્તિગત રીતે શરીર પર પણ પડે. મનની નકારાત્મકતા દૂર કરવાના રસ્તાઓ શાસ્ત્રોમાં બહુ સરસ અને એકદમ સરળ દર્શાવ્યા છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
નકારાત્મકતા વાતાવરણમાં હોય અને મનમાં પણ જન્મે, પણ જો બન્ને જગ્યાએ એકસાથે જન્મવાની કે વધવાની શરૂ થાય તો એની અસર વ્યક્તિગત રીતે ખરાબ પડે અને તેના મનમાં સતત નકારાત્મકતા રહેવા માંડે. જે તન-મન-ધનથી વ્યક્તિને નુકસાન કરે અને વ્યક્તિને નુકસાન કરે એટલે સહજ રીતે તેની આસપાસ રહેલા લોકોને અને તેની સાથેના સંબંધોમાં પણ નુકસાનકર્તા બને.
મનમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવાના ઘણા રસ્તાઓ શાસ્ત્રોમાં દેખાડ્યા છે જે સરસ તો છે જ, પણ સાથોસાથ સરળ પણ છે. એ રસ્તાઓની આજે ચર્ચા કરવાની છે.
રોજ કરો ગૂગળનો ધૂપમનમાં સતત નકારાત્મકતા રહેતી હોય, જે વાતોમાં પણ દેખાવા માંડી હોય તેમણે પોતાના મનની નકારાત્મકતા દૂર કરવા માટે દરરોજ ઘરમાં ગૂગળનો ધૂપ કરવો જોઈએ. છેલ્લા થોડા સમયથી ધૂપકપ પણ બજારમાં મળે છે. એ ધૂપકપનો જો ઉપયોગ કરવો હોય તો ચારકોલના એટલે કોલસાથી બનેલા ધૂપકપનો ઉપયોગ ટાળવો. એને બદલે ગાયના છાણમાંથી બનેલો ધૂપકપ વાપરવો જોઈએ. એ ધૂપકપ પર જો ગૂગળનો એક ટુકડો મૂકવામાં આવે તો અતિ ઉત્તમ. મનમાં નકારાત્મકતા હોય તે વ્યક્તિ જો પોતે આ કામ ન કરી શકે તો લાગણીથી તેની સાથે સીધા સંપર્કમાં હોય તેમણે આ કામ કરવું જોઈએ.
કરેલો ધૂપ આખા ઘરમાં ફેરવી લીધા પછી ઘરની બહાર મૂકવો, જે દર્શાવે છે કે મનમાં રહેલી નકારાત્મકતા આ જ રીતે શરીરરૂપી ઘરથી બહાર જાય.
રોજ કરો તુલસીનું સેવન વ્યક્તિગત રીતે નકારાત્મકતા ધરાવતી વ્યક્તિએ નિયમિત સવારે તુલસીનાં ત્રણ પાન ચાવવાં જોઈએ અને એ પછી બ્રશ ઇત્યાદિ રોજબરોજની પ્રક્રિયા કરવી જોઈએ. વાત અહીં તુલસીનાં પાનની છે એટલે બજારમાં મળતો તુલસીનો અર્ક વાપરવાને બદલે છોડ પરથી તુલસીનાં પાન તોડીને એનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.
મનમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવાનો અન્ય પણ એક સરસ ઉપાય શાસ્ત્રોમાં દર્શાવ્યો છે અને કહ્યું છે કે વ્યક્તિ પોતે જ તુલસીનો છોડ રોપે અને એની જાળવણી કરી એમાંથી જ પાનનું સેવન શરૂ કરે. આંખ સામે પાંગરતા છોડને જોવાથી મનમાં સકારાત્મક ઊર્જાનું સિંચન થાય છે.
ઘંટનાદ કે મંત્રોચ્ચાર
સાયન્ટિફિકલી પુરવાર થયું છે કે ઘંટનાદ અને મંત્રોચ્ચાર મનમાં રહેલી નેગેટિવિટીને દૂર કરવાનું કામ કરે છે. હવે તો ઇલેક્ટ્રૉનિક એવાં ડિવાઇસ પણ આવી ગયાં છે જે તમારા આરાધ્યદેવના મંત્રો એકધારા વગાડ્યા કરે કે પછી ઘંટનાદનો સાઉન્ડ તમને સંભળાવ્યા કરે. મંત્રોચ્ચાર જો વ્યક્તિગત રીતે કરવામાં આવે તો અતિ ઉત્તમ, પણ ધારો કે મંત્રો ન આવડતા હોય કે પછી એ માટે સમય ન મળી શકતો હોય તો ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ મૂકીને પણ એનું સતત સિંચન કરતા રહેવું હિતાવહ છે.
મંત્રોમાં જરૂરી નથી કે આ જ કે પેલો જ મંત્ર સાંભળવામાં આવે. તમને યોગ્ય લાગે, તમારા આરાધ્યદેવનો મંત્રોચ્ચાર કરવામાં, સાંભળવામાં આવે તો એની અસર સકારાત્મક જ રહેશે. ઓમકારનો નાદ સાંભળવામાં પણ સકારાત્મકતા મળે છે.
સ્નાનમાં કરો સુધારો
કપૂરના સ્નાન વિશે અગાઉ અન્ય એક વિષય પર વાત કરતી વખતે સૂચન કર્યું હતું. કપૂરનું સ્નાન પણ મનમાં સકારાત્મકતા લાવવાનું કામ કરે છે તો સાથોસાથ દૂધ-સ્નાન પણ મનને શાંત કરવાનું અને મનમાં સકારાત્મકતા લાવવાનું કામ કરે છે. દૂધનું સ્નાન કરવા માટે બાલદી ભરીને દૂધનો ઉપયોગ કરવાની જરૂર નથી. ૨૦ લીટરની બાલદીથી સ્નાન કરતા હો તો પહેલી વાર એમાં અડધો લીટર દૂધનો ઉપયોગ કરવો જોઈએ અને પછી રોજેરોજે ૧૦૦ મિલીલીટર દૂધ એટલા પાણીમાં નાખવું જોઈએ.
પહેલી વાર દૂધ-સ્નાન કરતી વખતે ૧૦૦ મિલીલીટર જેટલું દૂધ માથા પર સીધું જ રેડવું જોઈએ અને એ પછી પાણીથી સ્નાન કરવું જોઈએ. દૂધ-સ્નાન કરતા હો એ દરમ્યાન અન્ય કોઈ શૅમ્પૂ કે સાબુનો ઉપયોગ કરવો વાજબી નથી.
એક સમય ઘીનો દીવો
સવાર કે સાંજ જે સમય તમને અનુકૂળ લાગતો હોય એ સમયે દિવસમાં એક વાર ઘીનો દીવો કરવો જોઈએ. જરૂરી નથી કે દીવો ભગવાનની સામે જ થાય, પણ એ જરૂરી છે કે દીવો ઈશાન કૉર્નરમાં એટલે કે નૉર્થ-ઈસ્ટ કૉર્નરમાં થાય. ભલે એ જગ્યા ખુલ્લી ન હોય, પણ મનની શાંતિ માટે દીવો કરવાનું એ બેસ્ટ સ્થળ છે એટલે દીવો થવો તો ત્યાં જ જોઈએ. દીવો કર્યા પછી જો થોડો સમય એની સામે બેસી શકાય અને મેડિટેશન થઈ શકે તો ઉત્તમ. મેડિટેશન ન આવડે તો માત્ર ભગવાનનું નામ ધરીને બેસવામાં આવે તો પણ શ્રેષ્ઠ અને ધારો કે એ પણ ન કરવું હોય તો દીવાની સામે માત્ર આંખ બંધ કરીને પણ બેસી શકાય.
મનમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવાનો અન્ય પણ એક સરસ ઉપાય શાસ્ત્રોમાં દર્શાવ્યો છે અને કહ્યું છે કે વ્યક્તિ પોતે જ તુલસીનો છોડ રોપે અને એની જાળવણી કરી એમાંથી જ પાનનું સેવન શરૂ કરે.

