થાણેમાં બે વ્યક્તિઓની દુશ્મનાવટમાં ત્રીજાનો ભોગ લેવાયો
વિઠ્ઠલને કાર નીચે કચડતા હોવાનો CCTV-વિડિયો.
થાણે-વેસ્ટની વાગળે એસ્ટેટમાં રવિવારે મોડી રાતે જૂની દુશ્મનાવટમાં ગૅન્ગસ્ટર સંતોષ પવારે વિઠ્ઠલ ગાયકરની પોતાની કારની નીચે કચડીને હત્યા કરી દીધી હતી. આ મામલે શ્રીનગર પોલીસે ચાર લોકો સામે હત્યાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાનું ભયાનક દૃશ્ય ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં કેદ થયું હતું. એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં થાણેમાં ભારે ડર અને રોષનો માહોલ સર્જાયો છે. હત્યા કરીને નાસી જનારા આરોપીને પકડવા પોલીસે ત્રણ ટીમ બનાવી છે અને ક્રાઇમ બ્રાન્ચે પણ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ઘટનામાં મૃત્યુ પામેલો વિઠ્ઠલ ગાયકર.
શ્રીનગર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ગુલઝારીલાલ ફડતરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિઠ્ઠલ ગાયકર તેના બે મિત્રો શંકર વરઠે અને વસંત ટોકરે સાથે રવિવારે રાતે પાંચ દિવસના ગણપતિબાપ્પાની મૂર્તિનું વિસર્જન જોવા વાગળે એસ્ટેટ નજીક રોડ પર ઊભો હતો એ સમયે આરોપી સંતોષ પવારની શંકર સાથે જૂની દુશ્મનાવટ હોવાથી તેની સાથે દલીલ કરી હતી. એટલું જ નહીં, સંતોષે રોષે ભરાઈને શંકરને કાર નીચે કચડી નાખવા તેની પર કાર દોડાવી હતી. જોકે એ સમયે વિઠ્ઠલ ગાયકર સમજાવવા જતાં આરોપીએ વિઠ્ઠલ પર કાર ચડાવીને તેને કચડી નાખ્યો હતો, જે સામે આવેલા CCTV કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું હતું. કાર ચડાવ્યા બાદ વિઠ્ઠલને જાનથી મારી નાખવાના ઇરાદે કારને બેથી ત્રણ વખત આગળ-પાછળ કરીને વિઠ્ઠલના શરીર પરથી ફેરવી હતી. આ ઘટના બાદ તેણે શંકરને પણ મારવાની કોશિશ કરી હતી, પરંતુ એ સમયે શંકર ત્યાંથી નાસી જતાં તે બચી ગયો હતો. ત્યાં ભેગા થયેલા લોકો વિઠ્ઠલને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે ડૉક્ટરે વિઠ્ઠલને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ આરોપી અને તેના અન્ય ત્રણ સાથી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’
શું હતી જૂની દુશ્મનાવટ?
પ્રાથમિક તપાસમાં આરોપી સંતોષની શંકર સાથે જૂની દુશ્મનાવટ હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવાન સાથે આરોપીને કોઈ લેવાદેવા નહોતી એમ જણાવતાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ગુલઝારીલાલ ફડતરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શંકરનો પરિવાર વાગળે એસ્ટેટ નજીક આવેલી વનવિભાગની જગ્યામાં શાકભાજી ઉગાડીને વેચતો હતો. એ જ જગ્યાએ આરોપી સંતોષ અને તેનો પરિવાર પણ શાકભાજી ઉગાડતો હતો. દરમ્યાન ૨૦૨૧માં આખી જગ્યા સંતોષને જોઈતી હોવાથી બન્ને પરિવાર વચ્ચે વિવાદ ઊભો થયો હતો. એમાં શંકરના પરિવારે અમારા પોલીસ-સ્ટેશનમાં સંતોષ વિરુદ્ધ બે ફરિયાદ પણ નોંધાવી હતી. આ કેસમાં સંતોષને તડીપાર કરવામાં આવ્યો હતો.’

