રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ નાનાં ફાયર-એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ આગ કાબૂમાં આવી નહોતી
દાદર ટર્મિનસના પાર્કિંગ-લૉટમાં આગ લાગતાં વાહનોને નુકસાન
ગઈ કાલે મોડી સાંજે દાદર-ટર્મિનસના પાર્કિંગ-લૉટમાં આગ લાગી હતી. પ્લૅટફૉર્મ નંબર ૧૪ની બહાર આગ લાગતાં મુસાફરો અને પ્લૅટફૉર્મ પર હાજર રેલવેના કર્મચારીઓ ગભરાયા હતા. રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ નાનાં ફાયર-એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ આગ કાબૂમાં આવી નહોતી. ફાયર-બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ કાબૂમાં લીધી હતી. પાર્કિંગ-લૉટની બાઉન્ડરી પર કોઈ કારણસર આગ લાગી હતી જે ત્યાં પાર્ક કરેલાં વાહનોમાં ઝડપથી ફેલાઈ હતી. એનો ગાઢ ધુમાડો રેલવે-પ્લૅટફૉર્મમાં પણ ફેલાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી, પણ અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ શોધવા માટે રેલવે-પ્રશાસને તપાસ હાથ ધરી છે.

