Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઉનાળાની ગરમીમાં દિવસ તો ઠીક, રાતનો બફારો પણ બની શકે છે સાઇલન્ટ કિલર

ઉનાળાની ગરમીમાં દિવસ તો ઠીક, રાતનો બફારો પણ બની શકે છે સાઇલન્ટ કિલર

Published : 01 June, 2026 01:27 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

રાત્રે ઍરકન્ડિશનર કે પંખો ફુલ રાખવા છતાં થતા અસહ્ય બફારાને કારણે ઊંઘ તો બગડે જ છે; પણ સાથે અપૂરતી અને ખલેલવાળી ઊંઘને કારણે માનસિક થાક, ડીહાઇડ્રેશન અને ઇરિટેશન જેવી ગંભીર શારીરિક-માનસિક સમસ્યાઓ પણ સર્જે છે. રાતના બફારાને ટૅકલ કરવા શું કરવું એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉનાળામાં દિવસના આકરા તાપથી તો આપણે જેમતેમ કરીને બચી જઈએ છીએ, પણ રાતના સમયે હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે અસહ્ય બફારો થાય છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે પંખો ચાલુ હોવા છતાં શરીર ચીપચીપુ લાગે છે અને ઊંઘ નથી આવતી. મેડિકલ સાયન્સ મુજબ આ બફારો સામાન્ય અકળામણ પૂરતો મર્યાદિત નથી. એ આપણા હૃદય પર દબાણ વધારે છે અને શરીરને અંદરથી ડીહાઇડ્રેટ કરે છે જેથી પથારીમાંથી તરત ઊભા થતી વખતે ચક્કર આવવાની સમસ્યા થાય છે. નિષ્ણાત પાસેથી આ સમસ્યાનાં કારણો અને એનાથી બચવાના ઉપાય વિશે જાણીએ.

સ્લીપ સાયન્સ



વાલ્કેશ્વરમાં છેલ્લા પાંચ દાયકાથી બે મિલ્યન કરતાં વધુ દરદીઓને ટ્રીટમેન્ટ આપી ચૂકેલા ફૅમિલી ફિઝિશ્યન ડૉ. મહેશ કાપડિયા બફારાને કારણે પ્રભાવિત થતી ઊંઘને લીધે કેવી સમસ્યાઓ થાય છે એ વિશે કહે છે, ‘જ્યારે આપણે ઊંઘવાની તૈયારી કરીએ છીએ ત્યારે કુદરતી રીતે જ શરીરનું તાપમાન એક ડિગ્રી જેટલું ઘટી જાય છે. ઊંઘ આવવા માટે અને મગજને શાંત કરવા માટે શરીરનું આ રીતે ઠંડું પડવું અનિવાર્ય છે, પણ જ્યારે રાતે અતિશય બફારો થાય ત્યારે વાતાવરણમાં રહેલો ભેજ શરીરની ગરમીને રિલીઝ કરી શકતો નથી. પરિણામે આખી રાત પડખાં ફરવામાં નીકળે છે પણ ગાઢ ઊંઘ નથી આવતી. જો શરીરને પૂરતી ઊંઘ ન મળે તો આંતરિક બૉડીની રિકવરી ખોરવાઈ જાય છે. ઊંઘ દરમ્યાન જ આપણું શરીર કોષોનું સમારકામ કરે છે અને મહત્ત્વનાં ગ્રોથ હૉર્મોન્સ મુક્ત કરે છે. આ પ્રક્રિયા અટકવાથી સ્નાયુઓનો થાક ઊતરતો નથી અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.’


હૃદય પર સ્ટ્રેસનું જોખમ

રાતનો બફારો હૃદયના સ્વાસ્થ્ય માટે પડકારજનક હોય છે એવું માનતાં ૭૮ વર્ષના ડૉ. મહેશ કાપડિયા કહે છે, ‘વાતાવરણમાં ભેજ અને ગરમી વધતાં શરીર પોતાને ઠંડું રાખવા માટે ત્વચા તરફ લોહીનો પ્રવાહ અચાનક વધારી દે છે. આવી સ્થિતિમાં ત્વચા સુધી લોહી પહોંચાડવા માટે હૃદયને બમણી મહેનત કરવી પડે છે. બીજી બાજુ અતિશય પરસેવાને કારણે લોહીમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને લોહી જાડું બની જાય છે. આવી સ્થિતિમાં નસોમાં બ્લડ-ક્લૉટ્સ જામવાનું જોખમ વધે છે જે નજીકના ભવિષ્યમાં હાર્ટ-અટૅક કે સ્ટ્રોકનું કારણ બની શકે છે. આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિ ગરમી અને ડીહાઇડ્રેશનથી પીડાતી હોય અને લાંબા સમય સુધી આડા પડી રહ્યા પછી અચાનક જ બેઠી કે ઊભી થાય ત્યારે તેનું બ્લડ-પ્રેશર એકાએક ખૂબ જ નીચું થઈ જાય છે, જેને મેડિકલ ભાષામાં ‘ઑર્થોસ્ટેટિક હાઇપોટેન્શન’ કહે છે. ગુરુત્વાકર્ષણને કારણે લોહી ઝડપથી પગ તરફ ધસી જાય છે અને મગજ સુધી પૂરતો ઑક્સિજન પહોંચતો નથી. આના કારણે આંખે અંધારાં આવી જાય છે અને વ્યક્તિ ચક્કર ખાઈને પડી જઈ શકે છે. વડીલો અને હાઈ બ્લડ-પ્રેશરની દવા લેતા લોકોમાં આ જોખમ ઘણું વધારે હોય છે.’


નાઇટ-ટાઇમ ડીહાઇડ્રેશન

રાતના સમયે થતા ડીહાઇડ્રેશન વિશે વાત કરતાં ડૉ. મહેશ કાપડિયા કહે છે, ‘ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે તેઓ AC કે પંખા નીચે સૂતા હોય છે એટલે તેમને પરસેવો નથી વળતો, પરંતુ વાસ્તવમાં બફારાને કારણે શરીર સતત અદૃશ્ય રીતે ભેજ ગુમાવે છે જેને કારણે નાઇટ-ટાઇમ ડીહાઇડ્રેશન થાય છે. જો સવારે ઊઠતી વખતે માથાનો દુખાવો થાય, ગળું અને મોં એકદમ સુકાયેલું લાગે, યુરિનનો રંગ ઘાટો પીળો હોય કે આંખો ભારે લાગે તો એ દર્શાવે છે કે તમારું બૉડી રાતે ડીહાઇડ્રેટ થયું હતું.’

આનાથી બચવા માટે ઘણા લોકો રાત્રે વધુ પાણી પીએ છે જેને કારણે મોડી રાત્રે અચાનક પેશાબ જવા માટે જાગવું પડે છે. ડૉ. મહેશ કાપડિયા ખાસ સલાહ આપતાં કહે છે, ‘બફારાને લીધે રાત્રે શરીરનું તાપમાન અને બ્લડ-પ્રેશર પહેલેથી જ અસંતુલિત હોય છે એટલે રાત્રે પેશાબ લાગતાં પથારીમાંથી ક્યારેય ઝટકા સાથે સીધા ઊભા થવું નહીં. અચાનક ઊભા થવાથી બ્લડ-પ્રેશર લો થઈ જાય છે અને પેશાબ ખાલી થવાની પ્રક્રિયા બ્લડ-પ્રેશરને હજી વધુ ડાઉન કરે છે. આનાથી બચવા માટે હંમેશાં પથારીમાં ધીમેથી પૉઝ લઈને જ ઊભા થવું જોઈએ, જેથી બ્લડ-પ્રેશર અને બૉડી-ટેમ્પરેચરને વાતાવરણ સાથે ઍડ્જસ્ટ થવાનો પૂરતો સમય મળે.’

મેન્ટલ ફટીગ

બફારાને કારણે માનસિક થાક અનુભવાય છે અને જો એના પર ધ્યાન ન અપાય તો ભવિષ્યમાં ગંભીર બીમારીમાં પરિણમે છે એમ જણાવતાં ડૉ. મહેશ કાપડિયા કહે છે, ‘રાતના સમયે થતા અજંપા અને અધૂરી ઊંઘની સીધી અસર મગજ પર થાય છે. જ્યારે બફારાને કારણે રાત્રે વારંવાર ઊંઘ ઊડી જાય ત્યારે શરીર અંદરથી સ્ટ્રેસ અનુભવે છે. આ સ્થિતિમાં કૉર્ટિસોલ જેવાં સ્ટ્રેસ હૉર્મોન્સ વધી જાય છે જે હૃદયના ધબકારાને સામાન્ય થવા દેતાં નથી. બીજી બાજુ ઊંઘ લાવવા માટે જવાબદાર મેલૅટોનિન હૉર્મોનનું સ્તર ઘટી જાય છે. હૉર્મોન્સના આ અસંતુલનને કારણે બીજા દિવસે વ્યક્તિ મેન્ટલ ફટીગ અનુભવે છે, જેમાં ભારે ચીડિયાપણું અને એકાગ્રતાનો અભાવ જોવા મળે છે. જો આ સિલસિલો લાંબા સમય સુધી રહે તો ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન અને ક્રોનિક અનિદ્રા જેવી ગંભીર માનસિક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે’

બફારા સામે લડવાના લાઇફસ્ટાઇલ હૅક્સ

રાતના ભોજનમાં એકદમ હળવો ખોરાક જેમ કે ખીચડી, દૂધ અથવા દાળ-ભાત જ લેવાં. મસાલેદાર, તળેલો કે હાઈ-પ્રોટીન ખોરાક પચાવવામાં શરીરે વધુ ઊર્જા વાપરવી પડે છે. એનાથી શરીરની અંદરની ગરમી વધે છે અને બફારો વધુ હેરાન કરે છે. રાત્રે ચા કે કૉફીનું સેવન બિલકુલ ન કરવું. એ ડીહાઇડ્રેશન વધારે છે.

સૂવાના અડધા કલાક પહેલાં સામાન્ય અથવા નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ. આનાથી ત્વચાના પૉર્સ ખૂલે છે અને શરીરનું તાપમાન ઝડપથી નીચું આવે છે.

જેમના ઘરે AC નથી તેઓ રૂમને કુદરતી રીતે ઠંડી રાખવા માટે પંખાની નીચે અથવા એની સામેના ભાગમાં એક મોટા વાસણમાં બરફના ટુકડા અથવા ઠંડું પાણી મૂકી શકે છે. પંખાની હવા આ બરફ સાથે ટકરાઈને ઠંડી આવશે અને રૂમનો બફારો ઓછો થશે. આ ઉપરાંત રૂમની બારી પર સુતરાઉ ભીનું કપડું અથવા ભીની ચાદર લટકાવવાથી બહારથી આવતી હવા ઠંડી થઈને રૂમમાં પ્રવેશશે. હંમેશાં પ્યૉર કૉટનનાં નાઇટવેઅર અને કૉટનની ચાદર જ વાપરવાં.

મોટી ઉંમરના વડીલો તથા હાઈ બ્લડ-પ્રેશરના અને ડાયાબિટીઝના દરદીઓમાં શરીરનું તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા નબળી હોય છે. તેમણે ઉનાળામાં પોતાની દવાઓ નિયમિત લેવી જોઈએ. શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સંતુલન જાળવવા માટે દિવસ દરમ્યાન લીંબુપાણી, નારિયેળપાણી કે ORS લેતા રહેવું.

ક્વિક નાઇટ-ટિપ્સ

રાત્રે પાણી પીવા માટે વારંવાર ઊભા થઈને ચાલવું ન પડે એ માટે પલંગની બાજુમાં જ માટલાનું પાણી રાખવું.

રાત્રે પેશાબ કરવા કે સવારે જાગીને પથારીમાંથી ઊભા થતાં પહેલાં બેઠા-બેઠા જ પગના પંજાને થોડા ગોળ ફેરવો. આનાથી લોહીનું પરિભ્રમણ સુધરશે અને બ્લડ-પ્રેશર તરત જ સંતુલિત થઈ જશે જેથી ચક્કર નહીં આવે.

રાત્રે અચાનક ગરમી લાગે તો પણ ફ્રિજનું એકદમ ઠંડું પાણી ન પીવું. એ હાર્ટ-રેટ અને નર્વસ સિસ્ટમ પર અચાનક લોડ વધારે છે. માટલાનું પાણી જ સર્વશ્રેષ્ઠ છે.

સૂતા પહેલાં પગનાં તળિયાં ધોઈ એને કોરાં કરીને સહેજ કાંસાની વાટકીથી અથવા હાથથી ઘસવાં. આ આયુર્વેદિક હૅકથી શરીરની આંતરિક ગરમી શાંત થાય છે અને બફારામાં પણ જલદી તથા ગાઢ ઊંઘ આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 01:27 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK