હવામાન ખાતાએ જણાવ્યા અનુસાર મુંબઈમાં આ વર્ષનો મે મહિનો છેલ્લાં ૩ વર્ષમાં સૌથી ડ્રાય રહ્યો હતો
વડાલામાં સારો વરસાદ નોંધાતાં રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં. કાંદિવલીના ઠાકુર વિલેજમાં સવારે જૉગિંગ કરવા નીકળેલા લોકોને ભીના રસ્તા સાથે વરસાદનું સરપ્રાઇઝ મળી હતી. તસવીર: સતેજ શિંદે
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાથી તોબા પોકારી ગયેલા નાગરિકો માટે રવિવારની સવાર રાહતના સમાચાર લઈને આવી હતી. મુંબઈ શહેર અને ઉપનગરોના અનેક વિસ્તારોમાં રવિવારે વહેલી સવારે હળવાં ઝાપટાં પડ્યાં હતાં, જ્યારે અમુક વિસ્તરોમાં સવારે ૬ વાગ્યાથી ૯ વાગ્યા સુધી મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. પ્રી-મૉન્સૂન વરસાદને કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. ઈસ્ટર્ન સબર્બમાં સરેરાશ પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વેસ્ટર્ન સબર્બ્સમાં સરેરાશ બે મિલીમીટર વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે જ સાયન-પનવેલ હાઇવે પર એક માર્ગઅકસ્માત થવાને કારણે વાશી તરફ જતા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મુસાફરોને ભારે ટ્રાફિક જૅમનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
મુંબઈનો છેલ્લાં ૩ વર્ષનો સૌથી ડ્રાય મે મહિનો
હવામાન ખાતાએ જણાવ્યા અનુસાર મુંબઈમાં આ વર્ષનો મે મહિનો છેલ્લાં ૩ વર્ષમાં સૌથી ડ્રાય રહ્યો હતો. આ વર્ષે મે મહિનામાં છેલ્લાં ૩ વર્ષની સરખામણીએ ઓછો વરસાદ પડ્યો હતો. પ્રી-મૉન્સૂન વરસાદને ગણતા શહેરમાં ફક્ત આખા મહિનામાં ૮.૮ મિલીમીટર વરસાદ પડ્યો હતો, જ્યારે ૨૦૨૫માં મે મહિનામાં ૩૯૫ મિલીમીટર અને ૨૦૨૪માં ૨૧.૩ મિલીમીટર વરસાદ પડ્યો હતો. ૨૦૨૫માં મે મહિનામાં પડેલો વરસાદ છેલ્લાં ૧૦૭ વર્ષમાં સૌથી વધુ હતો.
મુંબઈ-થાણે માટે યલો અલર્ટ જાહેર
મુંબઈ, રાયગડ, થાણે અને પાલઘર માટે હવામાન ખાતાએ યલો અલર્ટ જાહેર કરી છે. આગામી ૩ દિવસ સુધી કડાકાભડાકા સાથે હળવા વરસાદની અને ઝડપી પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ બે દિવસ એટલે કે ચોથી અને પાંચમી જૂને મધ્યમ વરસાદ પડશે એવી હવામાન ખાતાની આગાહી છે.
પુરુષોત્તમ માસની પૂર્ણિમાનું પવિત્ર સ્નાન

હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસનું વિશેષ મહત્ત્વ છે અને એમાં પણ પુરુષોત્તમ માસની પૂર્ણિમાએ નદી-તળાવમાં સ્નાનનું એના કરતાં પણ વધુ મહત્ત્વ હોય છે. રવિવારે અધિક મહિનાની પૂનમે મહિલાઓએ સાઉથ મુંબઈમાં આવેલા બાણગંગા તળાવમાં સ્નાન કરીને પોતાના પરિવારની રક્ષાની, કલ્યાણની તેમ જ ઈશ્વર અને પિતૃઓ પાસેથી આશીર્વાદની પ્રાર્થના કરી હતી. કહેવાય છે કે કોઈ કાણાવાળા વાસણમાંથી પાણી રેડીને નહાવામાં આવે તો વાસણમાં જેટલાં કાણાં હોય એટલી નદીમાં નહાવાનું પુણ્ય મળે છે. એટલે અનેક મહિલાઓએ ચારણીમાંથી એકબીજા પર પાણી નાખીને નદીઓમાં નહાવાનો લહાવો લિધો હતો તેમ જ ‘આંબુડુ... જાંબુડુ’ ગાઈને મહાદેવની પૂજા કરી હતી. તસવીર : આશિષ રાજે
