Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારા ગટ પાસે જ છે પોતાનો હાઉસકીપર

તમારા ગટ પાસે જ છે પોતાનો હાઉસકીપર

Published : 16 September, 2025 04:28 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આપણા ગટની એટલે કે આંતરડાની પોતાની એક સેલ્ફ-ક્લીનિંગ સાઇકલ હોય છે, જેને માઇગ્રેટિંગ મોટર કૉમ્પ્લેક્સ કહેવાય છે. આ એક નૅચરલ પ્રોસેસ છે જે આપણા ગટમાંથી ગંદકી સાફ કરીને શરીર માટે ઇન્ટરર્નલ હાઉસકીપર તરીકે કામ કરે છે

તમારા ગટ પાસે જ છે પોતાનો હાઉસકીપર

તમારા ગટ પાસે જ છે પોતાનો હાઉસકીપર


આપણે અવારનવાર એ વિશે વાત કરતા હોઈએ છીએ કે ડાયટમાં કયા-કયા ખાદ્યપદાર્થનો સમાવેશ કરવો જોઈએ જેથી આપણું પાચન અને સંપૂર્ણ સ્વાસ્થ્ય સારું રહે. ઘણી વાર હેલ્ધી ડાયટ લીધા પછી પણ પાચનપ્રક્રિયા સરખી રીતે કામ કરતી નથી. એનું કારણ માઇગ્રેટિંગ મોટર કૉમ્પ્લેક્સ (MMC)નું આપણા શરીરમાં સરખી રીતે કામ ન કરવું પણ હોઈ શકે. આપણા શરીરમાં કુદરતી રીતે થતી આ પ્રક્રિયા શું છે? એનું મહત્ત્વ શું છે? એ સારી રહે એ માટે શું કરી શકાય? આ તમામ સવાલો વિશે ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર પાસેથી તેમના જ શબ્દોમાં માહિતી મેળવી લઈએ.


MMC એટલે શું?



માઇગ્રેટિંગ મોટર કૉમ્પ્લેક્સ આપણા પાચનતંત્રની સફાઈ-સિસ્ટમ છે. આંતરડાની દીવાલોમાં સ્મૂધ મસલ્સ હોય છે, જે લહેરની જેમ સંકોચાય છે અને ઢીલા પડે છે. એને કારણે ન પચેલો પદાર્થ, હાનિકારક બૅક્ટેરિયા અને અન્ય અવશેષો આગળ ધકેલાઈને આંતરડામાંથી સાફ થઈ જાય છે. આંતરડા (ગટ)ને આપણું બીજું મગજ કહેવામાં આવે છે. ૮૦થી ૮૫ ટકા સુધી બીમારી ખરાબ ગટને કારણે ઉદ્ભવતી હોય છે. એટલે ગટને સારું રાખવું ખૂબ જરૂરી છે અને એ માટે MMCથી સારો હાઉસકીપર કોઈ બની ન શકે. હાઉસકીપરનું કામ એ હોય છે કે એ તમારા ઘરમાં કચરો ભેગો થવા ન દે, ઘરની સફાઈ કરીને એને ચોખ્ખું રાખે. એવી જ રીતે MMCનું ગટમાં મુખ્ય કામ આ જ હોય છે. MMCની સાઇકલ દોઢથી બે કલાકની હોય છે. બે મીલ વચ્ચેના સમયગાળામાં આપણા શરીરમાં આ પ્રક્રિયા થતી હોય છે. એટલે જ ડાયટિશ્યન હંમેશાં એવી સલાહ આપતા હોય કે બે મીલ વચ્ચે ઓછામાં ઓછો ત્રણ કલાકનો સમય રાખવો જોઈએ. આ સમયગાળામાં MMC પૂર્ણ ક્ષમતામાં કામ કરતું હોય છે.


MMCમાં ગરબડ થવાથી શું થાય?

MMC સરખી રીતે કામ ન કરે તો જૂના ફૂડ પાર્ટિકલ્સ અને બૅક્ટેરિયા ગટમાં રહી જાય છે, પરિણામે SIBO એટલે કે સ્મૉલ ઇન્ટેસ્ટાઇનલ બૅક્ટેરિયલ ઓવરગ્રોથનું જોખમ વધી જાય છે. એને કારણે ગૅસ, બ્લોટિંગ, ડાયેરિયા, કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. MMCમાં ગરબડ હોય તો ભોજન પૂરી રીતે પચતું નથી અને પોષક તત્ત્વોનું ઍબ્સૉર્પ્શન સરખી રીતે થઈ શકતું નથી. MMC સરખી રીતે કામ કરતું હોય તો પેટ સરખી રીતે રીતે સાફ થઈ જાય અને નવું ભોજન સરખી રીતે પચે છે. પોષક તત્ત્વો આંતરડામાંથી સરખી રીતે ઍબ્સૉર્બ થાય છે. જો MMC સરખી રીતે કામ ન કરે તો જૂનું ભોજન અને બૅક્ટેરિયા નાના આંતરડામાં જમા રહે છે. ભોજન સરખી રીતે પચતું નથી અને અધપચેલું ભોજન પેટમાં રહી જાય છે. એને કારણે ગૅસ, પેટ ફૂલવું જેવી સમસ્યાની સાથે પોષક તત્ત્વોનું ઍબ્સૉર્પ્શન પણ ઘટી જાય છે. જો તમારા શરીરમાં MMC સરખી રીતે કામ ન કરે તો બૅડ બૅક્ટેરિયા વધી શકે. ઘણી વાર અમુક લોકો વારેઘડીએ માંદા પડી જતા હોય છે. એનું એક કારણ એ પણ હોય છે કે તેમના બૅડ બૅક્ટેરિયા ગુડ બૅક્ટેરિયા કરતાં વધી જતા હોય છે. એને કારણે તેમને પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ જતી હોય છે. MMC સરખી રીતે કામ ન કરે તો પેટમાં ખરાબ બૅક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે, વેસ્ટ યોગ્ય સમયે નીકળતો નથી, આંતરડાંઓ સંવેદનશીલ થઈ જાય છે, પાચન અનિયમિત થઈ જાય છે, જેનાથી IBS એટલે કે ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમની સમસ્યા થઈ શકે છે.


MMC સરખું ચાલે એ માટે શું કરશો?

પાચનતંત્રની સફાઈની પ્રક્રિયા સરખી રીતે થાય અને આંતરડાંઓ સ્વસ્થ રહે એ માટે શરીરમાં MMCની પ્રક્રિયા સરખી રીતે થવી ખૂબ જરૂરી છે. એ માટે આપણે ડાયટ અને લાઇફસ્ટાઇલમાં કેટલાક બદલાવ કરીને એને સપોર્ટ કરી શકીએ છીએ.

કઈ રીતે ખાવું?

ઘણા લોકો એવા હોય છે જેમને દર કલાકે કંઈ ને કંઈ ખાવાની આદત હોય છે. MMCને મજબૂત બનાવવા માટે સૌથી પહેલાં તો આ આદત છોડવી પડશે. તમારા બે મીલ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ કલાકનું તો અંતર હોવું જ જોઈએ. તમે વારંવાર પેટમાં કંઈ ને કંઈ નાખતા રહેશો તો MMCની પ્રક્રિયા સરખી રીતે થઈ નહીં શકે. આંતરડામાં જે ગંદકી છે એ સરખી રીતે સાફ નહીં થઈ શકે. એને કારણે બ્લોટિંગ, કબજિયાત જેવી બીજી પાચન સંબંધિત બીમારીઓ થશે. પાચનની શરૂઆત મોઢાથી થાય છે. જ્યારે આપણે ભોજન સરખી રીતે ચાવીને ખાઈએ છીએ તો લાળ એમાં ભળીને કાર્બોહાઇડ્રેટ્સને તોડવા લાગે છે. આપણે જલદી-જલદી ખાઈએ અને ભોજનને સરખી રીતે ન ચાવીએ તો પેટ અને આંતરડાંઓ પર વધુ દબાવ પડે છે અને પાચનમાં ગરબડ થઈ શકે છે. એટલે તમે જેટલું સરખી રીતે ચાવીને ખાશો એટલું જ પાચન અને MMC પણ સરખી રીતે કામ કરશે. એવી જ રીતે ઓવરઈટિંગ કરવાથી બચવું જોઈએ. જરૂરિયાતથી વધારે ખાવાનું ખાવાથી પેટ પર બોજ વધે છે અને MMC સરખી રીતે કામ કરી શકતું નથી. એટલે જેટલી ભૂખ હોય એટલું જ ખાવું જોઈએ. ઘણા લોકોને મોટા કોળિયા ખાવાની આદત હોય છે. એને કારણે પણ ભોજન સરખી રીત ચવાતું નથી. અડધો ચવાયેલો ખોરાક પેટમાં પહોંચે તો પાચનતંત્ર પર ભાર વધી જાય છે.

લાઇફસ્ટાઇલમાં બદલાવ

જમ્યા પછી તમે વજ્રાસન કરો તો એનાથી પણ ફાયદો મળે. વજ્રાસનમાં બેસવાથી પેટ અને આંતરડાંઓ પર હળવો દબાવ બને છે, જેનાથી ભોજન નીચેની તરફ સરળતાથી સરકે છે. આ આસન પેટની માંસપેશીઓ અને MMC કૉન્ટ્રૅક્શન (આંતરડાંઓની ચાલ)ને કુદરતી રીતે સક્રિય કરે છે. તમે જમ્યા પછી દસ મિનિટ માટે વૉક કરો તો પણ MMCને સપોર્ટ મળે છે. MMCને સારું રાખવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. આપણે સૂતા હોઈએ ત્યારે શરીરને આરામ મળે છે. એ સમયગાળા દરમિયાન પેટમાં ખોરાક, પાણી કંઈ જતું નથી. એટલે MMC એની સફાઈની પ્રક્રિયાને અસરકારક રીતે કરી શકે છે.

શું વધારે ખાવું?

MMC સરખી રીતે કામ કરી શકે એ માટે શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય એ ખૂબ જરૂરી છે. આ પ્રક્રિયા દરમિયાન પેટ અને નાના આંતરડાની માંસપેશીઓ ફૂડ ડેબ્રી અને બૅક્ટેરિયાને મોટા આંતરડા તરફ ધકેલે છે. જો શરીરમાં પાણી ઓછું હશે તો આ મૂવમેન્ટ ધીમી પડી શકે છે. MMC સરખી રીતે કામ કરી શકે એ માટે ફાઇબરથી ભરપૂર ખોરાક લેવો ખૂબ જરૂરી છે. ફાઇબર પેટ અને આંતરડામાં બલ્ક પેદા કરે છે અને જેમ સિન્ક ચોક થવા પર ડ્રેનેજ-ક્લીનર ગંદકી કાઢી નાખે છે એવી જ રીતે ફાઇબર આંતરડામાં જમા થયેલી ગંદકી, અપાચ્ય ભોજન, ટૉક્સિન્સ સાફ કરવામાં મદદ કરે છે. પૂરતા પ્રમાણમાં ફાઇબર લેવાથી MMC પ્રભાવી રીતે કામ કરી શકે છે અને આંતરડાની સફાઈ સરખી રીતે થઈ શકે છે. અહીં એનું ખાસ ધ્યાન રાખવું કે ફાઇબર અને પાણી બન્ને સાથે લેવું ખૂબ જરૂરી છે. ફક્ત ફાઇબર ખાવાથી પૂરો ફાયદો નથી મળતો, કારણ કે ફાઇબર પાણીને શોષીને જ આંતરડામાં ફૂલાય છે અને જેલી જેવો પદાર્થ બનાવે છે. એનાથી મળ નરમ થાય છે અને આંતરડામાં માંસપેશીઓની સંકોચાવાની અને ઢીલી પડવાની ક્રિયા સહજ રીતે થઈ શકે છે. જ્યારે ગટ-મોબિલિટી એટલે કે આંતરડાંઓની ગતિશીલતા સારી રહે ત્યારે જ MMC એનું સફાઈકામ સરખી રીતે કરી શકે છે. એ સિવાય તમે પ્રોસેસ્ડ ફૂડ એટલે કે જે પણ વસ્તુ પૅકેટ્સ, બૉક્સ અને બૉટલ્સમાં પૅક થઈને આવે છે એ વધુ ખાશો તો તમારી MMCની કાર્યક્ષમતા એટલી ઘટશે. 

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2025 04:28 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK