ઇન્ફોસિસ અને રિલાયન્સે ફૉરેક્સ ટ્રેડિંગમાં AI સૉફ્ટવેર બનાવ્યું હોવાની જાહેરાત ફેસબુક પર જોઈને નવી મુંબઈના ૭૬ વર્ષના રહેવાસી શૅરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ગયા અને મુંડાયા
નારાયણ મૂર્તિ, મુકેશ અંબાણી
ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ અને રિલાયન્સના મુકેશ અંબાણીએ ભારતીયોને ફૉરેક્સ ટ્રેડિંગમાં નફો મેળવવામાં મદદ કરવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સૉફ્ટવેર બનાવ્યું હોવાની જાહેરાત ફેસબુક પર જોઈને વાશીના સેક્ટર સાતમાં રહેતા ૭૬ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝને શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં ૧,૧૨,૦૫,૦૧૨ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ક્વૉન્ટમ કૅપિટલના સિનિયર ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર તરીકે ઓળખ આપીને ગઠિયાઓએ દુબઈની એક મોટી કંપનીમાંથી સેવાનિવૃત્ત થયેલા સિનિયર સિટિઝન પાસેથી ઑક્ટોબર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ દરમ્યાન સતત ૬ મહિના સુધી પૈસા પડાવ્યા હતા. દરમ્યાન હાલમાં નફો અને ઇન્વેસ્ટમેન્ટ કરેલા પૈસા પાછા મેળવવા જતાં છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

