Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વજન ન વધવાની ચિંતા કરવાવાળા પણ હોય છે

વજન ન વધવાની ચિંતા કરવાવાળા પણ હોય છે

Published : 30 June, 2025 11:44 AM | Modified : 01 July, 2025 07:02 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ઘણા લોકોને એ‍વી ફરિયાદ હોય છે કે હું સરખી રીતે ભોજન કરું છું અને પૌષ્ટિક આહાર ખાઉં છું છતાં મારું વજન વધતું નથી. આજે એની પાછળ રહેલાં વિવિધ કારણો અને ડાયટમાં કઈ રીતના ફેરફાર કરીએ તો મદદ મળી શકે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કૉમેડિયન ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચિયાએ થોડા સમય પહેલાં જ એવું કહ્યું હતું કે તેનું વજન ઝડપથી ઘટી રહ્યું હતું ત્યારે તેણે એક આયુર્વેદિક ડૉક્ટરની સલાહ માની હતી અને એનાથી તેને ફાયદો પણ થયો હતો. આયુર્વેદિક ડૉક્ટરે તેને સવારે ખાલી પેટે બે ટીસ્પૂન નવશેકું ઘી ખાવાની અને ગરમ પાણીમાં સત્તુ પાઉડર નાખીને પીવાની સલાહ આપી હતી. આમ કરવાથી તેને સવારમાં જ ૩૦૦થી ૩૫૦ કૅલરી મળી જતી હતી, જેને કારણે હાઈ મેટાબોલિઝમ હોવા છતાં વજન મેઇન્ટેઇન રહેતું હતું. આવા ઘણા લોકો હોય છે જેઓ પેટ ભરીને ગમે એટલું ખાય છતાં તેમનું વજન ક્યારેય વધતું નથી અને એ લોકો અન્ડરવેઇટ જ રહે છે. આની પાછળ કયાં કારણો હોઈ શકે? ડાયટમાં કઈ વસ્તુ ઉમેરીએ તો વજન જાળવી રાખવામાં કે વધારવામાં મદદ મળી શકે? એ વિશે પચીસ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન મેઘના પારેખ શેઠ અને ૧૬ વર્ષનો અનુભવ ધરાવતાં આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. જૈના પટવા પાસેથી જાણીએ.


...તો વજન વધે



ઘણા લોકો એવા હોય છે કે તેઓ ગમે એટલું ખાય તો પણ તેમનું વજન વધે નહીં. એની પાછળ ઘણાં કારણો હોય છે. એક તો હાઈ BMR એટલે કે બસલ મેટાબોલિક રેટ. BMR એટલે તમારા શરીરને આરામની સ્થિતિમાં જીવતા રહેવા માટે જેટલી ઊર્જા (કૅલરી) જોઈએ એ. જેમનો BMR હાઈ હોય તેમનું શરીર આરામની સ્થિતિમાં પણ વધુ કૅલરી બર્ન કરે છે એટલે કે કોઈ એક્સરસાઇઝ કર્યા વગર ફક્ત શ્વાસ લેવો, હૃદય ધબકવું, વિચારવું, પચાવવું અને અન્ય અવયવોનાં કામમાં જ શરીર ઘણી એનર્જી ખર્ચ કરી નાખે છે. ખોરાકમાંથી મળતી કૅલરી શરીર જ યુઝ કરી નાખતું હોવાથી એક્સ્ટ્રા કૅલરી બચતી નથી જે ફૅટ અને મસલ્સરૂપે જમા થઈ શકે. એને કારણે વજન વધારવામાં મુશ્કેલી થાય છે. એવી જ રીતે જેમનો BMR ઓછો હોય તેમને વજન વધવાનું જોખમ વધુ હોય છે, કારણ કે શરીર ઓછી કૅલરી બર્ન કરે છે. એને કારણે બચેલી કૅલરી શરીર ફૅટરૂપે જમા કરે છે. એવી જ રીતે હાઈ લેવલ NEAT એટલે કે નૉન-એક્સરસાઇઝ ઍક્ટિવિટી થર્મોજિનેસિસ પણ વજન ન વધવા પાછળ જવાબદાર હોય છે. NEAT એ એનર્જી છે જે આપણે વગર એક્સરસાઇઝે પણ રોજબરોજની નાની-નાની ઍક્ટિવિટી જેમ કે ઊઠવું-બેસવું, ચડવું-ઊતરવું, હરવું-ફરવું, ચાલવું, બોલવું, વિચારવું વગેરે પર ખર્ચ કરીએ છીએ. ઘણા દૂબળા લોકો જાણતાં-અજાણતાં જ દિવસભર હલતા-ડૂલતા રહે છે, ચાલ-ચાલ વધુ કરે છે, રેસ્ટલેસ રહે છે એને કારણે એક્સ્ટ્રા કૅલરીઝ બર્ન થઈ જાય છે. ઘણી વાર અમુક મેડિકલ કન્ડિશનને કારણે પણ શરીરમાં મેટાબોલિઝમ ઝડપી થઈ જવાથી વજન વધતું નથી. જેમ કે હાઇપોથાઇરૉડિઝમ. આ એક એવી સ્થિતિ છે જેમાં થાઇરૉઇડ ગ્રંથિ જરૂરિયાતથી વધારે થાઇરૉઇડ હૉર્મોન (T3 અને T4) બનાવે છે. આ હૉર્મોન શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવી દે છે. ટાઇપ વન ડાયાબિટીઝમાં પણ ઝડપથી વ્યક્તિનું વજન ઘટવા લાગે છે. ટાઇપ વન ડાયાબિટીઝમાં શરીરનું પૅન્ક્રિયાસ ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે અથવા તો ખૂબ ઓછી માત્રામાં બનાવે છે. ઇન્સ્યુલિન એ હૉર્મોન છે જે લોહીમાંથી ગ્લુકોઝને શરીરની કોશિકાઓમાં લઈ જઈને ઊર્જામાં બદલે છે. ટાઇપ વન ડાયાબિટીઝમાં ઇન્સ્યુલિનની કમીથી શુગર કોશિકાઓ સુધી નથી પહોંચતી એટલે શરીરને ઊર્જા માટે પોતાનાં જ મસલ્સ અને ફૅટને બર્ન કરવાં પડે છે અને એને કારણે પણ વજન ઘટવા લાગે છે. શરીરમાં પોષક તત્ત્વોનું ઍબ્સૉર્પ્શન સરખી રીતે ન થાય તો વજન વધારવાનું મુશ્કેલ થઈ જાય છે. આને માલઍબ્સૉર્પ્શન કહેવામાં આવે છે. જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે ફક્ત એને પચાવવું પૂરતું નથી. શરીરે એમાંથી પોષક તત્ત્વોને ઍબ્સૉર્બ પણ કરવાં પડે છે જેથી એ લોહીમાં જઈને મસલ્સ, હાડકાં, દિમાગ અને શરીરના બાકી હિસ્સાઓ સુધી પહોંચી શકે. ઍબ્સૉર્પ્શનની પ્રક્રિયા સરખી રીતે ન થતી હોય તો વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, ફૅટ શરીરને યોગ્ય પ્રમાણમાં મળતાં નથી એટલે વજન વધતું નથી. માલઍબ્સૉર્પ્શનનાં ઘણાં કારણો હોઈ શકે - જેમ કે પાચનમાં ગરબડ, ગટ-ઇશ્યુ વગેરે. દરેક વ્યક્તિનું જિનેટિક બૉડી-સ્ટ્રક્ચર અલગ હોય છે. એમાંથી જે લોકો એક્ટોમૉર્ફ એટલે કે લીન બૉડીટાઇપ કહેવાય છે તેમની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે. તેમના શરીરનું બંધારણ પાતળું હોય છે, ચરબી અને માંસપેશીઓ બન્ને ઝડપથી નથી વધતી, BMR અને NEAT પણ હાઈ હોય છે.


શું કરી શકાય?

જો તમને કોઈ હેલ્થ-ઇશ્યુઝ નથી અને એમ છતાં તમારું વજન નથી વધતું તો ડાયટમાં અમુક વસ્તુઓ ઉમેરીને વજન વધારી શકો છો. આ પ્રકારના લોકોએ હાઈ કૅલરીવાળાં પોષણતત્ત્વોથી ભરપૂર ફૂડ લેવાં જોઈએ; જેમ કે કેળાં, પનીર, કઠોળ, ટોફુ, ડ્રાયફ્રૂટ્સ, પીનટ્સ, બટર, અવાકાડો, આમન્ડ બટર, મિલ્કશેક, ફ્રૂટ-જૂસ વગેરેનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. દિવસનાં ત્રણ મેજર મીલ એટલે કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વચ્ચે-વચ્ચે આ બધું ખાતા રહેવાનું. અહીં એ ધ્યાન રાખવું કે વેઇટ ગેઇન કરવા તમે હાઈ કૅલરીવાળું જન્ક-ફૂડ અને ડ્રિન્ક જેમ કે બર્ગર, વડાપાંઉ, ચિપ્સ, કોલ્ડ ડ્રિન્ક ખાઈ-પી લો તો ન ચાલે. ઘણા લોકો એમ વિચારે છે કે વજન વધારવા માટે જેટલી વધારે કૅલરી ખાઓ એટલું સારું; પણ ફક્ત કૅલરી પર ફોકસ કરવાને બદલે આપણે જે ફૂડ ખાઈ રહ્યા છીએ એમાંથી પ્રોટીન, હેલ્ધી ફૅટ્સ, કૉમ્પ્લેક્સ કાર્બ્સ, વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો જ તમારું વજન હેલ્ધી રીતે વધશે અને લાંબા ગાળે કૉલેસ્ટરોલ અને ડાયાબિટીઝ જેવી બીમારીનું જોખમ પણ નહીં રહે. એવી જ રીતે આવા લોકોએ સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ લેવી જોઈએ. એનાથી મસલ-માસ વધારવામાં મદદ મળે છે. જે પ્રોટીનરિચ ડાયટ તમે લઈ રહ્યા છો એ ફૅટ બનવાની જગ્યાએ મસલ્સ બનશે. હેલ્થી વેઇટ મેઇન્ટેઇન કરવું ખૂબ જરૂરી છે. જો શરીરનું વજન જરૂરિયાત કરતાં ઓછું હોય અને ન્યુટ્રિશનની કમી હોય તો વારંવાર બીમાર પડવું, નબળાઈ-થાક લાગવો, માંસપેશી-હાડકાં કમજોર થઈ જવાં જેવા પ્રૉબ્લેમ થાય; હાર્ટ, કિડની, લિવર જેવા અવયવો સરખી રીતે કામ ન કરી શકે. વજન વધારતી વખતે ફક્ત કેટલું વજન વધ્યું એ જોવાને બદલે બૉડી-કમ્પોઝિશન ચેક કરવું જોઈએ. તો જ તમને ખબર પડશે કે તમારું મસલ-માસ, ફૅટ-માસ, બોન-માસ અને પાણીની માત્રા કેટલી છે. ઘણા લોકો આમ દેખાવમાં પાતળા હોય, પણ તેમનામાં મસલ કરતાં ફૅટ વધુ હોય અને ઘણા લોકો આમ દેખાવમાં થોડા જાડા હોય પણ તેમનામાં ફૅટ ઓછી અને મસલ વધુ હોય. હેલ્ધી વેઇટ એને જ કહેવાય જેમાં તમારા શરીરમાં ફૅટ કરતાં મસલ વધુ હોય.


આયુર્વેદ શું કહે છે?

આયુર્વેદમાં અગ્નિનું ખૂબ મહત્ત્વ છે. એ સારો હોય અને પાચન બરાબર કરતો હોય તો શરીરને સરખી રીતે પોષણ મળે છે. એનાથી જ આપણી ધાતુઓને નરિશમેન્ટ મળે છે. આપણા શરીરમાં સાત ધાતુ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર હોય છે. આ સાતેય ધાતુની સરખા પ્રમાણમાં નિર્મિતિ થાય તો ઓજસની નિર્મિતિ થાય. એને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ સારી રહે. આયુર્વેદમાં મેદ ધાતુ એટલે કે ફૅટને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જો એ શરીરમાં ન બને તો નબળાઈ, હાડકાં-સાંધાની સમસ્યા, માનસિક અસ્વસ્થતા, ત્વચામાં શુષ્કતા જેવી સમસ્યાઓ થાય છે. ખાધા પછી પણ વજન નથી વધતું એવી ફરિયાદ કરતા લોકો સામાન્યપણે વાત પ્રકૃતિના હોય છે. કફ, વાત અને પિત્ત આ ત્રણ પ્રકૃતિ હોય છે. કફ પ્રકૃતિ એ હોય કે ઓછું ખાય તો પણ વજન વધતું જાય, પિત્ત પ્રકૃતિના લોકો વધારે જાડા પણ ન હોય અને વધારે પાતળા પણ ન હોય; જ્યારે વાત પ્રકૃતિના લોકો બહુ દૂબળા-પાતળા હોય. પ્રકૃતિ એવી જેને બદલવાનું આપણા હાથમાં નથી, પણ આપણે વાત પ્રકૃતિના હિસાબથી ખાવા-પીવાનું રાખીએ તો ફાયદો મળી શકે. વાતને બૅલૅન્સ કરવા માટે ઘી, દૂધ, અંજીર, બદામ, કાળી દ્રાક્ષ, કાજુ, મગદાળ, તુવેરદાળ, પનીર, સક્કરિયાં, ચોખા વગેરે ખાવું જોઈએ. વાત પ્રકૃતિના લોકોનો અગ્નિ એવો હોય કે તેમને ભૂખ લાગે તો બહુ લાગે, નહીંતર લાગે જ નહીં. તો એ અગ્નિને બેટર કરવા માટે આદું, હળદર, જીરું વગેરે ખાવાં સારાં. એ લોકોએ હંમેશાં ગરમ ભોજન લેવું જોઈએ અને વાસી ખાવાનું ટાળવું જોઈએ. એવી જ રીતે વજન ન વધવાની સમસ્યા હોય તેમણે કોઈ દિવસ પોતાનું ખાવાનું સ્કિપ ન કરવું જોઈએ. સાથે જ ખાવાનો એક ચોક્કસ સમય હોવો જોઈએ અને કોઈ પણ સમયે કંઈ પણ ખાઈ લેવાની આદત છોડવી જોઈએ. સ્ટ્રેસ નિયંત્રણમાં લાવવું પણ જરૂરી છે અને એ માટે તમે મેડિટેશન અને યોગ કરી શકો. વાત પ્રકૃતિના લોકોએ તલનું તેલ શરીર પર લગાવવું જોઈએ, જેથી તેમની માંસપેશીઓ મજબૂત થાય. વજન વધારવા માટે અશ્વગંધા નારાયણી કલ્પ પણ આપવામાં આવે છે જે પાચનશક્તિ સુધારે છે, ધાતુઓને પોષે છે, ઓજસ વધારે છે અને શરીરને ધીમે-ધીમે મજબૂત બનાવે છે. ‍તમારું શરીર જાડું છે કે પાતળું છે એના પર વધુ ફોકસ કરવાને બદલે તમારા શરીરમાં તાકાત બરાબર છેને એના પર ધ્યાન આપવું જોઈએ. આયુર્વેદ એમ કહે છે કે તમારામાં ત્રણ વસ્તુ એટલે કે તમે સમયસર વ્યવસ્થિત ખાઈ શકો છો, તમને ઊંઘ બરાબર આવે છે, તમારું પેટ સવારે સાફ આવે છે એ બરાબર છે તો તમારી હેલ્થ સારી છે. આજકાલની ફાસ્ટ લાઇફમાં લોકો શરીર-મનથી ભાગતા રહે છે. પરિણામે આપણા શરીરની ઊર્જા એમાં જ બધે ખર્ચાઈ જાય છે અને શરીરમાં મેદ બચતો જ નથી. એટલે જ દૈનિક જીવનમાં યોગ-મેડિટેશન કરવાની સલાહ આપવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 07:02 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK