Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ગૅસ અને બ્લોટિંગ જેવી સમસ્યાના કાયમી ઉપાય માટે શું કરશો?

ગૅસ અને બ્લોટિંગ જેવી સમસ્યાના કાયમી ઉપાય માટે શું કરશો?

Published : 01 April, 2026 01:19 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

અમુક લોકો ગૅસને બહાર આવતાં રોકે છે અથવા તો ગોળીઓ કે સોડા જેવાં પીણાં પીને ગૅસથી મુક્તિ ઇચ્છે છે, પરંતુ એના કાયમી ઉપાયો તરફ જવું જરૂરી છે. આજે જાણીએ કાયમી રીતે એનાથી છુટકારો કેવી રીતે મળી શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગૅસ કે વાછૂટ જેવી સમસ્યાઓ એટલી બધી વિકટ અને વ્યાપક બની ગઈ છે કે લોકોની દરરોજની તકલીફોમાં એનો સમાવેશ થઈ ગયો છે. એને લીધે શરીર અને પેટ સતત ફૂલેલું લાગ્યા કરે છે. આ તકલીફને કારણે ચાર માણસો વચ્ચે હાસ્યાસ્પદ બની જવાય છે. આવું થાય ત્યારે અમુક લોકો ગૅસને બહાર આવતાં રોકે છે અથવા તો ગોળીઓ કે સોડા જેવાં પીણાં પીને ગૅસથી મુક્તિ ઇચ્છે છે, પરંતુ એના કાયમી ઉપાયો તરફ જવું જરૂરી છે. આજે જાણીએ કાયમી રીતે એનાથી છુટકારો કેવી રીતે મળી શકે

કોઈ એક સામાન્ય માણસ દિવસમાં ૧૦-૨૦ વાર ગૅસ છોડે છે કે વાછૂટ કરે છે. આ એક નૅચરલ પ્રોસેસ છે. પાચન દરમ્યાન અમુક ગૅસ ઉત્પન્ન થાય છે જે કોઈ પણ રીતે શરીરની બહાર નીકળી જવા જરૂરી છે, પરંતુ સામાજિક રીતે આપણને આ પ્રક્રિયા શરમજનક લાગે છે. વળી વધુપડતી વાછૂટ ખરાબ પાચનની નિશાની છે. એટલે જો તમને કાયમી આ તકલીફ રહેવા લાગી હોય તો એનો ઉપાય અનિવાર્ય છે. કોઈ દિવસ ભારે જમ્યા હો અને ગૅસ થાય કે છોલે-રાજમા ખાધા હોય અને ગૅસ થાય તો ઠીક છે; પરંતુ રેગ્યુલર દિવસોમાં પણ તમને જમ્યા પછી ભારે લાગે, પેટ ફૂલેલું લાગે, સાંજ પડતાં બ્લોટિંગ લાગવા લાગે તો તમારે એના તરફ ધ્યાન આપવાની જરૂર છે. એમાં પણ અમુક કાયમી ઉપાયો છે જે કરવાથી આ સમસ્યા જડથી સમાપ્ત કરી શકાય છે.



જઠરાગ્નિ


આ સમસ્યાનું મૂળ પાચન સાથે સંકળાયેલું છે. આયુર્વેદની દૃષ્ટિએ વધુપડતી વાછૂટ પાછળ વાતની વિકૃતિ જવાબદાર હોય છે, ખાસ કરીને અપાન વાયુની એમ સમજાવતાં આયુર્વેદનિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘જ્યારે તમારા જઠરનો અગ્નિ અનિયમિત હોય કે નબળો હોય ત્યારે પાચન પર અસર પડે છે અને વાયુની સમસ્યા ઊભી થાય છે. આ અગ્નિ જ તમારું સર્વસ્વ છે. એ તમારી ઇમ્યુનિટીથી લઈને મગજના વિચારોની સ્પષ્ટતા સુધી બધા માટે જવાબદાર છે. આ અગ્નિ સ્થિર હોવો જોઈએ. જેને આપણે સમઅગ્નિ કહીએ છીએ જેને લીધે પાચન વ્યવસ્થિત રહે અને શરીરનો કચરો સમય પર બહાર નીકળે. જ્યારે અગ્નિ નબળો હોય ત્યારે શરીર ભારે લાગે, બ્લોટિંગ થાય અને આળસ આવે. જ્યારે આ અગ્નિ અનિયમિત હોય ત્યારે અમુક દિવસે વાંધો નથી આવતો, જ્યારે અમુક દિવસોમાં ખૂબ વધારે ગૅસ ઉત્પન્ન થાય છે. જ્યારે એ એકદમ તીક્ષ્ણ હોય ત્યારે ઍસિડિટી કે બળતરા થાય છે.’

બીજાં કારણો


જે લોકોની વાછૂટમાં વાસ આવે છે એનો અર્થ એ છે કે તેમને કબજિયાત છે. જે મળ શરીરની બહાર નીકળતો નથી એ મોટા આંતરડામાં પાછો જતો રહે છે જ્યાં મોટું આંતરડું એનું પાણી શોષી લે છે એટલે એ કઠણ બને છે અને એ મળ ફર્મેન્ટ થવા લાગે છે જેને લીધે એમાંથી દુર્ગંધ ધરાવતો ગૅસ નીકળે છે. આમ જો તમારી વાછૂટમાં ખૂબ વાસ આવતી હોય તો પાચન ઠીક કરવાની જરૂર ઘણી વધારે છે એમ સમજાવતાં ગૅસ અને બ્લોટિંગ પાછળનાં બીજાં કારણો વિશે વાત કરતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘અમુક લોકોને દૂધ પીવાને કારણે ગૅસ વધે છે. આવા લોકોએ દૂધ અને પનીર જેવી વસ્તુઓ છોડીને દહીં અને છાશ વાપરવાં. એ પણ દિવસે જ, રાત્રે એ ન લેવાં. ગૅસની તકલીફવાળા લોકો માટે છાશ ખરેખર અમૃત સાબિત થાય છે. છાશમાં પણ શેકેલું જીરું અને સિંધવ મીઠું ઉમેરીને પીવી. ગૅસની ગોળીઓ કે સોડા પીને એ ગૅસને સપ્રેસ ન કરો. એ તમને રાહત આપશે, પણ કાયમી નહીં. અગ્નિ જ્યાં સુધી રિપેર નહીં થાય ત્યાં સુધી તમને ગૅસ જેવી તકલીફમાં રાહત મળશે નહીં.’

જીરું-ધાણા અને વરિયાળીનું પાણી

આ જઠરાગ્નિને બૅલૅન્સ કરવામાં અતિ ઉપયોગી છે આપણા મસાલાઓ એમ સમજાવતાં ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ, સાંતાક્રુઝનાં યોગગુરુ હંસા યોગેન્દ્ર કહે છે, ‘ગૅસ અને બ્લોટિંગ માટે ખાસ કરીને જીરું, ધાણા અને વરિયાળી ખૂબ કામના મસાલાઓ છે. જીરું પાચક રસોનો સ્રાવ વધારે છે અને પિત્તના પ્રવાહને નિયંત્રિત રાખી શકે છે. ધાણા લિવરના કામમાં મદદરૂપ થાય છે. વરિયાળી પેટના સ્નાયુને ઠંડક આપે છે અને રિલૅક્સ રાખે છે. ત્રણેય મળીને તમારા પાચનને ઘણું પ્રબળ કરે છે. જ્યારે તમને હેવીનેસ લાગ્યા કરે ત્યારે દોઢ ગ્લાસ પાણીમાં જીરું, ધાણા અને વરિયાળીને સરખી માત્રામાં અડધી ચમચી લઈને એ પાણીને પાંચ-સાત મિનિટ સુધી ઉકાળો અને એ પાણી બપોરે અને રાત્રે જમતાં પહેલાં પીવું. આવું ત્રણેક અઠવાડિયાં સતત કરો. જો તમને જમ્યા પછી બ્લોટિંગ થતું હોય તો જમ્યા પછીના અડધા કલાક પછી એ પીવું. દિવસના બે નાના ગ્લાસ જેટલું આ સૉલ્યુશન પી શકાય. એનાથી વધુ ન પીવું.’

યોગનો કરો ઉપયોગ

અમુક યોગાસનો છે જે આ પરિસ્થિતિમાં ઉપયોગી છે. એ વિશે વાત કરતાં હંસા યોગેન્દ્ર કહે છે, ‘સવારે ઊઠીને ખાલી પેટે પવનમુક્તાસન કરો. એનાથી પેટ દબાય છે અને શરીરમાં ફસાઈ ગયેલો ગૅસ મુક્ત થાય છે. જમણા અને ડાબા પગને વારાફરતી છાતી સુધી લાવો અને બન્ને બાજુ ૧૦-૧૫ સેકન્ડ હોલ્ડ કરો. તમારો શ્વાસ એ સમયે નૉર્મલ રાખો. એ પછી થોડી કરોડરજ્જુને સ્ટ્રેચ કરો. જમી લીધા પછી વજ્રાસનમાં બેસો. એનાથી ઘણો ફાયદો થશે.’

ફક્ત શરીર જ નહીં, મન પણ કામ કરવું જરૂરી છે એમ જણાવતાં હંસા યોગેન્દ્ર કહે છે, ‘ગૅસ ફક્ત ખોરાકને કારણે નહીં, સ્ટ્રેસને કારણે પણ થાય છે. જો તમે સ્ટ્રેસમાં હો તો લોહી પાચન સુધી પહોંચતું નથી, શરીર એને પાચનથી વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. એનાથી બચવા અનુલોમ-વિલોમ પ્રાણાયામ દરરોજ પાંચ-સાત મિનિટ કરી શકાય જે નર્વસ સિસ્ટમને સપોર્ટ કરે છે અને પાચનનું ધ્યાન રાખવામાં મદદરૂપ છે.’

પાચનની એક પોતાની રિધમ છે. મોડામાં મોડું ૧૧ વાગ્યા પહેલાં સૂઈ જાઓ. સવારે વહેલા ઊઠો. દરરોજ ૩૦-૪૫ મિનિટ ચાલો. ગૅસ હોય તો એને તરત શરીરમાંથી કાઢો, એને દબાવો નહીં. જો ગૅસ ભરાયેલો રહેશે તો ઘણા રોગો તરફ તમને ધકેલશે. મણિપુર ચક્ર પાચન સાથે જોડાયેલું છે. જ્યારે પાચન સારું હોય ત્યારે વિચારો સારા રહે છે. ગૅસ ભરાઈ જાય ત્યારે વિચારો પણ મગજમાં ભરાઈ જતા હોય છે. ફૂડ, બ્રેથ અને લાઇફસ્ટાઇલ વચ્ચે ફરીથી હાર્મની ઊભી થશે ત્યારે આ તકલીફ જડથી દૂર થશે. પ્રકૃતિ સાથે એક બૅલૅન્સ બનાવો.

જમવામાં શું ધ્યાન રાખવું? 

યોગિતા ગોરડિયા પાસેથી જાણીએ કે જમવામાં શું ધ્યાન રાખીએ જેનાથી ગૅસ અને બ્લોટિંગને ટાળી શકાય...
• તમે જે ખોરાક લો છો એને સાચી રીતે ખાઈને આ સમસ્યાનો ઉપાય કરી શકાય. તમે જ્યારે ઝડપથી જમો છો ત્યારે ઘણી હવા પેટમાં જતી રહે છે. 
• એ સમયે બરાબર ચવાતું નથી એટલે આખો ખોરાક પેટમાં જઈને ગૅસ ઉત્પન્ન કરે છે. વ્યવસ્થિત ન ચાવેલા ખોરાક પર પાચક રસો પૂરી રીતે કામ નથી કરી શકતા એટલે એકદમ શાંતિથી જમો. 
• બની શકે તો નીચે બેસીને જમો. જો નીચે ન બેસાય તો કંઈ નહીં પરંતુ બેસીને જમો, ઊભા-ઊભા નહીં. 
• એક-એક કોળિયો ૨૦-૩૦ વખત ચાવીને ખાવો જોઈએ. આટલી વખત ચાવેલો ખોરાક મગજને સંકેત આપે છે કે હું વ્યવસ્થિત જમ્યો છું એટલે તમે ઓવરઈટિંગ પણ નથી કરતા. એ પણ ગૅસ થવાનું એક કારણ છે. 
• આમ ગૅસ ન થાય એ માટે વધુ પડતું ન ખાઓ. વળી એક જ સમયે ઘણીબધી ભારે થઈ જતી વસ્તુઓ ન ખાઓ. હળવું ભોજન જ લેવું. 
• વધુ પડતી ચા, કાર્બોનેટેડ ડ્રિન્ક્સ, આર્ટિફિશ્યલ ડ્રિન્ક્સ, માર્ગદર્શન વગર લીધેલાં પ્રોટીન-સપ્લિમેન્ટસ, મોડી રાતનું જમવાનું અગ્નિને ડિસ્ટર્બ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 01:19 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK