મહારાષ્ટ્ર સરકારે ગયા વર્ષે બે વર્ષના અંતરાલ બાદ નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ માટે રેડી રેક્નર દરમાં સરેરાશ ૩.૮૯ ટકાનો વધારો જાહેર કર્યો હતો
મહારાષ્ટ્ર સરકારના રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળે
અમેરિકા-ઈરાન યુદ્ધ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી વચ્ચેની જિયો-પૉલિટિકલ પરિસ્થિતિને ટાંકીને મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૬-’૨૭ માટે રાજ્યમાં રેડી રેક્નર દર યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે ગયા વર્ષે બે વર્ષના અંતરાલ બાદ નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ માટે રેડી રેક્નર દરમાં સરેરાશ ૩.૮૯ ટકાનો વધારો જાહેર કર્યો હતો.
મહારાષ્ટ્ર સરકારના રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળેએ ૩૧ માર્ચે જણાવ્યું હતું કે ‘૨૦૨૬-’૨૭ માટે સમગ્ર રાજ્યમાં તમામ સ્થળોએ દર સ્થિર રાખવામાં આવ્યા હોવાથી સામાન્ય નાગરિકનાં ખિસ્સાં પર કોઈ વધારાનો નાણાકીય ભાર નહીં પડે. વૈશ્વિક પરિસ્થિતિ અને બાંધકામ ક્ષેત્રમાં હાલની મંદીને ધ્યાનમાં લેતાં CREDAI જેવાં રિયલ એસ્ટેટ ડેવલપર સંગઠનોએ રાજ્ય સરકારને આ દરો સ્થિર રાખવાની વિનંતી કરી હતી તેમ જ સંબંધિત સૂચનો, વાંધાઓ અને વિનંતીઓ પર યોગ્ય રીતે વિચાર કર્યા પછી સરકારે બાંધકામ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે દરવધારાની ટકાવારી ‘શૂન્ય’ પર જાળવી રાખી છે. પ્રૉપર્ટી સંદર્ભેની ગ્રાઉન્ડ રિયલિટીને ધ્યાનમાં રાખીને બજારભાવ નક્કી કરવામાં આવ્યા છે.’
ADVERTISEMENT
રેડી રેક્નર દર શું છે?
રેડી રેક્નર દર એ મિનિમમ રેટ છે જેના આધારે સરકાર પ્રૉપર્ટીના વ્યવહાર પર રજિસ્ટ્રેશન-ફી અને સ્ટૅમ્પ-ડ્યુટી વસૂલ કરી શકે છે. એનો ઉપયોગ આવકવેરા માટે કૅપિટલ ગેઇનની ગણતરી કરવા માટે પણ થાય છે. રેડી રેક્નર દરો રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા મ્યુનિસિપલ કૉર્પોરેશનોને ચૂકવવાપાત્ર તમામ પ્રીમિયમ, ચાર્જ અને ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) દરો સાથે જોડાયેલા છે. મહારાષ્ટ્રમાં નાણાકીય વર્ષની શરૂઆતમાં આ દરો જાહેર કરવામાં આવે છે.
