પ્રયોગ ખાતર કોઈ પણ ડાયાબિટીઝના દરદી અને એક સામાન્ય વ્યક્તિ બન્નેને પગમાં જો ગરમ પાણી લગાડવામાં આવે તો ડાયાબિટીઝના દરદીને પાણી ગરમ છે એ ઓછું અનુભવાશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડાયાબિટીઝના દરદીઓ તેમની શુગર, ખાનપાનનું ધ્યાન રાખે એ બરાબર પણ સાથે તેમણે એમના પગનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ડાયાબિટીઝ જેને હોય તેમને એક તકલીફ હોય છે જેને કહેવાય છે ડાયાબેટિક ન્યુરોપથી. ચેતાતંત્રની નસો આખા શરીરમાંથી સંદેશાઓ મગજને પહોંચાડવાનું અને મગજના સંદેશાઓ બીજાં અંગો સધી પહોંચાડવાનું કામ કરે છે એ તંત્ર પર પણ ડાયાબિટીઝ અસર કરે છે. આ નસોનું સેન્સેશન બંધ થઈ જાય છે જેની શરૂઆત પગના પંજાથી થાય છે. જે વ્યક્તિને ડાયાબિટીઝ હોય તેને શરૂઆતમાં પગમાં ઝણઝણાટી ચાલુ થાય. પગમાં ખાલી ચડી ગયા પછી પગ જેવા સુન્ન થાય અને પછી જે ઝણઝણાટી અનુભવાય એવા પ્રકારની ઝણઝણાટી ડાયાબિટીઝના દરદીને પગમાં આવ્યા કરે. ધીમે-ધીમે એ ભાગમાંથી સેન્સેશન ઓછું થતું જાય એટલે કે પગમાં સંવેદનશીલતા ઘટતી જાય. પ્રયોગ ખાતર કોઈ પણ ડાયાબિટીઝના દરદી અને એક સામાન્ય વ્યક્તિ બન્નેને પગમાં જો ગરમ પાણી લગાડવામાં આવે તો ડાયાબિટીઝના દરદીને પાણી ગરમ છે એ ઓછું અનુભવાશે.
ડાયાબિટીઝના દરદીને પગમાં જો કોઈ ઘાવ થાય તો સેન્સેશન ઓછું હોવાને કારણે તરત ખબર પડતી નથી. મારા અમુક દરદીઓને તો ઘાવમાં પસ થઈ જાય, પગની હાલત ખૂબ જ ખરાબ હોય પરંતુ તેઓ કશું મહેસૂસ ન કરી શકે. વળી એટલો જ પ્રૉબ્લેમ જ્યારે એનો ઇલાજ કરવામાં આવે ત્યારે થાય છે કારણ કે દવા લોહી મારફત ઘાવ સુધી પહોંચે છે. જો લોહી જ આ અંગ સુધી ઓછું પહોંચતું હોય તો દવા પણ એટલી ઓછી જ મળે. આમ ડાયાબિટીઝના દરેક દરદીની રિકવરીમાં પણ સમય લાગે છે. અમુક દરદીઓ સાથે એવું પણ બને છે કે તેમનાં શૂઝમાં કાંકરો હોય પણ તેમને અહેસાસ ન થાય. તેથી એ કાંકરો ૧૦ દિવસથી પણ વધુ શૂઝની અંદર જ હોય જે વાગ્યા કરવાને લીધે પગમાં ઘાવ થાય, એ પાકી જાય પછી કશું દેખાય ત્યારે દરદીને ખબર પડે કે મને પગમાં કંઈ થયું છે.
ADVERTISEMENT
ડાયાબિટીઝના દરદીને ગૅન્ગ્રીન થઈ શકે છે. એના ઇલાજ સ્વરૂપે જે ભાગમાં ગૅન્ગ્રીન થયું હોય એ ભાગ અને એને લાગેલો બીજો થોડો સારો ભાગ પણ કાપી નાખવામાં આવે છે. જો ડાયાબિટીઝના દરદી તેનું શુગર-લેવલ કન્ટ્રોલમાં ન રાખે અને પગનું ધ્યાન ન રાખે તો એક વખત ગૅન્ગ્રીનથી અંગૂઠો કે આંગળી કપાઈ ગયા બાદ એ ફરી બીજી આંગળીઓમાં, એમાંથી ફેલાઈને પગના પંજામાં અને છેક પગ સુધી ફેલાઈ શકે છે જેમાં દરદીનો આખો પગ કાપવો પડે એવી અવસ્થા સર્જાઈ શકે છે. એટલે ડાયાબિટીઝ હોય તેમણે તેમના પગનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

