બાળકનું ડાયપર ચેન્જ કરવું એ એક મોટો ટાસ્ક છે. ઘણી વાર બાળકો હસતાં હોય, રમતાં હોય, છટકવાનો પ્રયાસ કરતાં હોય એની વચ્ચે પેરન્ટ ફટાકથી તેમનું ડાયપર બદલીને ઝડપથી પોતાનું કામ નિપટાવી દે છે.
પ્રતીકાત્મક તસવીર
ડાયપર બદલવાનું કામ એવું છે કે હંમેશાં ઉતાવળમાં જ થતું હોય, પણ ઑસ્ટ્રેલિયાના અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ રિસર્ચર્સ એવું કહી રહ્યા છે કે બાળકનું ડાયપર બદલતાં પહેલાં તેની કન્સેન્ટ એટલે કે મંજૂરી માગવી જોઈએ. આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગી શકે છે, પણ તેમના અનુસાર ડાયપર ચેન્જ કરતાં પહેલાં બાળક સાથે વાત કરવી જોઈએ, તેને કહેવું જોઈએ કે શું થવાનું છે અને થોડી સેકન્ડ રોકાઈને બાળકના ચહેરાના હાવભાવ અને બૉડી-લૅન્ગ્વેજ ઑબ્ઝર્વ કરવાં જોઈએ. એનાથી ખબર પડે છે કે બાળક શું અનુભવી રહ્યું છે. ડાયપર બદલવું ફક્ત સાફસફાઈનું કામ નથી, એનાથી પણ અનેકગણું મહત્ત્વનું કામ છે. એ વિશે આજે આપણે એક્સપર્ટ સાથે વાત કરીને ઊંડી સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ.
કન્સેન્ટ એટલે શું?
ADVERTISEMENT
બાળક બોલવાનું તો છે નહીં તો પછી તેની પાસેથી કન્સેન્ટ કેમ લેવી એવો પ્રશ્ન જો કોઈને થતો હોય તો એનો જવાબ આપતાં અર્લી ચાઇલ્ડહુડ એક્સપર્ટ ઍન્ડ પેરન્ટિંગ મેન્ટર સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘ડાયપર બદલતી વખતે બાળકની કન્સેન્ટ લેવાનો અર્થ એવો નથી કે બાળક તમને હા કે નામાં જવાબ આપે એની તમે રાહ જુઓ. કન્સેન્ટનો અર્થ એવો છે કે બાળક સાથે વાત કરવી, તેને સહજ અનુભવ કરાવવો અને તેને એ સમજ અપાવવી કે તેની સાથે શું થવાનું છે. આ ઉંમરમાં બાળકો બોલીને કન્સેન્ટ ન આપી શકે; પણ તેઓ અવાજ, સ્પર્શ, આંખોનો સંપર્ક અને ટોનથી ઘણું અનુભવી શકે છે. એટલે ડાયપર બદલવા જેવી રૂટીન વસ્તુમાં તેમને સંવેદનશીલ રીતે ઇન્વૉલ્વ કરવાં ખૂબ જરૂરી છે. જ્યારે તમારે બાળકનું ડાયપર ચેન્જ કરવું હોય ત્યારે અચાનક બદલવાનું સ્ટાર્ટ કરી દેવાને બદલે તેની આંખોમાં જુઓ, હસો અને તેને જણાવો કે હું તારું ડાયપર બદલવા જઈ રહી છું, એનાથી તને સારું લાગશે, હું હવે તારી નૅપી ખોલી રહી છું. આ પ્રકારની નાની-નાની વાતો બાળકને એ અનુભવ કરાવે છે કે મારી સાથે શું થઈ રહ્યું છે એ મને કહેવામાં આવી રહ્યું છે અને જે થઈ રહ્યું છે એ મારી ભલાઈ માટે છે. આનાથી બાળકમાં બૉડી-અવેરનેસ વિકસિત થાય છે. એટલે કે બાળક ધીમે-ધીમે સમજવા લાગે છે કે તેના શરીર સાથે શું થઈ રહ્યું છે અને કેમ. આનાથી તેનામાં ટ્રસ્ટ અને કમ્ફર્ટ વધે છે. બાળક અનુભવ કરે છે કે તેની કૅરગિવર વ્યક્તિ તેને અચાનક સ્પર્શ નથી કરતી, પણ હંમેશાં તેને પહેલાં જાણ કરે છે. આ અક્ષરશઃ મંજૂરીની વાત નથી, પણ બાળકને ઍક્ટિવિટી માટે મેન્ટલી તૈયાર કરવાની એક રીત છે. તેને યોગ્ય મૂડમાં લાવવું, તેને સેફ ફીલ કરાવવું અને રૂટીનને તેના માટે કમ્ફર્ટેબલ બનાવવું.’
માઇન્ડસેટમાં બદલાવ જરૂરી
આપણી વિચારસરણીમાં કયો બદલાવ લાવવો જરૂરી છે એ વિશે વાત કરતાં સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘આપણે ત્યાં સામાન્ય રીતે એવું જોવા મળે કે બાળક નાનું હોય ત્યારે ઘરમાં જે પણ આવે તે બાળકને સીધું ખોળામાં લઈને રમાડવા મંડે કે તેને ગાલ પર પપ્પી આપવા લાગે. આ વસ્તુ આપણને ભલે સામાન્ય લાગે પણ એ બાળકની બૉડી-બાઉન્ડરીઝને બાળપણથી જ કમજોર કરી દે છે, કારણ કે તેને એ મોકો જ નથી મળતો કે તે પોતાની સહજતા કે અસહજતા વ્યક્ત કરી શકે. કન્સેન્ટનો મતલબ હંમેશાં હા કે ના કહેવી નથી હોતો, એનો અર્થ એવો થાય કે જો હું તારા માટે કોઈ કામ કરી રહી છું, ભલે એ ડાયપર બદલવાનું હોય કે સ્તનપાન કરાવવાનું, અને તું એ સમયે ખુશ નથી, અસહજ છે અથવા એ વસ્તુ કરવા નથી ઇચ્છતું તો કૅરગિવર તરીકે મારી જવાબદારી છે કે હું કન્સેન્ટ મેળવવા માટે વધુ પ્રયત્નો કરું, તારી સાથે વાત કરું, તને સમજાવું કે આ વસ્તુ કઈ રીતે મદદ કરશે, પોતાની ટેક્નિક્સ બદલું, તને થોડો સમય આપું, પણ તારા ઉપર કોઈ વસ્તુ થોપવાનો પ્રયત્ન ન કરું. બાળકોને એ અનુભવ થવો જરૂરી છે કે તેની કમ્ફર્ટ અને તેનું શરીર તેના માટે મહત્ત્વપૂર્ણ છે. આ હૅબિટ જ આગળ જઈને બાળકમાં હેલ્ધી બાઉન્ડરીઝ અને પૉઝિટિવ ટચ અન્ડરસ્ટૅન્ડિંગનો પાયો નાખે છે. આપણે એવું માનીએ છીએ કે એ તો બાળક છે, તેના શરીર, તેની જરૂરિયાતો વિશે તેને શું ખબર પડે? એટલે આપણે તેને નવડાવવા માટે, તેને ખવડાવવા માટે સતત તેની પાછળ પડતા હોઈએ. જોકે એની જગ્યાએ આપણે આ બધી વસ્તુમાં તેને ઇન્વૉલ્વ કરવું જોઈએ. બાળકો જ્યારે આનો હિસ્સો બને ત્યારે તેમને એ જબરદસ્તી નથી લાગતી. ઊલટાની એ પેરન્ટ-ચાઇલ્ડ વચ્ચેની બૉન્ડિંગ ઍક્ટિવિટી બની જાય છે.’
પેરન્ટની ભૂમિકા
આમાં એક પેરન્ટની શું ભૂમિકા છે અને તેમણે કઈ રીતે કામ લેવું જોઈએ આ વિશે વાત કરતાં પેરન્ટિંગ કોચ ધૃતિ જોશી પટેલ કહે છે, ‘આપણને એમ લાગે કે બાળક તો કંઈ સમજવાનું છે નહીં તો તેની સાથે સાથ વાત કરીને શું ફાયદો? પણ એવું હોતું નથી. બાળક બધું સમજતું હોય છે. બાળકો શબ્દોનો અર્થ ભલે ન સમજે પણ તમારા અવાજનો ટોન, પોતાનાપણાની ભાવનાઓ સારી રીતે સમજી શકે છે. એટલે કપડાં બદલવાં, ખાવાનું ખવડાવવું, માલિશ કરવી, નવડાવવું આ બધાં ડેઇલી રૂટીનમાં જન્મથી જ બાળક સાથે એક અર્થપૂર્ણ સંવાદ કરવો ખૂબ જરૂરી છે. આ વસ્તુ જ આગળ જઈને તેમના વ્યક્તિત્વને આકાર આપે છે અને તેને પોતાના અને બીજાના ભાવ સમજવામાં મદદ કરે છે. આ કોઈ મુશ્કેલ કામ નથી, બસ પેરન્ટ્સ શરૂઆતથી જ બાળક સાથે વાત કરવાની આદત નાખે તો આ કામ આ ખૂબ સહજ બની જાય છે. બાળક સાથે ટૂંકા અને સરળ શબ્દોમાં વાત કરવી જોઈએ. શરૂઆતમાં યોગ્ય શબ્દો શોધવા મુશ્કેલ લાગી શકે, પણ જેમ-જેમ માતા-પિતા પોતાના બાળક સાથે ગ્રો કરે છે તેમ-તેમ સંવેદનશીલ સંવાદ કરવો વધુ સરળ થઈ જાય છે. બાળકો સાથે સંવાદ કરવાનો પહેલો નિયમ એ છે કે તેની આંખમાં જોઈને શાંત સ્વરમાં વાત કરવાની રીત તેને એ અનુભવ કરાવે છે કે તેને સાંભળવામાં અને સમજવામાં આવી રહ્યું છે.
આઇ-કૉન્ટૅક્ટથી બાળકમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના વિકસિત થાય છે જે આગળ જઈને તેના ભાવનાત્મક વિકાસનો પાયો બને છે.’
બાળક સહયોગ ન કરે તો?
ઘણા પેરન્ટ્સની એવી ફરિયાદ હોય છે કે બાળક કો-ઑપરેટ કરતું નથી, અમે શું કરીએ? આ વિશે જવાબ આપતાં ધૃતિ જોશી પટેલ કહે છે, `આ સ્થિતિ સામાન્ય છે અને લગભગ દરેક નાના બાળકમાં જોવા મળે છે. બાળકો પ્રતિકાર કરે છે એનો અર્થ એવો નથી કે તેમને જીદ કરવી છે; પણ એટલે કરે છે કારણ કે હજી તેઓ પોતાના શરીર, પોતાની ભાવનાઓ અને પોતાના કન્ટ્રોલને સમજવાનું શીખી રહ્યાં હોય છે. એવામાં માતા-પિતા શાંતિ અને સંયમથી કામ લે એ જરૂરી છે. સૌથી પહેલાં સંવાદના માધ્યમથી બાળક સાથે કનેક્શન બનાવવું જરૂરી છે. એનાથી તેનું રેઝિસ્ટન્સ ઓછું થઈ જશે. જો બાળક તો પણ રડે અથવા ના પાડે તો થોડી વાર રોકાઈને તેને શાંત કરો. તમારો વાત કરવાનો ટોન સૉફ્ટ હોવો જોઈએ અને સ્પર્શ પણ જેન્ટલ હોવો જોઈએ. એનાથી બાળક શાંત થશે અને કો-ઑપરેટ કરવાનું ચાલું કરશે. ઘણાને આ વલણ વધુપડતું મૉડર્ન લાગી શકે, કારણ કે અગાઉના સમયમાં પેરન્ટિંગને લઈને એટલી જાગરૂકતા નહોતી. એ સમયે પેરન્ટ્સ બાળકને સમજવાની જગ્યાએ તેને વઢીને કે ચૂપ કરાવીને તેની પાસેથી કામ કરાવડાવી લેતા હતા. એનાથી બહારથી તો બાળક શાંત થઈ જતું હતું, પણ અંદરથી તેનું દિમાગ અને ભાવનાત્મક વિકાસ રોકાઈ જતાં હતાં. આજના પેરન્ટ્સ બાળકની સાઇકોલૉજી, તેના ડેવલપમેન્ટ સ્ટેજિસ અને તેની ઇમોશનલ નીડ્સને સમજવા લાગ્યા છે. તે સમજવા લાગ્યા છે કે તેમનો ઉદ્દેશ ફક્ત બાળકનો ઉછેર નહીં; પણ તેને એક સંવેદનશીલ, સમજદાર અને ઇમોશનલી બૅલૅન્સ્ડ વ્યક્તિ બનાવવાનો છે.’


