ખૂબ જ ઓછી સ્ત્રીઓને ખબર હોય છે કે જો આ પરિસ્થિતિ હોય તો તેમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની તકલીફ હોઈ શકે છે. ઇન્સ્યુલિન શરીરનું અત્યંત મહત્ત્વનું હૉર્મોન છે.
પ્રતીકાત્મક તસવીર
આજકાલ સ્ત્રીઓનો એક વર્ગ છે જે પોતાનું વજન ઓછું કરવા આકાશ-પાતાળ એક કરતો જોવા મળે છે. પોતાની ઇચ્છાને મારી-મારીને જીવતી હોય છે, બધા માટે મીઠાઈ બનાવે પણ પોતે ચાખે પણ નહીં. આઇસક્રીમ-ચૉકલેટનો સ્વાદ પણ જાણે કે ભૂલી ગઈ હોય, સમય ન મળે તો પણ અને થાકી ગઈ હોય તો પણ જિમમાં તોળાતી હોય. બસ એ માટે કે તે દૂબળી થઈ જાય. પરંતુ આટઆટલા પ્રયત્નો છતાં જ્યારે રિઝલ્ટ ન મળે ત્યારે તે હતાશ થઈ જાય છે.
ખૂબ જ ઓછી સ્ત્રીઓને ખબર હોય છે કે જો આ પરિસ્થિતિ હોય તો તેમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની તકલીફ હોઈ શકે છે. ઇન્સ્યુલિન શરીરનું અત્યંત મહત્ત્વનું હૉર્મોન છે. જ્યારે શરીરના કોષો એ ઇન્સ્યુલિન હૉર્મોનને બરાબર રિસ્પૉન્ડ ન કરતા હોય એ પરિસ્થિતિ એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. જો આ પરિસ્થિતિ આમ જ રહે તો એ ટાઇપ ટૂ ડાયાબિટીઝમાં પરિણમે છે. આ અવસ્થાને કારણે વ્યક્તિ ઓબીસ બની શકે અને ઓબીસ વ્યક્તિઓને આ અવસ્થા આવે. આમ એ ન કહી શકાય કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને લીધે જ વ્યક્તિને ઓબેસિટી આવી કારણ કે એનાં એક નહીં, જુદાં-જુદાં ઘણાં કારણો હોઈ શકે છે. પરંતુ એ નક્કી હોય છે કે જ્યાં સુધી રેઝિસ્ટન્સ કન્ટ્રોલમાં ન આવે ત્યાં સુધી એ સ્ત્રીનું વજન ઊતરશે નહીં. આમ એ ખૂબ જરૂરી છે કે તેના રેઝિસ્ટન્સ પર કાબૂ કરવામાં આવે.
ADVERTISEMENT
ઓબેસિટી હંમેશાં કૉમ્પ્લેક્સ હોય છે. એની પાછળ જવાબદાર કારણોને પકડો નહીં ત્યાં સુધી તમે એનાથી પીછો છોડાવી ન શકો. ઘણા લોકો પોતાની સમજ પ્રમાણે વર્તે છે પરંતુ હંમેશાં આ રીતે રિઝલ્ટ મળતાં નથી કારણ કે તમારા વધેલા વજનના મૂળમાં શું છે એ જાણવું જરૂરી છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એક એવો જ પ્રૉબ્લેમ છે જે સરળતાથી ખબર પડતી નથી. પરંતુ એ હોય એટલે વજન સરળતાથી ઘટવું અઘરું છે. આ રેઝિસ્ટન્સને કારણે શરીર ગ્લુકોઝ વાપરી જ ન શકે માટે એ જમા થતું જાય. આમ તમે ઓછું પણ ખાતા હો તો પણ વજન વધ્યા કરે છે. વજન વધારે હોય એટલે તમે તમારો ખોરાક વધુ ને વધુ ઓછો કરતા જાઓ. એ કારણે શરીરમાં વિટામિનની અને પોષણની ઊણપ સર્જાય. એને કારણે પણ વજન વધે છે. જ્યારે તમારું વજન વધતું જ જાય અને તમારા પ્રયત્નો સફળ ન થાય એટલે સ્ટ્રેસ આવે. એને કારણે પણ વજન વધે છે. હૉર્મોન્સ ઇમ્બૅલૅન્સ થાય અને શારીરિક અને માનસિક હેલ્થ જોખમાય છે. આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. એક યોગ્ય નિદાન, વ્યવસ્થિત લાઇફસ્ટાઇલ અને થોડી ધીરજ યોગ્ય રિઝલ્ટ આપવામાં મદદ કરે છે.

