ક્રૉનિક કિડની ડિસીઝનો એક કાયમી ઇલાજ કિડની ટ્રાન્સપ્લાન્ટ છે જે ખર્ચાળ છે અને એટલું જ નહીં, એના માટે કિડની ડોનરની પણ જરૂર પડે છે.
પ્રતીકાત્મક તસવીર
એક ડૉક્ટર તરીકે અમે સમાજનું ઘણું વરવું રૂપ પણ જોયું છે. સ્ત્રી અને પુરુષમાં થતો ભેદભાવ અમે અમારા દૈનિક જીવનમાં જોઈએ છીએ. આપણે ત્યાં એવું છે કે એક સ્ત્રી બીમાર હોય તો એ બાબતે પરિવારજનો ખાસ ચિંતા નથી કરતા. સ્ત્રી પોતે પણ આ બાબતે ખાસ ચિંતા નથી કરતી. જેમ છે એમ ચાલવા દેતી હોય છે. કિડનીની તકલીફ મોટા ભાગે પ્રોગ્રેસિવ હોય છે એટલે કે ધીમે-ધીમે વધે છે. એકદમ જ સામે આવતી નથી કે જેમાં તાત્કાલિક ડૉક્ટર પાસે જવું પડે. આ રોગ એવો છે જેમાં જલદી નિદાન એનો ઉપાય છે અને સ્ત્રી રેગ્યુલર ચેકઅપ બાબતે ઉપેક્ષા સેવતી હોય છે. સ્ત્રીના ઇલાજ પ્રત્યે પણ ઘણા પરિવારોમાં ઉપેક્ષા સેવાય છે. સમયસર ઇલાજ ન કરાવીએ તો આ રોગ જીવલેણ સાબિત થાય છે.
ક્રૉનિક કિડની ડિસીઝનો એક કાયમી ઇલાજ કિડની ટ્રાન્સપ્લાન્ટ છે જે ખર્ચાળ છે અને એટલું જ નહીં, એના માટે કિડની ડોનરની પણ જરૂર પડે છે. આ બાબતે પણ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ટ્રાન્સપ્લાન્ટ વધુ થાય છે એટલું જ નહીં, આપણી સ્ત્રીઓ કિડની ડોનેટ કરવામાં આગળ છે પરંતુ ડોનેશન મેળવવામાં ઘણી પાછળ છે. તેને કિડની દેવા તૈયાર થનારા લોકો ઓછા છે. ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દરદી આવે તો અમે સમજાવીએ છીએ કે ઘરના લોકો જો કિડની ડોનેટ કરવા તૈયાર થાય તો એનાથી બેસ્ટ કંઈ જ નથી. મોટા ભાગે અમે જોઈએ છીએ કે ઘરની સ્ત્રીઓ પુરુષો માટે કિડની દેવા તૈયાર થઈ જતી હોય છે એટલું જ નહીં, તેને મનમાં એવો ભાવ પણ નથી હોતો કે તે કેટલું મોટું કામ કરી રહી છે. તેને મન એ વ્યક્તિને બચાવવી ઘણી મહત્ત્વની હોય છે પરંતુ અફસોસ એ વાતનો છે કે જ્યારે દરદી સ્ત્રી હોય ત્યારે પુરુષો તરફથી આવો પ્રતિભાવ હંમેશાં મળતો નથી. મોટા ભાગના બહાનાં બનાવતા હોય છે કે હું એકલો જ કમાનારો છું અને જો મને કંઈ થઈ ગયું તો પછી પરિવારનું શું? આ બહાનાં આમ જુઓ તો સ્ત્રી માટે પણ લાગુ પડે છે. પરંતુ આવાં બહાનાં સ્ત્રીઓ બતાવતી નથી. માતા-પિતા કે ભાઈ-બહેન જેવા લોહીના સંબંધોમાં પણ સ્ત્રીઓ જ કિડનીદાન કરવા આગળ આવી છે. જો પોતાના બાળકને કિડનીની તકલીફ હોય તો એ માતા-પિતા બન્નેની જવાબદારી છે કે પોતાની કિડની આપીને તેને બચાવે, પરંતુ આ જવાબદારીમાં અમે જોયું છે કે માતાઓ જ આગળ છે. આ રીતોને બદલવાની જરૂર છે. સ્ત્રીઓ પણ એટલી જ કાળજીની હકદાર છે એ સમજવું રહ્યું.

