ખોટી રીતે દવાનું સેવન કરવાથી એના ગુણો શરીરમાં શોષાવાને બદલે રિવર્સ ઇફેક્ટ પેદા કરે છે અને એ આડઅસરમાં પરિણમે છે
પ્રતીકાત્મક તસવીર
આપણા રૂટીનમાં ચા-કૉફી અને દૂધ-છાશનું ચલણ એટલું બધું છે કે એ આદત બની ગયું છે, પણ ઘણા લોકો દવા પાણી સાથે ન લેતાં આ પીણાં સાથે લે છે. આ રીતે દવા પીવાથી દવાની અસર ઘટી જાય છે અને સાઇડ-ઇફેક્ટ્સ થવાનું જોખમ રહે છે ત્યારે એક્સપર્ટ પાસેથી જાણીએ કે પાણી સિવાયના પીણા સાથે દવા લેતી વખતે લોકો સૌથી વધુ કેવી ભૂલ કરે છે અને રોજિંદી દવા લેતા લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
કૅફીનનું જોખમ
ADVERTISEMENT
દવા લેતી વખતે લોકો કેવા પ્રકારની સામાન્ય ભૂલો કરે છે અને એનાથી કેવાં પરિણામો આવી શકે છે એ વિશે વાત કરતાં ફૅમિલી ફિઝિશ્યન ડૉ. ઇલા શાહ કહે છે, ‘ચા, કૉફી, દૂધ કે જૂસ સાથે દવા લેવાની ભૂલ સૌથી મોટી હોય છે. આ ઉપરાંત ઘણા લોકો ખાલી પેટે કે ભોજન સાથે લઈ લે છે અથવા ડૉક્ટરની સૂચનાઓનું પાલન કર્યા વગર આડેધડ પોતાની મનમરજીના હિસાબે દવા લે છે. કોઈ પણ દવા આડેધડ લેવાથી અથવા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વગર લેવાથી એનાં ગંભીર પરિણામો આવી શકે છે એ વાતને ગળે ઉતારવી પડશે.’
દવા જલદી અસર કરે એ માટે ચા-કૉફી સાથે લેવાની ગેરસમજ અત્યંત જોખમી છે. ચા અને કૉફી જેવાં પીણાંમાં રહેલું કૅફીન અમુક દવાઓના ઍબ્સૉર્બ્શન, ચયાપચયની ક્રિયા અને ઉત્સર્જન-પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. એ દવાને શરીરમાં વધુ સમય સુધી રાખી શકે છે અથવા એની અસર ઝડપથી ઓછી કરી શકે છે. એટલે જો તમે કૅફીનયુક્ત પીણા સાથે દવા પીધી હોય તો એની અસર ખૂબ ઝડપથી થશે અથવા તો ધીમે-ધીમે થશે. આ બન્ને પ્રક્રિયા શરીરના ફંક્શનિંગ માટે જોખમી છે. કૅફીન ખાસ કરીને ઍન્ટિ-બાયોટિક્સ, થાઇરૉઇડ, અસ્થમાની દવા, હૃદયરોગની દવા કે નર્વસ સિસ્ટમ પર અસર કરતી દવાને અસર કરે છે. આ દવાઓ સાથે કૅફીન લેવાથી અનિદ્રા અને બેચેની વધી શકે છે. દૂધને ઍન્ટિ-બાયોટિક્સનો દુશ્મન માનવામાં આવે છે.
દૂધમાં રહેલું કૅલ્શિયમ ટેટ્રાસાયક્લાઇન અને ક્વિનોલોન ગ્રુપની અમુક ઍન્ટિ-બાયોટિક્સ સાથે આંતરડાંમાં ઓછું શોષાય છે અને એની અસરકારતા ઘટી જાય છે. એને જ કારણે મૅગ્નેશિયમ અને આયર્નવાળાં સપ્લિમેન્ટ્સ પણ ઍન્ટિ-બાયોટિક્સ સાથે ન લેવાય તો સારું. ચા કે ગરમ દૂધ સાથે દવા પીવાથી એનું રાસાયણિક બંધારણ બદલાઈ જાય છે અને એની અસર ઓછી થાય છે. ઠંડાં પીણાં દવાની અસરને સીધી રીતે બદલતાં નથી, પણ કૅફીન અને સાકર હોવાથી બીજી રીતે સાઇડ-ઇફેક્ટ આપી શકે છે.
જે દવાઓ ખાલી પેટે લેવાની સલાહ અપાય છે એ ગૅસ્ટ્રિક ઍસિડ ઘટાડનારી હોય છે. એ લોહીના પ્રવાહમાં ઝડપથી શોષાય છે અને ખોરાક એની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરતો નથી ત્યારે વિટામિન D જેવી દવા ચરબીયુક્ત આહાર સાથે લેવાની ભલામણ કરવામાં આવે છે. જ્યારે તમે વિટામિન Dની ગોળી દૂધ, ઘી, તેલવાળું ભોજન, માખણ, બદામ જેવા ચરબીયુક્ત આહાર સાથે લો છો ત્યારે એ વિટામિનનું શોષણ શરીરમાં ઘણું વધારે થાય છે. આ ગોળી બપોર કે રાતના ભોજન સાથે લેવાથી એની અસર સૌથી વધુ રહે છે.
ઍસિડની આડઅસર
ઘણા લોકો જૂસ સાથે ગોળી ગળતા હોય છે ત્યારે તેમને થનારી સાઇડ-ઇફેક્ટ્સ વિશે વાત કરતાં ડૉ. ઇલા શાહ કહે છે, ‘ખાસ કરીને ગ્રેપ જૂસ સાથે દવા લેવી જોખમી સાબિત થઈ શકે છે. એ આંતરડાંનાં ઍન્ઝાઇમ્સને અવરોધે છે જે દવાને પચાવવા માટે જવાબદાર છે. આવું થાય તો દવા પ્રૉપર પ્રોસેસ થયા વગર લોહીમાં મિક્સ થાય તો દવાની અસર વધે છે અને ગંભીર આડઅસરો થવાનું જોખમ પણ વધે છે. ખાસ કરીને કૉલેસ્ટરોલ ઘટાડતી દવા, બ્લડ-પ્રેશરની દવા અને ઍન્ગ્ઝાયટીની મેડિસિનની અસરને ઓછી કરે છે. સફરજન અને નારંગીના જૂસથી પણ દવાની અસરકારકતા ઘટી શકે છે.’
આઇડિયલ ગૅપ
દવાની આડઅસરને ટાળવા માટે દવા અને કૅફીનયુક્ત પીણાં કે દૂધ, જૂસ વચ્ચે કેટલા સમયનું અંતર હોવું જોઈએ એ વિશે ડૉ. ઇલા શાહ કહે છે, ‘દવા પીધા પછી ઓછામાં ઓછી ૩૦ મિનિટ અને વધુમાં વધુ એક કલાકનો ગૅપ રાખવો જઈએ. જો તમે ઍન્ટિ-બાયોટિક્સ કે આયર્ન સપ્લિમેન્ટ્સ લો છો તો ચા-દૂધ કે કૉફીથી ઓછામાં ઓછું બે કલાકનું અંતર જાળવવું જરૂરી છે જેથી ઍબ્સૉર્બ્શનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થઈ શકે. આટલું જાણ્યા બાદ ઘણા લોકોને એવો પણ વિચાર આવ્યો હશે કે આ ગૅપ કેવી રીતે નક્કી થાય? ખાલી પેટે એટલે ભોજનના એક કલાક પહેલાં અને બે કલાક પછી દવા લેવી જોઈએ. આ ગૅપ એટલા માટે જરૂરી છે જેથી ખોરાક દવાના શોષણમાં દખલ ન કરે. ખાસ કરીને ઍન્ટિ-બાયોટિક્સ. કેટલીક દવા ખાધા પછી તરત જ દવા પીવાની હોય છે. આવું કરવાથી ખોરાક પેટમાં થતી બળતરાને ઓછી કરે છે - જેમ કે આઇબુપ્રોફેન. લિક્વિડ ઍન્ટિ-બાયોટિક્સ પણ સમાન નિયમોનું પાલન કરે છે. જોકે લિક્વિડ ફૉર્મની દવા ઝડપથી ઍબ્સૉર્બ થાય છે, પણ જો દૂધ કે જૂસ સાથે પીવામાં આવે તો એની અસરકારકતા ઘટે છે. કૉફી, ચા, અને દૂધ આયર્નના શોષણને અવરોધે છે. આયર્નનું શોષણ વધારવા માટે એને લીંબુ શરબત કે નારંગી જૂસ જેવાં વિટામિનયુક્ત પીણાં સાથે લેવું શ્રેષ્ઠ છે. જો આની સાથે બીજી કોઈ દવા લેવાતી હોય તો જૂસ સ્કિપ કરવું. કૅલ્શિયમને આયર્નનાં સપ્લિમેન્ટ્સ સાથે લેવું જોઈએ નહીં. એ એકબીજાના ઍબ્સૉર્બ્શનમાં દખલગીરી કરે છે જેને લીધે હેલ્થ સુધરવાને બદલે બગડી શકે છે.’
આ ગાઇડલાઇન્સને ફૉલો કરો
મોટા ભાગના લોકો દવા પાણી સાથે જ પીતા હોય છે, પણ જ્યારે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પાણીની સુવિધા ન મળે તો જૂસ કે ચા-કૉફી સાથે પીતા હોય છે. આવા સમયે પણ દવા નૉર્મલ પાણી સાથે પીવાનો જ આગ્રહ રાખવો. જો શુદ્ધ પાણી ન મળે તો દવા પીવાનું સ્કિપ કરી દો.
જો લંચ એક વાગ્યે લેવાનું હોય અને દવા ખાલી પેટે લેવાની હોય તો દવા ૧૨ વાગ્યે પી લો. દવાની સ્ટ્રિપ્સ કે બૉટલ પર લખેલી સૂચનાને ધ્યાનપૂર્વક વાંચો. એને કેવી રીતે લેવાની હોય છે એ એમાં લખેલું હોય છે.
તમને ચા-કૉફી-દૂધનું રેગ્યુલર સેવન કરવાની આદત હોય તો દવા અને આ પીણા વચ્ચે સરેરાશ બે કલાકનું અંતર જાળવવું જરૂરી છે.
બ્લડ-પ્રેશર કે કૉલેસ્ટરોલની નિયમિત દવા પીતા હો તો ગ્રેપફ્રૂટ અને એના જૂસની આહારમાંથી બાદબાકી કરો.
કોઈ પણ નવી દવા શરૂ કરો તો તરત જ ડૉક્ટર અથવા ફાર્મસિસ્ટને પૂછી લો કે આ દવા સાથે હું શું પી શકું?


