સ્થાનિક સમાજના લોકોએ પણ અવધેશના આ પગલાને દહેજપ્રથા સામે મજબૂત સંદેશ ગણીને આભાર માન્યો હતો.
લગ્ન સમયની તસવીર
લગ્નમાં દહેજ માગતો દુલ્હો તો જાયો હશે, પણ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એક ગામમાં અવધેશ રાણા નામના દુલ્હાએ તેને આપવામાં આવેલા રોકડ દહેજની રકમ કન્યાપક્ષને પાછી આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાહબુદ્દીનપુર ગામમાં ગયા રવિવારે અદિતિ સિંહ સાથે અવધેશનાં લગ્ન લેવાયાં હતાં. બૅન્ક્વેટ હૉલમાં ધામધૂમથી લગ્ન થઈ રહ્યાં હતાં. અદિતિના પિતાનું વર્ષો પહેલાં અવસાન થઈ ચૂકેલું. આ લગ્ન તેના મામા અને નાનાએ મળીને કરાવ્યાં હતાં. દીકરીના પિતાએ લગ્ન માટે બચાવેલી રકમ મામા-નાનાએ અવધેશકુમારને આપી હતી જે લગભગ ૨૧ લાખ રૂપિયા જેટલી હતી. જોકે અવધેશકુમારે એ રકમ સાસરિયાંને પાછી આપી દીધી હતી. અવધેશે પહેલેથી જ કહેલું કે હું દહેજ નહીં લઉં. તેણે લગ્નસમારંભ વખતે ૨૧ લાખ રૂપિયા રોકડા અદિતિના નાના-મામાને પાછા આપતાં કહ્યું હતું કે ‘આ પૈસા અદિતિના પપ્પાના પરસેવાની કમાણીના છે જે તેનાં મમ્મી અને નાનાએ સાચવી રાખ્યા છે એટલે એના પર હક તેમનો છે, મારો નહીં.’
આ ઘટના સમયે હાજર સૌ વડીલોનાં અવધેશકુમારે દિલ જીતી લીધાં હતાં. અદિતિ પણ પતિના આ વલણ પર ઓળઘોળ થઈ ગઈ હતી. સ્થાનિક સમાજના લોકોએ પણ અવધેશના આ પગલાને દહેજપ્રથા સામે મજબૂત સંદેશ ગણીને આભાર માન્યો હતો.


