Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શિયાળામાં ફેફસાંને સ્વસ્થ રાખવા માટે આટલું કરજો

શિયાળામાં ફેફસાંને સ્વસ્થ રાખવા માટે આટલું કરજો

Published : 20 November, 2025 01:54 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ઠંડીની સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ નબળી થાય એટલે સૌથી પહેલાં ફેફસાં અને શ્વસનતંત્રને જ નબળાં પાડે છે. આપણા રેગ્યુલર રૂટીનમાં થોડા ફેરફાર કરીને એનાથી બચી શકાય એમ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તહેવારોની મોસમ પછી ઋતુમાં આવતો બદલાવ આપણાં ફેફસાં માટે મોટો પડકાર ઊભો કરે છે. ઘટતું તાપમાન અને વધતા જતા પ્રદૂષણનું સ્તર શ્વસનપ્રક્રિયામાં અવરોધ ઊભો કરી શકે છે. ઠંડી હવા શ્વાસનળીને સંકોચે છે. એને લીધે ઉધરસ, કફ, ઍલર્જી અને લાંબા ગાળાના ફેફસાંના રોગનું જોખમ વધે છે. શિયાળાની ઋતુમાં ફેફસાંના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે જીવનશૈલીમાં કેટલાક નાના ફેરફાર મોટો ફરક લાવી શકે છે. તમારી દિનચર્યાને ગોઠવવાથી લઈને હાનિકારક કણોના સંપર્કને ઘટાડવા માટે કેટલાક નાના ફેરફાર શ્વસનતંત્રને મજબૂત રાખી શકે છે.

N95 માસ્ક



પ્રદૂષણ અને ઋતુના પ્રભાવ વચ્ચે તમારાં ફેફસાં અને શ્વસનતંત્રને સુરક્ષિત રાખવા શું કરવું જોઈએ એ વિશે પરેલમાં આવેલી ગ્લેનીગલ્સ હૉસ્પિટલના સિનિયર ચેસ્ટ ફિઝિશ્યન અને બ્રૉન્કોલૉજિસ્ટ ડૉ. હરીશ ચાફલે કહે છે, ‘જે લોકોને ઍલર્જી હોય, ફેફસાંમાં કોઈ પ્રકારની સમસ્યા હોય, રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, ઇન્ફેક્શનથી પીડાતા હોય એવા લોકો માટે આ ઋતુ રોગની ઋતુ બની શકે છે. ઠંડા વાતાવરણમાં નવાં ઇન્ફેક્શન થઈ શકે છે. ન્યુમોનિયા, શરદી, ઉધરસ, સીઝનલ ફ્લુ થવાનું જોખમ વધે છે. અસ્થમાના દરદીઓને તો આ સીઝનમાં ખાસ કાળજી લેવાની જરૂર છે. વાયુપ્રદૂષણના કણો ફેફસાંમાં જવાથી શ્વસનમાર્ગમાં અવરોધ ઊભો કરે છે જેને લીધે શ્વસન સંબંધિત સમસ્યાઓ સર્જાય છે. તેથી આ ઋતુમાં સ્વાસ્થ્યની એક્સ્ટ્રા કાળજી રાખવી બહુ જ જરૂરી છે. ઠંડી હવામાં રહેલા પ્રદૂષણના કણોને ફિલ્ટર કરવા માટે હાઈ ક્વૉલિટીનો રેસ્પિરેટર માસ્ક વાપરવો જોઈએ. N95 માસ્કમાં અશુદ્ધ હવા ફિલ્ટર થઈને શ્વસનતંત્રમાં પ્રવેશે છે. જો સવારના પહોરમાં બહાર જવાનું થાય તો આ માસ્ક મદદગાર સાબિત થશે. માસ્ક નાક અને દાઢી પર ચુસ્તપણે બેસે એની ખાતરી કરવી જરૂરી છે. આ સાથે ઘરમાં હવાને શુદ્ધ કરનારા ઇન્ડોર પ્લાન્ટ્સ રાખી શકાય. પીસ લિલીઝ, સ્નેક પ્લાન્ટ્સ, એરેકા પામ જેવા છોડ કુદરતી રીતે ઝેરી તત્ત્વોને શોષી લે છે, જેનાથી ઘરની ગુણવત્તા સુધરે છે. આ પ્લાન્ટ્સ તમને ત્યારે જ ફાયદો આપશે જ્યારે તમે એની સરખી જાળવણી કરશો, નહીં તો એનો ફાયદો તમને મળશે નહીં.’


સ્ટીમ-ઇન્હેલેશન

ઠંડા વાતાવરણમાં હવા સૂકી અને પ્રદૂષણયુક્ત હોય છે ત્યારે સ્ટીમ-ઇન્હેલેશન એટલે કે બાફ લેવી એ પરંપરાગત અને અસરકારક ઉપચાર છે એમ જણાવતાં ડૉ. હરીશ જણાવે છે, ‘સૂકી અને ઠંડી હવા ગળા અને નાકને ડ્રાય બનાવી દે છે, જેને લીધે બળતરા થાય છે પણ નિયમિત બાફ લેવામાં આવે તો ગરમ પાણીની વરાળના માધ્યમથી ભેજ શરીરમાં જાય છે જેને લીધે ડ્રાયનેસ અને ખંજવાળ ઓછી થાય છે. શરદી, સાઇનસના કિસ્સામાં જામેલો કફ શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરે છે એ સમયે બાફ લેવાથી કફ સરળતાથી બહાર નીકળી શકે છે અને ફેફસાંની સફાઈ થાય છે. આ ઉપરાંત ગળાની નસનો સોજો ઘટાડવામાં મદદ કરે છે, જેને લીધે બંધ નાક ખૂલે છે, સાઇનસમાં તાત્કાલિક રાહત મળે છે અને માથાનો દુખાવો ઓછો થાય છે. સવારના રૂટીનમાં સ્નાન કરતા પહેલાં જો પાંચથી ૧૦ મિનિટ સહન થાય એટલી બાફ લેવાની. દિવસમાં ફક્ત એક જ વાર લેવી હિતાવહ છે.’


રૂમ-ફ્રેશનરને કહો નો

ઘરમાં સુગંધિત માહોલને જાળવવા માટે લોકો અગરબત્તી, ધૂપ, સેન્ટેડ કૅન્ડલ્સ અને રૂમ-ફ્રેશનર્સનો ઉપયોગ કરે છે, પણ હકીકતમાં એ તમારા ઘરની હવાને સ્વચ્છ અને ફ્રેશ કરવાને બદલે વધુ બગાડવાનું કામ કરે છે એમ જણાવતાં ડૉ. હરીશ કહે છે, ‘રૂમ-ફ્રેશનર, ફ્રૅગ્રન્સવાળી કૅન્ડલ, ડિફ્યુઝર કે જીવજંતુ ન આવે એ માટે માર્કેટમાં મળતી સુગંધિત પ્રોડક્ટ્સ તમારા ઘરની હવાની ગુણવત્તાને સુધારવાને બદલે વધુ બગાડે છે. ફ્રૅગ્રન્સમાં રહેલાં તત્ત્વો શરીરની અંદર જતાં શ્વાસનળીમાં બળતરા પેદા કરી શકે છે. જે લોકોને ઍલર્જી કે શ્વસનતંત્રની સમસ્યા હોય તેમની હેલ્થ પ્રભાવિત થઈ શકે છે; તેમને ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અથવા ગળામાં ઇરિટેશન થઈ શકે છે. આથી ઘરની હવાને શુદ્ધ અને સુગંધિત રાખવા માટે કુદરતી આવશ્યક તેલના ડિફ્યુઝરનો ઉપયોગ કરવો વધુ સારો વિકલ્પ છે. ઘરની અંદર હવાની અવરજવર સુનિશ્ચિત કરવી પણ ખૂબ જ જરૂરી છે, જેથી અંદરની હવા સાફ થઈ શકે અને તમારાં ફેફસાં સ્વસ્થ રહી શકે.’

ડાયટમાં બૅલૅન્સ

શિયાળામાં ડાયટ બૅલૅન્સ કરવું બહુ જરૂરી છે એમ જણાવતાં ડૉ. હરીશ કહે છે, ‘શિયાળાની ઋતુમાં ફેફસાંને સ્વસ્થ રાખવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું બહુ જરૂરી છે. ગરમ પાણી, હર્બલ ચા અને સૂપ પીવા પર વધુ જોર આપવું. પચવામાં ભારે હોય એવું ઑઇલી ફૂડ ખાવાનું અવૉઇડ કરવું જોઈએ જેથી શ્વસનનળી બ્લૉક ન થાય. શિયાળામાં આંદુ, હળદર, ખાટાં ફળો અને પાંદડાંવાળી શાકભાજી ખાવાની ભલામણ કરવામાં આવે છે. આ ઉપરાંત ગરમ દાળ અને ખીચડી જેવો હલકો-ફુલકો આહાર લેવો જેથી પચવામાં સરળ રહે. નારંગી, જામફળ અને દાડમ જેવાં ફળો કુદરતી રીતે ઇમ્યુનિટી વધારે છે અને શિયાળામાં એનું સેવન ફાયદાકારક નીવડે છે.’

આ લોકોએ કરવી પડશે એક્સ્ટ્રા કૅર

શિયાળો અસ્થમા, COPD એટલે કે કૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ અને ઍલર્જી ધરાવતા લોકો માટે સંવેદનશીલ સમય ગણાય છે. ઠંડા વાતાવરણને લીધે શ્વસનની નળી સંકુચિત થવા લાગે છે, જેને લીધે શ્વાસ ફૂલવા, છાતીમાં ભારેપણું જેવાં લક્ષણો જોવા મળે છે. આવા લોકોએ એક્સ્ટ્રા કૅર રાખવી જરૂરી છે. આ વિશે ડૉ. હરીશ કહે છે, ‘ઘણી વખત દરદીઓ જ્યારે તકલીફ થાય ત્યારે જ ઇનહેલર લેવાની ભૂલ કરે છે, જ્યારે વાસ્તવમાં અસ્થમા અને COPD એવી પરિસ્થિતિ છે જેમાં દવા નિયમિત લેવી વધુ જરૂરી છે. દવાઓ નિયમિત લેવાથી શ્વાસનળી અંદરથી સુકાઈ ન જાય, સોજો ઘટે અને શ્વાસ વહી શકે એવા માર્ગ ખુલ્લા રહે. જો દવા માત્ર તકલીફ વખતે જ લેવામાં આવે તો અચાનક ગંભીર અટૅક આવી શકે છે જે તાત્કાલિક સારવારની જરૂર ઊભી કરે છે.

શિયાળામાં ઠંડી હવાથી બચવા બારીબારણાં મોટા ભાગે બંધ રહેતાં હોવાથી ધૂળ ઘરમાં જ અટવાઈ જાય છે અને ભેજનું પ્રમાણ વધવાથી ફંગસ ઝડપથી વધે છે. તેથી બેડશીટ, ઓશીકાનાં કવર અને શાલને નિયમિત ધોઈને સૂર્યપ્રકાશમાં સૂકવવાં. ઠંડા વાતાવરણમાં અસ્થમાનો હુમલો આવી શકે છે તેથી બહાર જતાં પહેલાં મફલર અથવા સ્કાર્ફથી નાક-મોં ઢાંકવું ખૂબ જ જરૂરી છે જેથી ઠંડી હવા ગરમ થઈને શરીરમાં જશે અને ફેફસાં પર સ્ટ્રેસ નહીં આવે.’

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2025 01:54 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK