લગ્નજીવનની એકવિધતા એટલે કે બોરડમને તોડવા અને સંબંધોમાં ફરીથી હૂંફ લાવવા સેક્સ્યુઅલ એક્સપરિમેન્ટ્સ ક્યાંયથી પણ અયોગ્ય, પાપ કે વિકૃતિ નથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજે આપણે જે વિષય પર વાત કરવાની છે એ વિશે કેટલાક પૂછે છે તો કેટલાક વાતને મનમાં જ ભરી રાખી રાખે છે. મૅરેજનાં ૧૫-૧૭ વર્ષ પછી મૅરેજ-લાઇફમાં આવતો આ પ્રશ્ન છે. શરૂઆતનાં વર્ષો જેવું આકર્ષણ હસબન્ડ-વાઇફ વચ્ચે રહેતું નથી. રોજિંદી દિનચર્યા, ઑફિસની ભાગદોડ અને બાળકોની જવાબદારીઓમાં સંબંધ યાંત્રિક બની જાય ત્યારે સંબંધોમાં નવી ઊર્જા લાવવા માટે કેટલાકને સેક્સ્યુઅલ એક્સપરિમેન્ટ્સ ટ્રાય કરવાનું મન થઈ આવે, પણ એ પછી તરત જ મૂંઝવણ જાગે કે હવે આ ઉંમરે આવું કરવું યોગ્ય ગણાય?
આ પ્રશ્ન કોઈ એકલદોકલનો નથી, એક-દોઢ દાયકા વટાવી ચૂકેલાં મોટા ભાગનાં યુગલોનો છે. શરૂઆતમાં જે રોમાંચ અને ઉત્સાહ હોય એ સમય જતાં જવાબદારીઓના બોજ નીચે દબાઈ જાય અને સંબંધ માત્ર એક રૂટીન બનીને રહી જાય.
ADVERTISEMENT
લગ્નજીવનની એકવિધતા એટલે કે બોરડમને તોડવા અને સંબંધોમાં ફરીથી હૂંફ લાવવા સેક્સ્યુઅલ એક્સપરિમેન્ટ્સ ક્યાંયથી પણ અયોગ્ય, પાપ કે વિકૃતિ નથી. જાતીય વિજ્ઞાનને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપનારા ડૉ. પ્રકાશ કોઠારી રજનીશજીનું એક વિધાન ટાંકતા કે શરીર અને મનના આવેગો સ્વાભાવિક છે અને સંબંધને જીવંત રાખવા માટે નવીનતા જરૂરી છે.
જો બન્ને પાર્ટનરની પરસ્પર સંમતિ હોય તો પોતાની પ્રાઇવેટ સ્પેસમાં નવું જોમ લાવવાના પ્રયાસો કરવા એ બિલકુલ કુદરતી છે. ઉંમર વધવાની સાથે સેક્સ્યુઅલ ઇચ્છાઓ પૂરી થતી નથી, માત્ર એનો મનોવૈજ્ઞાનિક અભિગમ બદલાય છે. એટલે જાતને ધિક્કારવાનું કે ગિલ્ટ અનુભવવાનું છોડી દો. હા, એક વાત યાદ રાખો કે કોઈ પણ નવો પ્રયોગ કરતાં પહેલાં જીવનસાથી સાથે ખૂલીને વાત કરો. જો તમે કોઈ ભ્રમ કે સોશ્યલ મીડિયાના પ્રભાવમાં આવીને બળજબરીથી પાર્ટનર પર તમારા વિચારો ઠોકી બેસાડશો તો સંબંધ સુધરવાને બદલે બગડી શકે છે. એ માટે બન્નેની માનસિક તૈયારી હોવી અનિવાર્ય છે.
બીજી વાત, સેક્સ્યુઅલ એક્સપરિમેન્ટ્સનો અર્થ માત્ર શારીરિક ક્રિયાઓ પૂરતો મર્યાદિત નથી. રોજિંદા માહોલમાંથી બહાર નીકળીને ક્યાંક બે-ત્રણ દિવસ એકલા ફરવા જવું, ઑફિસના સમય દરમ્યાન એકબીજાને રોમૅન્ટિક મેસેજ કરવા કે રાત્રે સંતાનોથી દૂર રહીને માત્ર હાથમાં હાથ પરોવીને જૂના દિવસો યાદ કરવા એ પણ એક પ્રકારનો પ્રયોગ જ છે જે મનનું અંતર ઓછું કરે છે.
નિષ્કર્ષ એ જ છે કે લગ્નજીવનમાં આવેલી ઠંડક ઉડાડવા જો મર્યાદામાં રહીને અને પરસ્પર સંમતિથી કંઈક નવું અપનાવવામાં આવે તો એ ઉંમર પ્રમાણે બિલકુલ યોગ્ય છે. જિંદગી માત્ર જવાબદારીઓ નિભાવવા માટે નથી, પ્રેમ અને હૂંફ સાથે માણવા માટે છે. તમારા બેડરૂમની લક્ષ્મણરેખા તમે પોતે નક્કી કરો, સમાજ નહીં.
