જેને આપણે લવ ઍટ ફર્સ્ટ સાઇટ કહીએ છીએ એ હકીકતમાં લિમરન્સ છે. પહેલી જ મુલાકાતમાં થતા આકર્ષણ કે મોહનું વર્ણન કરતી પર્ફેક્ટ પરિભાષા એટલે લિમરન્સ
પ્રતીકાત્મક તસવીર
એ લાગણી વિશે આપણે બધા જાણીએ છીએ. પહેલી જ મુલાકાતમાં કોઈ વ્યક્તિ એટલીબધી ગમવા લાગે કે મનોમન આપણે તેની સાથેના સુખી ભવિષ્યનાં સપનાં જોવા લાગીએ. તેનું સ્માઇલ, તેનો અવાજ, તેની સ્ટાઇલ (ઉફ્ફ) આપણા હૃદયના ધબકારાને એટલી એક્સપ્રેસ સ્પીડમાં મૂકી દે કે એના પર બ્રેક લગાવવી અશક્ય બની જાય. આપણા નિયંત્રણમાંથી છટકીને બેકાબૂ થઈ ગયેલું મન આખો દિવસ તેના જ વિચાર કર્યા કરે. આકાશમાં, વાદળોમાં, વૃક્ષોમાં કે સામે રહેલી દરેક વ્યક્તિમાં તેનો જ ચહેરો દેખાયા કરે અને એવું લાગે કે આપણને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો છે. બટ હેય, વેઇટ અ મિનિટ.
જેને આપણે ‘લવ ઍટ ફર્સ્ટ સાઇટ’ કહીએ છીએ એ ક્યાંક લિમરન્સ તો નથીને? યેસ, Limerence. પહેલી જ મુલાકાતમાં થતા આકર્ષણ કે મોહનું વર્ણન કરતી પર્ફેક્ટ પરિભાષા એટલે લિમરન્સ. આ શબ્દનો ઉલ્લેખ સૌથી પહેલાં ૧૯૭૯માં સાઇકોલૉજિસ્ટ ડોરોથી ટેનોવે કરેલો. ગમતી વ્યક્તિ વિશે કરવામાં આવતી અવાસ્તવિક કલ્પનાઓ અને લાગણીઓને દર્શાવવા માટે ‘લિમરન્સ’ શબ્દ વપરાયેલો. એનો અર્થ થાય ઑબ્સેશનની હદ સુધીની ચાહત, પ્રેમ નહીં. આઇ રિપીટ, પ્રેમ નહીં.
ADVERTISEMENT
દિવસનો મોટા ભાગનો સમય જ્યારે આપણે કોઈ વ્યક્તિ વિશે વિચાર્યા કરીએ છીએ; તેના મેસેજ, ફોન કે મુલાકાતની અધીરા થઈને પ્રતીક્ષા કરીએ છીએ; તેની એક ઝલક કે તેનો અવાજ સાંભળવા માટે ડેસ્પરેટ બની જઈએ છીએ તો આપણું એ ‘ઑબ્સેસિવ’ વર્તન પ્રેમ નથી, એ લિમરન્સ છે. આ અવસ્થાની ખાસિયત એ હોય છે કે સામેવાળી વ્યક્તિ માટે આપણા મનમાં જે લાગણી રહેલી હોય છે એ જ લાગણી સામેની વ્યક્તિ પાસેથી પરત મેળવવા માટે આપણે ધમપછાડા કરીએ છીએ. તેની વાતો કે વિચારો સિવાય આપણું ધ્યાન બીજે ક્યાંય લાગતું જ નથી. સામેવાળી વ્યક્તિ પણ આપણા માટે એવી જ લાગણી સેવે અને અભિવ્યક્ત કરે એવું આપણે સતત ઝંખ્યા કરીએ છીએ. જાણે કે આપણા જીવનનો એકમાત્ર ઉદ્દેશ એ વ્યક્તિ પાસેથી પ્રેમ પામવાનો બની જાય છે. એ અવસ્થા આપણામાં રહેલી એક એવી ભાવનાત્મક ઉત્તેજનાની હોય છે જેમાં આપણે સતત ગમતી વ્યક્તિને ઝંખ્યા કરીએ છીએ. બટ માય ડિયર ફ્રેન્ડ, એ લવ નથી, લિમરન્સ છે.
મનોવિજ્ઞાન તો વર્ષો પહેલાં એવું સ્પષ્ટ કરી ચૂક્યું છે કે ‘લવ ઍટ ફર્સ્ટ સાઇટ’ જેવું કશું જ નથી હોતું. હકીકતમાં પહેલી મુલાકાત પછી આપણે એ વ્યક્તિના નહીં, એ વ્યક્તિની કલ્પનાના પ્રેમમાં પડતા હોઈએ છીએ. લવ અને લિમરન્સ વચ્ચેનો ભેદ જાણવો એટલા માટે જરૂરી છે, કારણ કે ડોપામીનના હુમલાથી શરૂ થતી આ બન્ને અવસ્થાનો ભાવ અને ભવિષ્ય અલગ હોય છે. પ્રેમમાં આત્મીયતા હોય છે, જ્યારે લિમરન્સમાં ફક્ત આકર્ષણ. એકબીજાને જાણ્યા પછી, ભાવનાત્મક ઉત્તેજના અને ઊભરાના શમ્યા પછી જે દીર્ઘકાલીન, સ્થિર અને સ્થાયી સેતુ રચાય છે એ પ્રેમ છે. એકબીજાની નબળાઈઓ, અપ્રિય બાબતો કે મર્યાદાઓ જાણ્યા પછી પણ જે લાગણી પરસ્પર અકબંધ રહે છે એ પ્રેમ છે.
સામેવાળી વ્યક્તિ સાથે સમય પસાર કર્યા વગર કે ઓળખ્યા વગર તેમને ‘ઓવર-ગ્લૉરિફાય’ કરવાની, સતત ઝંખ્યા કરવાની કે તેમની પાસેથી સ્વીકાર પામવાના પ્રયત્નો કરવાની અવસ્થા એટલે લિમરન્સ. એનું પ્રમુખ લક્ષણ સામેવાળી વ્યક્તિ માટેનું ‘ઑબ્સેસિવ થિન્કિંગ’ હોય છે. તેમના વિચારો પીછો જ ન છોડે અથવા બીજે ક્યાંય મન કે ધ્યાન ન લાગે તો એ ઉત્તેજિત મનની અસ્થાયી અવસ્થા છે અને અસ્થાયી હોય એવું કશુંય લાંબો સમય નથી ટકતું. એટલે લિમરન્સ અલ્પકાલીન હોય છે.
લવ કે લિમરન્સ વચ્ચેનો ભેદ જાણવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે એ સંબંધની અસર તમારી બાકીની જિંદગી પર કેવી પડે છે? જો એ વ્યક્તિને પ્રાધાન્ય આપવા માટે તમે તમારાં કામ, સ્વજનો કે મિત્રોની અવગણના કરતા હો તો એ લિમરન્સ છે. તમારો શોખ, ગમતી પ્રવૃત્તિઓ, જિમ કે પૅશન પડતું મૂકીને જો તમે કોઈ વ્યક્તિની પાછળ આંધળી દોટ લગાવો છો તો એ લિમરન્સ છે. તમે તેમના પર ‘ઇમોશનલી ડિપેન્ડન્ટ’ થઈ ગયા હો, તેમની નજીવી વાતો, સૂક્ષ્મ રીઍક્શન્સ કે પ્રત્યેક મેસેજની તમારા પર ઊંડી અસર થતી હોય તો એ અસલામતી અને અસ્થાયીપણું લિમરન્સ સૂચવે છે.
પ્રેમમાં ઉત્તેજના હોઈ શકે પણ ઉચાટ કે ઉદ્વેગ નથી હોતો. ઓળખ મેળવવાની ઘેલછા નથી હોતી. પ્રેમ ખળખળ વહેતી નદી જેવી શાંત અવસ્થા છે જે સતત ગતિમાં રહે છે અને છતાં એમાં રઘવાટ નથી હોતો. પ્રેમમાં પડેલી વ્યક્તિ પોતાની આસપાસના વાતાવરણ અને વ્યક્તિઓ પ્રત્યે ઉદાર બની જાય છે. નદીની જેમ તે પોતાના સંપર્કમાં આવતા દરેક જણને શીતળતા આપે છે. એ વ્યક્તિ અકારણ ખુશ રહેવા લાગે છે. પ્રેમમાં ઠહરાવ, ઠાવકાઈ અને ઠંડક હોય છે. લિમરન્સમાં અધીરાઈ, અસંતોષ અને અસલામતી હોય છે. પ્રેમમાં આપવાની વૃત્તિ હોય છે અને લિમરન્સમાં પામવાની. પ્રેમ રાહત આપે છે અને લિમરન્સ અસ્વસ્થ કરે છે. પ્રેમ એટલે ઉન્નતિ, લિમરન્સ એટલે અવનતિ. એક અવસ્થા ઉદ્ધાર તરફ લઈ જાય છે અને બીજી અવદશા તરફ. એટલે એ બન્ને વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે.

